સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને કન્ટેન્ટ ક્રિએટર રણવીર અલ્હાબાદિયાએ ફેબ્રુઆરી મહિનામાં થયેલા વિવાદના બે મહિના પછી આજે એટલે કે રવિવારે યુટ્યુબ પર પોતાનો પહેલો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રણવીરે વિવાદના સમયે તેને સાથ આપનારા લોકોનો આભાર માન્યો છે. સાથે સાથે તેના શબ્દોથી ખરાબ લાગ્યું હોય તેની માફી પણ માગી છે. તેણે આ વીડીયોને એક નવી શરૂઆત ગણાવી છે અને વચન આપ્યું છે કે તે જે પણ સામગ્રી બનાવશે તે ખૂબ જ કાળજીપૂર્વક બનાવવામાં આવશે. રણવીરે આભાર માન્યો
વીડિઓ એક મોન્ટેજથી શરૂ થાય છે. આ મોન્ટેજ પર લખ્યું હતું – “કહેવા માટે ઘણું બધું છે, પણ હમણાં નહીં.” આ પછી, રણવીરે હાથ જોડીને તે લોકોનો આભાર માન્યો જેમણે આ મુશ્કેલ સમયમાં તેનો સાથ આપ્યો. તેણે કહ્યું કે આ તેના માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. તેણે કહ્યું કે આ સમય દરમિયાન લોકોના સકારાત્મક સંદેશાઓએ તેમને ઘણી મદદ કરી છે. રણવીરે પોતાની ટીમની પ્રશંસા કરી
રણવીર અલ્હાબાદિયાએ તેમના ક્રૂ સભ્યોનો આભાર માન્યો જેઓ આ મુશ્કેલ સમયમાં તેની સાથે ઊભા રહ્યા. રણવીરે જણાવ્યું કે આ મુશ્કેલ સમયમાં 300 લોકોની ટીમમાંથી એક પણ વ્યક્તિએ રાજીનામું આપ્યું નથી. આ સાથે, રણવીરે તેના કન્ટેન્ટ ક્રિએશન વિશે પણ વાત કરી. દેશની સંસ્કૃતિ પર શું બોલ્યો રણવીર?
રણવીરે કહ્યું, “હું વચન આપું છું કે આગામી 20 થી 30 વર્ષ સુધી, જ્યાં સુધી હું સામગ્રી બનાવીશ, ત્યાં સુધી હું તે ખૂબ જ જવાબદારીપૂર્વક કરીશ. હું સમજું છું કે મારા ખભા પર એક મોટી જવાબદારી છે. તમે મને તમારા પરિવારનો એક ભાગ માનો છો તે હકીકત એ સૌથી મોટી જવાબદારી છે.”
નોંધનીય છે કે, રણવીર અલ્હાબાદિયાએ સમય રૈનાના શો ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં એક સ્પર્ધકને માતાપિતા સંબંધિત એક અશ્લીલ પ્રશ્ન પૂછ્યો હતો. રણવીરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમય રૈના અને રણવીર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો. આ વિવાદ પછી, સમય રૈનાએ ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના બધા વીડિયો ડિલીટ કરી દીધા અને વિવાદ પછી રણવીરે પણ જનતા પાસે માફી માગી.