સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સચિન પોલીસે સુરતમાં વર્ષો પહેલા અપરાધને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયેલા છ આરોપીની ધરપકડ કરી છે. વોન્ટેડ આરોપીઓમાંથી ચાર ઓડિશાથી, એક મધ્યપ્રદેશથી અને બેની બિહારથી ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાથી નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે ખાસ ડ્રાઈવની શરૂઆત કરવામાં આવી છે. આ ડ્રાઈવ 19 માર્ચથી 31 માર્ચ સુધી ચાલવાની છે. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે છ વોન્ટેડ આરોપીઓ અને સચિન પોલીસે એક વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ઇંડાની લારી અને પ્રેસ વાલા બનીને આરોપીઓની ધરપકડ કરી છે. 2002માં આરોપીએ છરીથી હુમલો કર્યો હતો
સુરત ક્રાઇમ બ્રાંચે પાંડેસરા પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા 2000ના હત્યા કેસમાં 25 વર્ષથી નાસતા ફરતા આરોપી હીના ઉર્ફે મુકેશ બંસી ગૌડ (ઉં.વ. 51)ને ઓડિશાના ગંજામ જિલ્લાથી પકડી પાડ્યો છે. વર્ષ 2000માં આરોપી મુકેશ ગૌડ પાંડેસરા હાઉસિંગમાં મજૂરી કરતો હતો. તે સમયે આકુલ લેન્કા અને નંદા ઉર્ફે નંદો નાહક સાથે મળી પાંડેસરા સિદ્ધાર્થનગર વિસ્તારમાં મેસ ચલાવતા ગોપીનાથ ગૌડને છરી વડે હુમલો કર્યો હતો. હુમલા બાદ ત્રણે આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ આરોપી છેલ્લા 25 વર્ષથી નાસતો ફરતો હતો અને નામદાર કોર્ટ દ્વારા CRPC કલમ-70 મુજબ વોરન્ટ જાહેર હતું. તેની ધરપકડ ટાળવા માટે તેણે પ્રથમ ભુવનેશ્વર શહેરમાં સિમેન્ટ ડેપોમાં મજૂરી શરૂ કરી હતી. ક્યારેક વતન અને ક્યારેક ભુવનેશ્વર આવતો-જતો રહેતો. અંતે સુરત ક્રાઇમ બ્રાંચે ઓડિશા ગંજામમાં રેડ પાડી આરોપીને ઝડપી લીધો અને પાંડેસરા પોલીસને હવાલે કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. ઓલપાડ અને કડોદરા GIDCના NDPS કેસમાં પેરોલ જંપ કરનાર આરોપી ઓડિશાથી ઝડપાયો
સુરત શહેર ક્રાઇમ બ્રાંચે ઓલપાડ અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ નોંધાયેલા કેસમાં પેરોલ જંપ કરનાર આરોપી સન્યાસી ઉર્ફે વિજય ઉર્ફે વિકી કૃષ્ણા પ્રધાન (ઉં.વ.35)ને ઓડિશાના ગંજામ જિલ્લાના જહાડા ગામથી પકડી પાડ્યો છે. આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો. જુલાઈ 2019માં ઓલપાડ પોલીસે 166 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે કેટલાક આરોપીઓને પકડી પાડ્યા હતા, જેમાં સન્યાસી ઉર્ફે વિજય ફરાર હતો. બાદમાં ઓક્ટોબર 2019માં કડોદરા GIDC પોલીસે 86 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે સન્યાસી અને તેના સાગરીતોની ધરપકડ કરી હતી. તે બંને કેસમાં લાજપોર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો. સન્યાસી પિતાના પેરાલિસિસની સારવાર અને પરિવારને આર્થિક મદદ માટે 1 સપ્ટેમ્બર, 2023થી 15 સપ્ટેમ્બર, 2023 સુધી 15 દિવસ માટે ગુજરાત હાઈકોર્ટમાંથી પેરોલ પર છૂટ્યો હતો. પરંતુ 16 સપ્ટેમ્બર, 2023ના રોજ લાજપોર જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો. ત્યારબાદ દોઢ વર્ષ સુધી ઓડિશા અને અન્ય રાજ્યોમાં છુપાઈ રહ્યો હતો. 18 વર્ષ પહેલાંની ધાડમાં સંડોવાયેલો ધાર ગેંગનો સાગરીત ઇન્દોરથી ઝડપાયો
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે 18 વર્ષથી નાસતા ફરતા આંતરરાજ્ય ગેંગના ગુનેગારને મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોની (ઉં.વ. 50), રાજસ્થાન અને મધ્યપ્રદેશના ઝાંબુઆ જિલ્લાના મૂળ નિવાસી છે. આરોપી 2007માં લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ‘મધુર જવેલર્સ’માં થયેલી ધાડ તેમજ આંધ્ર પ્રદેશના કુલુર પોલીસ સ્ટેશન હેઠળ પાંચ ઘરફોડ ચોરીના કેસોમાં વોન્ટેડ હતો. 12 જૂન, 2007ની રાતે, 17-18 સભ્યોની મધ્યપ્રદેશની ધાર ગેંગે શસ્ત્રો સાથે લીંબાયત વિસ્તારની ‘મધુર જવેલર્સ’માં ધાડ પાડી હતી. આરોપીઓ કુહાડી, પાવડા, લોખંડના સળીયા અને પથ્થરો લઈને દુકાનમાં ઘૂસ્યા અને માલિક રાજેન્દ્રકુમાર વૈષ્ણવ અને ભાગીદાર રમેશ ચૌધરી પર હુમલો કર્યો. દુકાનમાં રાખેલા 800 ગ્રામ સોનાના દાગીના (રૂ. 7 લાખ) અને 8 કિલો ચાંદી (રૂ. 1.44 લાખ) લૂંટી લીધા હતાં. ફરિયાદીએ સાઇરન વગાડતા ગેંગે બાજુમાં આવેલી મહાલક્ષ્મી પ્રોવીઝન સ્ટોર અને વેલ્ડિંગ ફેબ્રિકેશન દુકાનમાં આવેલા લોકોને પણ માર મારી ઘાયલ કર્યા હતાં. શોપિંગ સેન્ટરના કાચના શો-કેસ તોડી કુલ 1.50 લાખનું નુકસાન કરાયું હતું. ઘટના પછી અપશબ્દો બોલી અને જીવલેણ ઈજાઓ પહોચાડી, આરોપીઓ નાસી ગયા હતા. પોલીસ તપાસમાં મધ્યપ્રદેશની ‘ધાર ગેંગ’ સંડોવાયેલી હોવાનું ખુલ્યું હતું. જેમાંના મોટાભાગના આરોપીઓ ઝડપાઈ ગયા હતા, પરંતુ ધર્મેન્દ્ર સોની 18 વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ઇન્દોર, મધ્યપ્રદેશમાં રેડ પાડી ધર્મેન્દ્ર સોનીને પકડી પાડ્યો. હવે આરોપીને સુરત લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. 24 વર્ષથી વોન્ટેડ લૂંટ-ધાડના આરોપીને બિહારના હાજીપુરથી પકડી પાડ્યો
સુરત શહેર ક્રાઇમ બ્રાંચે 2001માં અઠવાલાઇન્સ વિસ્તારમાં થયેલી લૂંટ-ધાડની કોશિશના કેસમાં 24 વર્ષથી વોન્ટેડ આરોપીને બિહારના હાજીપુરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પ્રભાત રંજન કૃષ્ણનંદન સિંહ (ઉં.વ. 45), મૂળ બિહારના સારન જિલ્લાના ગંગોઇ ગામનો રહેવાસી છે. 2001માં પ્રભાત રંજન અને તેના સાગરીતો અઠવાલાઇન્સ વિસ્તારમાં રોકડ લૂંટવાના ઇરાદે એક ઓફિસમાં ઘૂસ્યા હતા. તેમની પાસે પ્રાણઘાતક દેશી તમંચા અને દેશી બનાવટના બોમ્બ હતા. લૂંટની કોશિશ દરમિયાન સિક્યુરિટી ગાર્ડે અવરોધ કર્યો ત્યારે, આરોપીઓએ ગાર્ડ પર તમંચા તાણ્યો અને હુમલો કર્યો. જોકે, પોલીસની ઝડપી કાર્યવાહીથી બે સાગરીતો ઘટનાસ્થળે જ ઝડપાઈ ગયા હતા. પણ પ્રભાત રંજન સ્થળ પરથી નાસી ગયો હતો. પ્રભાત રંજન પર IPC કલમ 398, 511, 114, બી.પી. એક્ટ 135, આર્મ્સ એક્ટ 25(1)(C), એક્સપ્લોઝિવ એક્ટ કલમ 4, 5, 6 અને ઇન્ડિયન એક્સપ્લોઝિવ એક્ટ કલમ 9(B) હેઠળ ગુના દાખલ હતા. આરોપી ઘટનાના દિવસથી જ નાસી છૂપાઈ ગયો હતો અને સતત પોતાનું રહેઠાણ બદલતો રહ્યો હતો, જેથી પોલીસે તેને પકડી ન શકે. સુરત ક્રાઈમ બ્રાંચે આરોપીની તલાશ માટે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો. પોલીસે માહિતી મેળવતા આરોપી હાલ બિહારના હાજીપુરમાં રહતો હોવાની હકીકત મળી હતી, જેના આધારે ટીમે ત્યાં જઈને પ્રભાત રંજનની ધરપકડ કરી છે. 8 વર્ષથી વોન્ટેડ અપહરણના આરોપીની બિહારના પટનાથી ધરપકડ
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે 2017માં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં છેલ્લા 8 વર્ષથી વોન્ટેડ આરોપીને બિહારના પટનાથી ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી કુંદન ઉમેશ બિંદ (ઉં.વ. 27), મૂળ બિહારના પટના જિલ્લાના સરકુના ગામના રહેવાસી છે, જે લાંબા સમયથી નાસતો ફરતો હતો. પાંડેસરા પો.સ્ટે.માં તેની વિરુદ્ધ 2017માં IPC કલમ 363 હેઠળ ગુનો દાખલ થયો હતો. 2017માં કુંદન ઉમેશ બિંદ સુરતના પાંડેસરા વિસ્તારમાં મજૂરીકામ કરતો હતો. આ દરમ્યાન તેણે ફરિયાદીની સગીર વયની દીકરી સાથે પ્રેમસબંધ બાંધી, તેણીને કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હતો. ફરિયાદ નોંધાતા પોલીસ તેને શોધતી હતી, પરંતુ આરોપી સતત નાસતો રહેતા પકડાઈ શક્યો ન હતો. સુરત ક્રાઈમ બ્રાંચે આરોપીની તલાશ માટે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતીનો સહારો લીધો. તપાસ દરમિયાન પોલીસે જાણકારી મેળવી કે આરોપી હાલમાં બિહારના દુલહીનબજાર ગામના સરકુના વિસ્તારમાં રહે છે. પોલીસ ટીમે જાય રેડ કરીને આરોપી કુંદન ઉમેશ બિંદને ઝડપી પાડ્યો અને હવે તેને પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે. 19 વર્ષથી વોન્ટેડ હત્યાના આરોપીને ઓડિશાના ભુવનેશ્વરથી ધરપકડ
સુરત શહેર ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 2006માં થયેલી હત્યાના મુખ્ય આરોપી હીના ઉર્ફે રવિ હરી પ્રધાનને સુરત ક્રાઈમ બ્રાંચે ઓડિશાના ભુવનેશ્વરથી પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે 19 વર્ષથી નાસતા ફરતા હીના પ્રધાન (ઉં.વ. 47), મૂળ ગંજામ (ઓડિશા)નો રહેવાસી, હાલ ભુવનેશ્વરના બડગડ વિસ્તારમાં રહેતો હતો. 12 ઓગસ્ટ, 2006ની રાત્રે 10:30 વાગ્યે, ફરિયાદી પ્રશાંત વાસુદેવ દાસના ઘરની બાજુમાં રહેતી યુવતી અને આરોપી હીના પ્રધાન વચ્ચે પ્રેમસબંધ હતો. આ બાબતે ફરિયાદીએ સોનીના પરિવારજનોને જાણ કરી હતી, જેને કારણે હીનાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાતે હીના અને તેના ત્રણ સાગરીતો ફરિયાદીના રૂમમાં ઘૂસી ગયા હતાં. હીનાએ ચંદન કોડી નામના યુવકને ચપ્પુના ઘા મારી દીધા હતાં. શ્રીનિવાસ નામના યુવાનને કમર અને પગમાં ઘા મારી હત્યા કરી નાખી હતી. તેમજ ફરિયાદીનો ભાઈ સુકાંત અને અન્ય વ્યક્તિને પણ ગંભીર ઈજાઓ પહોચાડી હતી. આ હુમલાને અંજામ આપ્યા બાદ હીના અને તેના સાગરીતો નાસી ગયા હતા. આ કેસમાં હીનાની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે તેની સાથે વિજય ઉદય મહારાણા અને રમેશ નામના શખ્સ પણ સામેલ હતા. વિજય મહારાણાની 2022માં સુરતના અંજની ઈસ્ટીઝ વિસ્તારમાં હત્યા થઈ હતી, જે કેસની નોંધ અમરોલી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. સુરત ક્રાઈમ બ્રાંચે 19 વર્ષથી નાસતા ફરતા હીના પ્રધાનને પકડી પાડી હવે તેને ઉમરા પોલીસ સ્ટેશનના હવાલે કરવાની તજવીજ હાથ ધરાઈ છે. 29 વર્ષથી વોન્ટેડ આરોપી ઓડિશાથી ધરપકડ
સુરત શહેરના સચીન પોલીસ સ્ટેશનમાં 1996માં નોંધાયેલા ધાડ-લૂંટ અને પ્રાણઘાતક હથિયાર રાખવાના ગુનામાં છેલ્લા 29 વર્ષથી નાસતા ફરતા આરોપી સુરેશ સાધુ ઉર્ફે સાધવા પરીડાને ઓડિશાના ખુર્દા જિલ્લાના બાનપુરથી ઝડપાયો છે. સચીનમાં આર્મ્સ એક્ટ 25(1)એ અને B.P. એક્ટ 135 મુજબ કેસ દાખલ થયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓડિશાના દશરથીપુર ગામે રેકી કરી. આરોપી પોતાના મૂળ વતન નજીક લૉન્ડ્રી બોય અને ઈંડાની લારી ચલાવવાના ભેજમાં છુપાઈને જીવી રહ્યો હતો. પોલીસ ટીમે આરોપી અંગે પાંચ દિવસ સુધી માહિતી એકત્ર કરી, સ્થળ પર જઈ આરોપીને ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો. આરોપી 1996માં સુરતમાં દેશી તમંચા સાથે ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલો હતો, પરંતુ ગુનાને અંજામ આપી ફરાર થયો હતો. 29 વર્ષથી આરોપી દેશના વિવિધ રાજ્યોમાં રહેઠાણ બદલી પોલીસની નજરથી દૂર રહેતો હતો. સુરત પોલીસે અંતે ઓડિશાના બાનપુર ગામે પહોંચી 1800 કિ.મી.નો અંતર કાપી આરોપી સુરેશ સાધુને ઝડપી પાડ્યો છે. આરોપીને સુરત લાવી આગળની કાર્યવાહી માટે સચીન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે.