શ્રેયસ તલપડે વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 27 માર્ચ, ગુરુવારના રોજ ઉત્તર પ્રદેશમાં કરોડો રૂપિયાના ચિટ ફંડ કૌભાંડમાં સંડોવણી હોવાનો આરોપ એક્ટર લાગ્યો હતો. શ્રેયસ તલપડેની ટીમે 28 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર ઑફિશિયલ નિવેદન બહાર પાડ્યું હતું. ટીમે આ બધા અહેવાલોને નકારી કાઢ્યા હતા અને કહ્યું- આ છેતરપિંડી કેસ સાથે એક્ટરનો કોઈ સંબંધ નથી. શ્રેયસ ઉપરાંત અન્ય 14 લોકો વિરુદ્ધ પણ આ કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. શ્રેયસ તલપડે પર છેતરપિંડીનો આરોપ
IANSના અહેવાલ મુજબ, એક્ટર શ્રેયસ તલપડે લોની અર્બન મલ્ટીસ્ટેટ ક્રેડિટ એન્ડ થ્રિફ્ટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ કંપની સાથે સંકળાયેલા છે. આ કંપની ગ્રામજનો પાસેથી પૈસા લે છે અને બમણું વળતર આપવાનો દાવો કરે છે. આ યોજનામાં રોકાણ કરનારાઓને કહેવામાં આવ્યું હતું કે શ્રેયસ તલપડે પણ કંપની સાથે સંકળાયેલા છે.એવો પણ આરોપ લાગ્યો છે કે પૈસા ડબલ કરવા લાલચ આપી ઘણા ગ્રામજનો પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા. ગ્રામજનોનો આરોપ છે કે આ કંપનીની ઓફિસ 10 વર્ષ પહેલા મહોબામાં શરૂ કરવામાં આવી હતી. તે શ્રેયસ તલપડેનો ચહેરો બતાવીને યોજનાનો પ્રચાર કરતા હતા, જેના કારણે લોકો આ યોજના પર સરળતાથી વિશ્વાસ કરી લેતા હતા. સમયાંતરે ગામલોકોએ નાની રકમ જમા કરાવી, જે લાખો સુધી પહોંચી ગઈ. પૈસા જમા કરાવનારાઓમાં મિકેનિક અને મંજૂરીનું કામ કરતા લોકોનો સમાવેશ થાય છે. લોકો આ યોજના પાછળ પોતાની વર્ષોની મહેનત લગાડી દીધી હતી. જ્યારે લોકોએ કંપનીને પૈસા પરત કરવા કહ્યું, ત્યારે કંપનીના એજન્ટોએ અચાનક ઓફિસ બંધ કરી દીધી અને જિલ્લામાંથી ભાગી ગયા. આ કેસમાં, કંપનીના ચેરમેન શ્રેયસ તલપડે સહિત 15 લોકો વિરુદ્ધ મહોબાના શ્રીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અધિકારીઓએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીના બધા નંબર બંધ છે. કેટલા લોકો સામે કેસ નોંધાયો છે
આ મામલે મહારાષ્ટ્રના રહેવાસી ચેરમેન સમીર અગ્રવાલ, પત્ની સાનિયા અગ્રવાલ, સંજય મુદગિલ, શ્રેયસ તલપડે, લલિત વિશ્વકર્મા, ડાલચંદ્ર કુશવાહા, સુનીલ વિશ્વકર્મા, સચિન રૈકવાર, કમલ રૈકવાર, સુનીલ રૈકવાર, મહેશ રૈકવાર, મોહન કુશવાહા, જીતેન્દ્ર નામદેવ તેમજ નારાયણ સિંહ રાજપૂતના વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. શ્રેયસ તલપડેની આગામી ફિલ્મો
શ્રેયસ તલપડે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઇમરજન્સી’માં જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં, તે મલ્ટીસ્ટારર ફિલ્મ ‘વેલકમ ટુ ધ જંગલ’ માં જોવા મળશે. આ ફિલ્મમાં તેમના સિવાય અક્ષય કુમાર, રવિના ટંડન, જેકલીન ફર્નાન્ડીઝ, જોની લીવર, રાજપાલ યાદવ, સુનીલ શેટ્ટી જેવા ઘણા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. શ્રેયસે ‘પુષ્પા’ ફિલ્મના હિન્દી વર્ઝનમાં અલ્લુ અર્જુનને અવાજ આપ્યો હતો.