રાજપીપળામાં આજે નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાનો ભવ્ય પ્રારંભ થયો છે. સંત સાંવરિયા મહારાજ, સાધુસંતો અને પરિક્રમાર્થીઓએ માં રેવાના દર્શન કરી, પુષ્પ અર્પણ અને દીપ પ્રાગટ્ય સાથે આ આધ્યાત્મિક યાત્રાનો શુભારંભ કર્યો. કલેક્ટર એસ.કે. મોદીના જણાવ્યા અનુસાર, યાત્રાળુઓની સુવિધા માટે મજબૂત બ્રિજ બનાવવામાં આવ્યો છે. ટેન્ટ અને રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુ બોટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. સખી મંડળની બહેનોને ઓર્ગેનિક ફૂડ અને અન્ય વસ્તુઓના વેચાણ માટે સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ માહિતી આપી કે, શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત છે. તિલકવાડા-શહેરાવ ઘાટ પર કામચલાઉ બ્રિજ અને રીંગણ-રામપુરા ઘાટ વચ્ચે બોટની વ્યવસ્થા કરાઈ છે. આકસ્મિક સંજોગો માટે સ્પીડ બોટ્સ પણ તહેનાત છે. પરિક્રમા દરમિયાન મહિલાઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા, હેલ્થ ટીમ અને 24×7 પેટ્રોલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ચારે ઘાટ પર ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અને પીએસઆઇ રેન્કના જવાનો તહેનાત કરાયા છે. સ્વચ્છતા જાળવણી માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.