મનીષ પંડ્યા
મોંઘવારી અને ગરીબીથી વધુ આકરી સમસ્યા કઈ? આનો સાચો જવાબ જોઈતો હોય તો કરજણના કાસમપુરા ગામ જવું પડે. પુરવઠા અને પોલીસ તંત્રની બેદરકારી મોંઘવારીથી મોટી અને ગરીબીથી ગંભીર સમસ્યા છે. જાણકારો મુજબ, એક હજાર લોકોનું કોઇ ગામ સો દિવસથી વધુ રોટલી ખાય તેટલા ઘઉં, એક મહિનો ચાલે તેટલા ચોખા, 2 મહિના ચા પીવાય તેટલી ખાંડ અને 100 દિવસ દાળ-શાકમાં ચાલે તેટલું મીઠુ સહિતનું અનાજ તંત્રની નિષ્કાળજીથી સડી ગયું છે. કોરોના કાળમાં કરજણના કાસમપુરાના ત્રિકમભાઇના વાડાની ઓરડીમાંથી સરકારી સસ્તા અનાજનો અનધિકૃત જથ્થો ઝડપાયો હતો. પુરવઠાના નાયબ મામલતદારે 2 સામે ગુનો નોંધતાં મામલો હાઇકોર્ટમાં ગયો, 5 વર્ષ કાર્યવાહી ન થઇ અને અનાજ જીવડાએ ખાધું.
કોરોનાકાળમાં સરકારે રાહત પેકેજ જાહેર કરી ભીડ ભેગી ન થાય તે માટે ઓફ લાઇન એન્ટ્રી કરી અનાજ વિતરણ કરવા સસ્તા અનાજના સંચાલકોને છૂટ આપી હતી. પોલીસ ફરિયાદ મુજબ, સસ્તા અનાજ એસો.ના પ્રમુખ અને સરપંચ પ્રવિણ અંબાલાલ પટેલ તેમજ મહેતાજી તરીકે કામ કરતા કરજણ નવાબજારના દિપક ઓમપ્રકાશ ખીંચીએ ઘઉં, ચોખા, ચણા, ખાંડ અને મીઠું ઓનલાઇન રજિસ્ટરમાં કાર્ડધારકોને વિતરણ કર્યાની ખોટી એન્ટ્રી કરી કાસમપુરમાં ત્રિકમભાઇના વાડાની ઓરડીમાં વગે કરી દીધો હતો.
કરજણ પોલીસે મે-2020માં રૂા. 5.21 લાખનો આ અનધિકૃત જથ્થો ઝડપી પાડ્યો હતો. પુરવઠા વિભાગના નાયબ મામલતદારે બંને સામે ગુનો નોંધાવ્યો હતો. નિયમ મુજબ સીઝ કરેલા આ જથ્થાના દંડની રકમ સંચાલકો પાસેથી વસૂલી અનાજ વિતરણ માટે છૂટું કરી દેવાનું હોય છે. જોકે, મામલો હાઇકોર્ટમાં પહોંચતાં અનાજ 5 વર્ષથી ઓરડીમાં જ પડી રહ્યું છે. જેના કારણે તેમાં જીવાત પડી ગઇ છે. સસ્તા અનાજનો જથ્થો કાસમપુર, કુરાલી અને ધાવટના કાર્ડધારકોને આપવામાં આવતો હતો. આ જથ્થામાંથી કોઇ એક ગામના 1 હજાર લોકો 3 મહિનાથી વધુ સમય સુધી પેટ ભરીને રોટલી અને ભાત ખાઇ શક્યા હોત. આ અંગે સસ્તા અનાજ એસોસીએશનના પૂર્વ પ્રમુખ અને કેસના આરોપી પ્રવિણ પટેલે જણાવ્યું કે, કોરોનામાં અનાજ વહેંચવા મજૂર બોલાવ્યા હતાં જેમને પોલીસે માર માર્યો. પોલીસે જથ્થો સીઝ કરી મામલતદારને ગુનો નોંધવા દબાણ કર્યું. અમે હાઇકોર્ટમાં કેસ કર્યો હતો. અનાજને છોડવા માટે કહ્યું હતું પરંતુ કોર્ટને અધિકાર છે તેમ કહી ન છોડ્યું, આજે આ અનાજ સડી ગયું તો જવાબદારી કોની?
જીવડા અમારા ઘરમાં ઘૂસી અનાજ ખાવા લાગ્યા છે કાસમપુરાના માજી સરપંચ ગોપાલભાઈ ભગતે જણાવ્યું હતું કે, અનાજ સાવ સડી ગયું છે. તેમાં જીવડા પડી ગયા છે. તેના કારણે આસપાસના ઘરોમાં પણ જીવડા આવે છે. સાંજ પડતાં જ જીવડાના ઝૂંડ નીકળી પડે છે તેમજ સાપ પણ ફરતા થઇ ગયા છે. ઓરડીની આસપાસ ઘાસ ઉગી નીકળ્યું છે. સડી ગયેલા અનાજના કારણે એટલી દુર્ગંધ મારે છે કે અમારે દવાનો છંટકાવ કરવો પડે છે. ગામની 650 લોકોની વસતી છે. ખેડૂતોને અનાજ પકવતા કેટલી મુસીબત પડે છે અને અહીં અધિકારીઓની આડાઇના કારણે હજારો કિલો અનાજ સડી ગયું છે. મહિલાઓએ જણાવ્યું હતું કે, આ અનાજ સડી જવાથી જીવાતો અમારા ઘરમાં ઘૂસી જાય છે, જીવડાં અમારા ઘરનું અનાજ પણ ખાઇ જાય છે. પુરવઠા ઃ 2020માં ચેકિંગ કરી જથ્થો સીઝ કર્યો હતો, હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે કાસમપુરાની દુકાનમાં 25 મે, 2020ના રોજ ચેકિંગ કર્યું હતું. દુકાન માલિકે હાઈકોર્ટમાં કેસ કર્યો હતો સાથે ખાનગી વ્યક્તિઓએ કેસ કરતાં જથ્થો સીઝ છે. > જી.એન.દેસાઈ, પુરવઠા અધિકારી પોલીસ ઃ આ મામલે પુરવઠા વિભાગ, હરાજી કે ફરિયાદ પણ કરી શકે છે આ મામલો પુરવઠા વિભાગનો છે, અનાજના જથ્થાની હરાજી કે તે અંગે ફરિયાદ કરાવી શકે છે, સરકારનો જ મુદ્દામાલ હોવાથી પોલીસની ભૂમિકા રહેતી નથી. > એ.કે.ભરવાડ, PI, કરજણ