કેનેડા અભ્યાસ માટે અને બંગ્લોર-પુણેમાં IT જોબ માટે જતા ગુજરાતી યુવકો માટે મહત્વના સમાચાર આવ્યા છે. GLS યુનિવર્સિટી, અમદાવાદ અને કેનેડાની સેનેકા પોલિટેક્નિક વચ્ચે MOU કરાયા છે. હવે વિદ્યાર્થીઓ પોતાના જ દેશમાં એટલે કે GLS યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષનો અભ્યાસ કરશે અને ત્યારબાદ બાકીના બે વર્ષનો અભ્યાસ કરવા માટે કેનેડા જઈ શકશે. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત IFSCAના એક્ઝિક્યુટિવ ડિરેકટરે જણાવ્યું હતું કે, આવનારા 2 થી 5 વર્ષમાં ગિફ્ટ સિટીમાં 50 હજાર નવી નોકરીઓનું સર્જન થશે. ગુજરાતી યુવાઓ સર્વિસ અને IT સેક્ટર પર ધ્યાન આપે. આગામી દિવસમાં દેશની દિગ્ગજ IT કંપની ઈન્ફોસિસ અને વિપ્રો પણ ગિફ્ટ સિટીમાં આવશે. આ બંને કંપની દ્વારા 15 હજાર નોકરીની તકોનું સર્જન કરાશે. ‘GIFT સિટીમાં પાંચ વર્ષમાં 50 હજાર નવી નોકરીની તક સર્જાશે’
GLS કેમ્પસમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ ડૉ. દીપેશ શાહ કે જેઓ IFSCA – ઇન્ટરનેશનલ ફાયનાન્સ સર્વિસસ સેન્ટર ઓથોરિટી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. તેમણે જણાવ્યું હતું કે, GIFT સિટીમાં 800 થી 900 કંપનીઓ રજિસ્ટર્ડ થઈ ચૂકી છે. જયારે 30 હજાર નોકરીઓનું સર્જન થઇ ચૂક્યું છે. આવનારા સમયમાં ઇન્ફોસિસ, વિપ્રો અને અન્ય એક કંપની GIFT સિટીમાં આવી રહી છે. જેના માટે 17 હજારથી વધુ વર્કફોર્સની જરૂર પડશે. GIFT સિટીમાં ફાઇનાન્સિયલ સર્વિસ અને IT રિલેટેડ જોબ ક્રિએટ થશે. ગુજરાત પ્રોડક્શન હબ છે, પણ સર્વિસ સેક્ટરના વિકાસની જરૂર છે. આવનારા 02 થી 05 વર્ષમાં ગિફ્ટ સીટી દ્વારા 40 થી 50 હજાર જોબ ક્રિએટ થશે. જેમાં બેન્કિંગ, વીમો, ફિનટેક જેવા સેક્ટરોનો સમાવેશ થાય છે.જરુરી છે કે, ગુજરાતના ટેલેન્ટને એવી રીતે તૈયાર કરીએ કે, જેને ઈન્ટરનેશનલ ફાઈનાન્સીયલ સર્વિસ સેન્ટરને રિલેટેડ નોલેજ હોય. શાહે વધુમાં જણાવ્યું હતું કે, આજે ભારતની પર કેપિટા ઈનકમ 02 હજાર અમેરિકન ડોલર છે. જે વર્ષ 2047 માં 22 હજાર ડોલર થશે. અત્યારે ગિફ્ટ સિટીમાં 02 ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીના બ્રાન્ચ કેમ્પસ ખુલી ચૂક્યા છે. જેમાં આશ્ચર્યજનક રીતે ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓ 02 સેમેસ્ટર અહીં આવીને ભણવા માંગે છે. વળી 03 UK ની યુનિવર્સિટીઓની કેમ્પસ બ્રાન્ચ ખુલી રહી છે. જેમાં ગુજરાતી વિધાર્થીઓના અભ્યાસની તકો છે. એક વર્ષ GLSમાં અને પછીના બે વર્ષ કેનેડામાં અભ્યાસ કરી શકાશે
GLS યુનિવર્સિટી અમદાવાદ અને સેનેકા પોલિટેકનિક, કૅનેડા વચ્ચે વૈશ્વિક કાર્યક્રમ માટેનું MoU વિનિમય અને ઉદઘાટન આજે GLS યુનિવર્સિટી ખાતે યોજાયું હતું. આ MOU થકી વિદ્યાર્થીઓને તેમના પોતાના દેશમાં પ્રથમ વર્ષ રહીને આંતરરાષ્ટ્રીય ડિગ્રી મેળવનાનો અવસર આપે છે. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ GLS યુનિવર્સિટી ખાતે 01 વર્ષ સુધી બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને કમ્પ્યુટર સાયન્સના કોર્સો પૂર્ણ કરશે. ત્યારબાદ તેઓ સેનેકા પોલિટેકનિક, કૅનેડા ખાતે આગળના 2 વર્ષ માટે અભ્યાસ શરૂ કરશે અને સેનેકા પોલિટેકનિક પાસેથી ડિગ્રી પ્રાપ્ત કરશે, જે તેમના વૈશ્વિક કારકિર્દીની શક્યતાઓને નોંધપાત્ર રીતે વધારશે. આ કાર્યક્રમમાં એડમિશન પ્રક્રિયા સરળ છે, જ્યાં વિદ્યાર્થીઓ GLS યુનિવર્સિટી, ભારતનો પ્રથમ વર્ષ પૂર્ણ કર્યા પછી સીધા સેનેકા પોલિટેકનિક, કૅનેડામાં એડમિશન મેળવી શકે છે. આ માટેના એડમિશનની શરત IELTS પરીક્ષા પણ છે.