સલમાન ખાન હાલ ફિલ્મ ‘સિકંદર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન, સલમાને તેના પિતા સલીમ ખાન અને માતા સલમા ખાનના લગ્ન વિશે વાત કરી. તેણે કહ્યું કે- તેના માતા-પિતાના સંબંધમાં સૌથી મોટી સમસ્યા તેમનો ધર્મ નહીં, પરંતુ તેના પિતાનો પ્રોફેશન હતો. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, સલમાન ખાને કહ્યું કે- તેના માતા-પિતાનો ધર્મ અલગ અલગ હોવા છતાં, તે તેમના લગ્નમાં કોઈ મોટો મુદ્દો નહોતો. ખરી સમસ્યા એ હતી કે તેમના પિતા સલીમ ખાન ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા. સલમાને જણાવ્યું કે- તેની માતાનો પરિવાર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પસંદ કરતો નહોતો એટલા માટે તે દીકરીના ભવિષ્ય વિશે ચિંતિત હતો. તેમને લાગ્યું કે આ ફિલ્ડનું કોઈ ભવિષ્ય નથી. જોકે, સમય જતાં સલીમ ખાનની સફળતાએ બધાને ખોટા સાબિત કર્યા. સલીમ ખાન અને સલમાના લગ્ન 1964માં થયા હતા
સલમાનના પિતા અને સ્ક્રિપ્ટ રાઈટર સલીમ ખાને 1964માં સુશીલા ચરક સાથે લગ્ન કર્યા હતા. સુશીલાનો જન્મ એક મરાઠી હિન્દુ પરિવારમાં થયો હતો. સલીમ ખાન સાથે લગ્ન કરવા માટે, તેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને પોતાનું નામ બદલીને સલમા રાખ્યું. સલીમના બીજા લગ્ન એક્ટ્રેસ હેલન સાથે થયા હતા, જે એક ખ્રિસ્તી છે. ફક્ત સલમાનના પિતા જ નહીં, તેના ભાઈ-બહેનો પણ અલગ-અલગ ધર્મોમાં લગ્ન કરેલા છે. આવતી કાલે સલમાન ખાનનું ‘સિકંદર’ રિલીઝ થશે
ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ડિરેક્શન એઆર મુરુગાદોસે કર્યું છે, જેણે ગજનીનું પણ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મમાં સલમાન ખાન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે કાજલ અગ્રવાલ, શરમન જોશી અને પ્રતીક બબ્બર પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે. ફિલ્મનું એડવાન્સ બૂકિંગ 25 માર્ચથી શરૂ થઈ ગયું છે.