હવામાન વિભાગ દ્વારા ભરઉનાળે ગુજરાતમાં માવઠાંની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. એપ્રિલની કાળઝાળ વરસતી ગરમીમાં 31 માર્ચથી એપ્રિલના પ્રથમ બે દિવસ દરમિયાન વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજબીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુતમ તાપમાનમાં પણ વધારા પર નિયંત્રણ લાગશે, એટલે કે ગરમીથી આંશિક રાહત મળશે. બીજી તરફ માવઠાંની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત થઈ શકે છે. વીજળીના ચમકારા સાથે વરસાદ પડવાની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 31 માર્ચથી 2 એપ્રિલ, 2025 દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ સાથે જ સૌરાષ્ટ્રના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારાનું યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ સિસ્ટમ સક્રિય થતાં ગરમીમાં પણ ઘટાડો થઈ શકે છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓના મહત્તમ તાપમાનમાં છેલ્લા 24 કલાકમાં એકાદ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે, જોકે આગામી 48 કલાક કેટલાક જિલ્લામાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થઈ શકે છે, પરંતુ એ વધારો સામાન્ય રહેશે. અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં આજે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ગુજરાત પર 31 માર્ચથી વરસાદી સિસ્ટમ સક્રિય થશેઃ એ. કે. દાસ
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ગુજરાત પર આગામી 31 માર્ચથી સિસ્ટમ સક્રિય થશે, જેને કારણે 2 એપ્રિલ, 2025 સુધી વિવિધ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ગુજરાત પર એક ટ્રફ સક્રિય થયું છે, જેને કારણે દરિયાનું ભેજ જમીન તરફ ખેંચાશે. એને કારણે સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના જિલ્લામાં, દક્ષિણ ગુજરાત અને પૂર્વ તરફના જિલ્લાઓ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સાથે જ વરસાદ દરમિયાન વીજળીના ચમકારા પણ જોઈ શકાશે.