પોરબંદરમાં આજથી વિમાની સેવા ફરી શરૂ થઈ છે. મુંબઈથી સવારે 11:10 કલાકે ઉડાન ભરેલું વિમાન બપોરે 12:50 કલાકે પોરબંદર એરપોર્ટ પર ઉતર્યું હતું. હવે સપ્તાહમાં બે વખત મુંબઈ-પોરબંદર વચ્ચે વિમાની સેવા ઉપલબ્ધ રહેશે. 1980ના દાયકાથી પોરબંદરમાં મુંબઈ, અમદાવાદ અને દિલ્હી સુધીની વિમાની સેવા કાર્યરત હતી. જો કે, કોરોના મહામારી દરમિયાન આ સેવા બંધ થઈ ગઈ હતી. ત્રણ વર્ષથી બંધ રહેલી આ સેવાને ફરી શરૂ કરવા માટે વેપારીઓ અને વિવિધ સંસ્થાઓએ રજૂઆત કરી હતી. પોરબંદરના સાંસદ ડૉ. મનસુખ માંડવિયાના પ્રયાસોથી આ સેવા ફરી શરૂ થઈ શકી છે. પ્રથમ વિમાનના આગમન પર પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. તેમણે મુસાફરોનું ગુલાબના પુષ્પથી સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું કે આ વિમાની સેવાથી પોરબંદર અને આસપાસના જિલ્લાના લોકોને લાભ મળશે. શહેરીજનોએ પણ વિમાની સેવા ફરી શરૂ થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.