ગુજરાતમાં હેલ્મેટનો કાયદો અમલી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મળેલી સૂચનાના આધારે પોલીસ સ્ટાફ દ્વારા સરકારી કચેરીઓ આસપાસ ચેકિંગ ડ્રાઈવ રાખવામાં આવે છે તેવામાં અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રાજકોટ સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાં હેલ્મેટ વિના ત્રણથી વધુ વખત વાહન ચલાવતા ઝડપાયેલા લોકોને લિસ્ટ મોકલવામાં આવ્યું છે. જેના આધારે રાજકોટ આરટીઓ કચેરી દ્વારા 58 વાહન ચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે. સૌપ્રથમ વખત એવું બનશે કે હેલ્મેટ ન પહેરવા બદલ રાજકોટમાં કોઈ વ્યક્તિનું લાયસન્સ સસ્પેન્ડ થયું હોય. રાજકોટના આરટીઓ અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતુ કે, રાજકોટ આર.ટી.ઓ. કચેરી દ્વારા 3 અને તેથી વધારે વખત હેલ્મેટ પહેર્યા વગર પકડાયેલ વાહન ચાલકોનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરવામા આવી છે. અમદાવાદ ટ્રાફિકના નાયબ પોલીસ કમિશનર દ્વારા રાજકોટ આરટીઓને વાહન માલિકના લિસ્ટ સાથે વિગતો મોકલેલ હતી જેમાં 3 થી વધારે વખત હેલ્મેટ ન પહેરીને પકડાયેલ વાહનોની વિગતો મોકલી આપેલ હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ રીતે 3 થી વધારે વખત હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવતા પકડાયેલ વાહન ચાલકોના કે જે રાજકોટ જિલ્લાના રહેવાસી હોય તેમના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે કુલ 58 વાહન ચાલકોને નોટિસ પાઠવી છે તેમજ 10 દિવસમા ખુલાસો રજુ કરવા જણાવવામાં આવ્યું છે. જો તેઓ ખુલાસો રજુ કરવામા નિષ્ફળ જશે તો લાઇસન્સ સસ્પેન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મહત્વની વાત એ છે કે રાજકોટ જિલ્લામાં રહેતા અને ત્રણથી વધુ વખત હેલ્મેટ વિના વાહન ચલાવતા ઝડપાયેલા 58 વાહન ચાલકોને ઈ મેમો આપવામાં આવેલા છે તેઓને નોટિસ આપવામાં આવી છે જે સમયગાળા દરમિયાન આ વાહન ચાલકોને હાજર થવાનું રહેશે અને જેમને નોટિસ આપવામાં આવી છે ખરેખર તે જ વ્યક્તિ ત્રણથી વધુ વખત હેલ્મેટ વિના વાહન ચલાવતા ઝડપાયા હશે તો તેઓના લાયસન્સ ત્રણ મહિનાથી લઈને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે અને જો કોઈ વ્યક્તિ ખુલાસા માટે નથી આવતું તો આરટીઓ કચેરી દ્વારા તેમનું લાઇસન્સ આપોઆપ સસ્પેન્ડ થઈ જશે.