માંગરોળ તાલુકા પંચાયતના ભાજપના સભ્ય ભરત નટવર પટેલની પોલીસે ધરપકડ કરી છે. તેમની સામે બેંક ઓફ બરોડાનો બનાવટી બોજામુક્તિ પ્રમાણપત્ર બનાવી જમીન વેચવાનો આરોપ છે. ખોટા સહી સિક્કા અંગે સર્કલ ઓફિસરનું ધ્યાન જતાં સમગ્ર મામલાનો ભાંડો ફુટ્યો હતો. આખરે આ મામલે ખુદ માંડવી પ્રાંત અધિકારીએ ફરિયાદી બની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. લીંબાડા ગામમાં આવેલી બ્લોક નંબર 520ની જમીન ભરત પટેલના નામે હતી. તેમણે આ જમીન 5 ઓક્ટોબર 2024ના રોજ હસમુખ ભગુ પટેલ, મંજુલા હસમુખ પટેલ અને ચિરાગ હસમુખ પટેલને વેચી હતી. આ જમીન પર નોગામા સેવા સહકારી મંડળીનો 16 લાખ અને બેંક ઓફ બરોડા અરેઠ શાખાનો 95 લાખ રૂપિયાનો બોજો હતો. ભરત પટેલે 4 ઓક્ટોબર 2024ના રોજનો બોજામુક્તિનો પત્ર રજૂ કર્યો હતો. આ પત્ર માંગરોળના નોટરી અમિત જી. ઠક્કરે પ્રમાણિત કર્યો હતો. કોસંબાના સર્કલ ઓફિસરને આ પત્ર શંકાસ્પદ લાગતા તેમણે બેંકમાં ખરાઈ કરાવી હતી. બેંકના સિનિયર મેનેજરે જણાવ્યું કે આ પત્ર સંપૂર્ણપણે બનાવટી છે. લાંબી તપાસ બાદ જાણવા મળ્યું કે ભરત પટેલ અને નોટરી અમિત ઠક્કરે મળીને બનાવટી પ્રમાણપત્ર તૈયાર કર્યું હતું. માંડવી પ્રાંત અધિકારીની ફરિયાદના આધારે કોસંબા પોલીસે બંને સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ તાલુકાનાં લીંબાડા ગામે બ્લોક નં-520,ક વાળી જૂની શરતની જમીન ભરતભાઈ નટવરભાઈ પટેલનાં સ્વતંત્ર નામે ચાલે છે, જે જમીન રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ નં-6989,2024 તા.05/10/2024થી વેચાણ લેનાર (1) હસમુખ ભગુ પટેલ, (2) મંજુલા હસમુખ પટેલ, (3) ચિરાગ હસમુખ પટેલને ભરત પટેલે વેચાણ આપી હતી. જેની ગામ દફ્તરે ઓનલાઇન ફેરફાર નોંધ ગત તા.07/10/2024નાં 0-2024નાં રોજ માંગરોળ સબ રજીસ્ટર કચેરીમાં દાખલ કરવામાં આવી હતી. જોકે ઉપરોક્ત જમીનનાં બીજા હકમાં નોગામા સેવા સહકારી માંડળી લી. નોગામાનો 16 લાખ રૂપિયાનો બોજો તથા બેંક ઓફ બરોડા અરેઠ શાખાનો 95 લાખ રૂપિયાનો બોજો ચાલી આવતાં જોકે ઉપરોક્ત મામલે અરજદારે ચેક કરતા ગત તા.04/10/2024નાં રોજ બોજા કમી અંગેનો પત્ર માંગરોળનાં નોટરી અમિત.જી.ઠક્કર દ્વારા પ્રમાણિત કરેલી નકલ રજૂ કરી હતી. જોકે સદર મામલે સર્કલ ઓફિસર કોસંબાને ઉપરોક્ત બોજા મુક્તીનાં પ્રમાણપત્ર અંગે શંકા જતાં જેઓ દ્વારા ગત તા.24/10/2024થી બેંક ઓફ બરોડાનો તા.04/10/2024નો બોજો કમી અંગેનો પત્ર ખરાઇ કરવા માટે મોકલ્યો હતો. ત્યારે બેંક ઓફ બરોડાનાં સિનિયર મેનેજર દ્વારા બેંક ઓફ બરોડાનો તા.04/10/2024નો બોજા કમી અંગેનો પત્ર ટોટલી ફેલ્સ અને ફેબ્રીકેટેડ હોવાનું જણાવ્યું હતું. આ ફરજી પત્ર તા.04/10/2024નો બેંકનો બોજા મુક્તીનો પ્રમાણ પત્ર નોટરી અમિત.જી.ઠક્કરના ટૂ કોપીવાળું રજૂ કરાયું હતું. જેની સર્કલ ઓફિસરે બેંકમાં ખરાઈ કરાવતા ઉપરોક્ત બેંકની શાખાનું બોજા મુક્તીનું પ્રમાણપત્ર બનાવટી અને ખોટો હોવાનું જણાઈ આવતાં માંગરોળ વહીવટી તંત્ર ઉપરોક્ત બંને લોકોનાં કરતુતથી ચોંકી ઉઠ્યું હતું. કેટલાક દિવસોની પુરતી તપાસનાં અંતે મૂળ જમીન માલિક ભરત નટવર પટેલ અને નોટરી અમિત. જી. ઠક્કરનાં મેળાપીપળામાં એકબીજાની મદદગારીથી બેંક ઓફ બરોડાનો બોજા મુક્તીનો પ્રમાણપત્ર બનાવટી અને ખોટા સહી સીક્કા સાથે રજૂ કર્યો હોવાનું લાંબી તપાસનાં અંતે જણાઇ આવ્યું હતું. પ્રાંત અધિકારીએ સમગ્ર મામલે કોસંબા પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે માંગરોળ ભાજપ તાલુકા પંચાયત સભ્ય ભરત નટવર પટેલ (રહે.નાના નોગામા પટેલ ફળીયું તા.માંગરોળ) અને નોટરી અમિત.જી.ઠક્કર (રહે નોગામા તા. માંગરોળ) વિરૂદ્ધ બેંક ઓફ બરોડા શાખા તથા વેચાણ લેનાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી પોલીસે ભરત પટેલની ધરપકડ કરી હતી. ભાજપ નેતા ભરત પટેલ પર પોલીસ બાદ ભાજપ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં તેઓને માંગરોળ તાલુકા પંચાયતના સભ્ય પદેથી સસ્પેન્ડ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, ભરત પટેલ પર છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. તેમણે બેંક ઓફ બરોડાનો ખોટો લેટરપેડ બનાવી 95 લાખની છેતરપિંડી કરી હતી. ભાજપ નેતા ભરત પટેલના કારસ્તાન બાદ પોલીસે તેમની ધરપકડ કરી છે. જે બાદ જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ દ્વારા ભરત પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.