કિંજલ ભટ્ટ
તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટમાં ટ્રસ્ટી મંડળના વકરી રહેલા આંતરિક વિવાદ વચ્ચે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ મધ્યસ્થી કરી નિરાકરણ આવે તે માટે પ્રયત્ન આદર્યા છે. વડોદરા જિલ્લાના નર્મદા કિનારે આવેલા કરનાળી તીર્થક્ષેત્ર સ્થિત શ્રી કુબેર ભંડારી મંદિરના શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટમાં નવા ટ્રસ્ટીઓની નિમણૂંક સાથે નવીન ટ્રસ્ટી મંડળની અંદાજિત દોઢ વર્ષ પૂર્વેજ રચના થઇ હતી. જે બાદ મુખ્ય ટ્રસ્ટી મહંત દિનેશગીરીજી અને ટ્રસ્ટી મંડળ દ્વારા કુબેર ભંડારી મંદિરમાં વિવિધ સુવિધાઓ સહિત દેશભરમાંથી દાદાના દર્શનાર્થે આવતા શિવ ભક્તોને સગવડ મળે તે માટેના સકારાત્મક અભિગમ સાથેનું સુકાન સંભાળ્યું હતું. પરંતુ નવીન ટ્રસ્ટી મંડળની રચના બાદ અંદરો અંદર મંદિરના નાણાંકીય તેમજ અન્ય વહીવટ બાબતે અંગે મન મોટાવ થતાં પરિંદુ ભગત, ભરત ભગત અને નિરંજન વૈદ્ય ચેરિટી કમિશનર સમક્ષ પહોંચ્યા હતા અને ગેરવહીવટ થતો હોય વિવિધ વ્યવહારો અને કામગીરી દ્વારા સંસ્થાને થતું નુકસાન રોકવા માંગ કરી હતી. જે અનુસંધાને સંયુક્ત ચેરિટી કમિશનરે 11 એપ્રિલ સુધીનો વચગાળાનો મનાઈ હુકમ ફરમાવ્યો હતો. શુક્રવારે હુકમનું ઉલ્લંઘન કરી મંદિરના પૂજારી તુષાર ભટ્ટ સહિતના પુજારીઓને પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓ દ્વારા બાઉન્સર બોલાવી ટીંગાટોળી કરી મંદિર બહાર ધકેલી દેવાતા મામલો તંગ બન્યો હતો અને મંદિર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. વિવાદ લાંબો ચાલતા મંદિરનો મુખ્ય દરવાજો બંધ રખાયો હતો. આ વિવાદ વધુ ગરમાય અને અમાસની આગલી રાતથી દર્શનાર્થે આવતા ભક્તો હેરાન ન થાય તે માટે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતાએ કરનાળી આવી રાત્રે 12 કલાકે મંદિરના કપાટ ખોલી શનિવારી અમાસના દર્શન ખુલ્લા મુક્યા હતા. પ્રથમ મંદિર ટ્રસ્ટી મંડળ અને બાદમાં પોલીસ સ્ટેશન પહોંચેલા પૂજારીઓ સાથે ચર્ચા કરી નિરાકરણ માટે ભૂમિકા ભજવી હતી. મીડિયા સાથે ની વાતચીતમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ સતત 25 વર્ષથી દર માસની એકાદશીની તિથિએ દર્શને આવું છું પરંતુ પ્રથમવાર મંદિરના કપાટ ખોલવાનો પુણ્ય લાભ મળ્યા નો આનંદ છે. મંદિર ટ્રસ્ટી મંડળ તેમજ પુજારીઓ સાથે પુનઃ બેઠક કરી ટૂંકા ગાળામાં જ આ સમગ્ર વિવાદનું સુ:ખદ સમાધાન લાવીશું. નવીન ટ્રસ્ટી મંડળની રચના દોઢ વર્ષ પૂર્વે જ થઈ, અંદરોઅંદરના વિવાદ પાછળનું મૂળ કારણ શું?