back to top
Homeગુજરાતયુક્રેન યુદ્ધમાં લાખો લોકો મર્યા પણ 5 સિંહ બચી ગયા:એપાર્ટમેન્ટના રૂમની ઓરડીમાં...

યુક્રેન યુદ્ધમાં લાખો લોકો મર્યા પણ 5 સિંહ બચી ગયા:એપાર્ટમેન્ટના રૂમની ઓરડીમાં પૂરી રાખ્યા હતા; મિસાઈલથી બચ્યા, આફ્રિકાના સાવજોનું નવું ઘર હવે ઈંગ્લેન્ડમાં

આકાશમાં ઊંચે ઊંચે રશિયાના ફાઇટર પ્લેન ઊડી રહ્યાં છે…
યુક્રેનના કોઈપણ વિસ્તારમાં મિસાઈલ બોમ્બ છોડતા હતા…
આકાશમાંથી દારૂગોળા આતશબાજીની જેમ વરસતા હતા…
એવામાં થાય છે એવું કે, બોર્ડર પરના એક વિસ્તારમાં રશિયાએ છોડેલી મિસાઈલ હજારો ફૂટ ઊંચેથી નીચે આવીને એક એપાર્ટમેન્ટની દીવાલ તોડીને રૂમમાં ઘૂસી જાય છે… પણ મિસાઈલ ફૂટતી નથી.
જો મિસાઈલ ફૂટી હોત તો આ એપાર્ટમેન્ટમાં પુરાયેલા 5 સિંહનાં મોત નક્કી હતા…
5 સિંહ? એ પણ એપાર્ટમેન્ટમાં? એવો સવાલ થાય પણ આ હકીકત છે.
રશિયા-યુક્રેન વોરને ત્રણ વર્ષ ને માથે એક મહિનો થયો. આ સમયમાં યુક્રેનના નાગરિકો અને યુક્રેનના સૈનિકો મળીને 6 લાખનાં મોત થયાં. લાખો લોકો મર્યા પણ આ યુદ્ધ વચ્ચે 5 સિંહ બચી ગયા !! આટલું વાંચીને સવાલ એ થાય કે, 5 સિંહ યુક્રેનમાં આવ્યા કેવી રીતે? એનો જવાબ જાણવા આ કહાની સાઉથ આફ્રિકાથી શરૂ કરવી પડશે… ‘કેટલા સિંહ છે તમારી પાસે?’
‘સાત છે. એમાં બે સિંહ ને પાંચ સિંહણ છે.’
‘એક કામ કરો. એક સિંહ ને ચાર સિંહણ લઈ જાઉં છું.’
‘પૈસા રોકડા મળી જશે…’ આ વાતચીત સાઉથ આફ્રિકાના જંગલમાં થઈ રહી છે. સાઉથ આફ્રિકાનો એક માફિયા પાંચ સિંહનો સોદો કરી રહ્યો હતો, એ પણ યુક્રેનના એનિમલ માફિયા સાથે… એક સિંહ અને ચાર સિંહણને સાઉથ આફ્રિકાથી યુક્રેન લઈ જવાના હતા. અંતર નાનું નથી. 12 હજાર કિલોમીટર થાય. કાર્ગો પ્લેનમાં 13 કલાક પાક્કા. પૈસા આપો એટલે બધું સેટિંગ થઈ જાય. જંગલમાંથી સિંહોને બેભાન કરીને ટ્રકમાં પૂરીને પ્લેનમાં ચડાવી દેવાય છે અને 13 કલાકની જર્ની પછી યુક્રેનમાં લેન્ડ કરે છે. યુક્રેનમાં પણ એનિમલ માફિયાઓનું સેટિંગ. ત્યાંના એરપોર્ટથી કાર્ગો પ્લેનમાંથી સિંહોને મોટા વાહનમાં લઈ જવાય છે. આ ટ્રક રશિયાની બોર્ડર પાસે યુક્રેનથી બહાર એક વિસ્તારમાં આવેલા સાત માળના ફ્લેટ પાસે ઊભી રહે છે. ટ્રકમાંથી સિંહોને બેભાન હાલતમાં જ ઉતારીને એપાર્ટમેન્ટમાં લઈ જવાય છે. એપાર્ટમેન્ટની પાછળ મોટી ઓરડી હોય છે તેમાં સિંહને રખાય છે. એપાર્ટમેન્ટના બીજા માળે એક રૂમમાં નાની ઓરડી છે તેમાં સિંહણને પૂરી દેવાય છે. ચોથા માળે એક રૂમમાં બે સિંહણને સાથે રાખવામાં આવે છે. કારણ કે બંને બહેન છે. બાકી વધી એક સિંહણ, તેને છેક ટોપ ફ્લોર પર રૂમમાં પૂરી દેવામાં આવી. સાઉથ આફ્રિકાના જંગલમાંથી આ પાંચેય સાવજને બેભાન કરીને યુક્રેન લાવવામાં આવ્યા. આ મહિનો હતો 2021ની નવેમ્બરનો.. સવાલ એ થશે કે નવેમ્બર 2021ની વાત અત્યારે કેમ કરી રહ્યા છીએ? એનો જવાબ આગળ મળી જશે… – તો સિંહ અને સિંહણો બેભાન હોય છે. થોડા કલાકો પછી ધીમે ધીમે આંખ ઊઘડે છે. જુએ છે તો જંગલ નથી. ઝાડપાન નથી. આકાશ પણ નથી. સિમેન્ટની દીવાલો અને અંધારિયો રૂમ… બધા ઉંહ… ઉંહ… કરીને રિબાવાનો અવાજ કરે છે. જે માફિયા આ સિંહોને લાવ્યો હતો તે બધા રૂમ પાસે આંટો મારે છે. મરેલાં બકરાં ને પાડાનું માંસ ઘા કરીને ખાવા આપી દે છે. પણ સિંહો ખાય નહીં. બિચારાને તો એનું જંગલ જ યાદ આવતું હતું. આ તો શિકાર કરીને ભોજન કરનારા સાવજો હતા. પછી સિંહોનું શું થયું, તે વાત આગળ વધારીએ તે પહેલાં એ જાણવું જરૂરી છે કે, આ એનિમલ માફિયા છેક આફ્રિકાથી યુક્રેન સુધી સિંહોને કેમ લાવ્યા? યુક્રેનમાં સિંહો રાખવા કે ન રાખવા જેવા કોઈ નિયમ નથી. ભારતમાં ડોગ રાખી શકીએ તેમ ત્યાં ઘરમાં કોઈપણ પ્રાણી રાખી શકો. ત્યાં આ ક્રાઈમ નથી. આ એનિમલ માફિયા એવું કરે કે, પોતે જે ભાવમાં સિંહ, સિંહણોને લાવ્યા હોય તેનાથી ઊંચા ભાવમાં બીજા દેશોને વેચી મારે. આ કેસમાં પણ એવું જ હતું. બે સિંહણ બહેનો હતી તેને ત્યાં બગીચામાં બાંધી રાખવાની હતી જેથી કોઈ ટુરિસ્ટ આવે તો સિંહણો સાથે ફોટા પડાવી શકે. પછી કૂતરાની જેમ બેલ્ટ બાંધીને ઘરે લઈ જવાની… હવે જ શરૂ થાય છે સિંહોની દર્દનાક કહાની… આ તો જંગલમાંથી લાવેલા સિંહ, સિંહણ હતાં. એના નામ પણ પાડ્યાં હતાં. સિંહનું નામ રોરી. ચારેય સિંહણોનાં નામ અમાની, લીરા, વાન્ડા અને યુના. આમાંથી અમાની અને લીરા સગી બહેનો. જંગલી સિંહોને કૂતરાંની જેમ ટ્રેઈન કરવા સહેલું તો નથી જ. ક્રૂર માફિયાઓએ આ બધાં મૂંગાં જાનવરો પર ત્રાસ ગુજરવાનું શરૂ કર્યું. ફ્લેટની પાછળ રૂમમાં બંધ રોરી સિંહને સૌથી વધારે હેરાન કર્યો. લાકડીના ગોદા માર્યા, લોખંડની સાંકળથી સટાસટ માર માર્યો. બિચારાને પીઠ અને પેટ પર લાલ ચાઠાં પડી જતાં. તેને માંસ વગરનાં હાડકાં ખાવા નખાતાં. તેની પોટી કરવાની જગ્યાએ લાકડી ભરાવતા… લોખંડની પક્કડથી તેના નખને ખેંચીને લોહી કાઢતા…
સિંહણોની હાલત પણ કફોડી બનતી જતી હતી. યુના સિંહણને એક રૂમની અંદર બનાવેલી ઈંટોની નાની ઓરડીમાં પૂરી રાખી હતી. તેને પણ લાકડીથી મારતા, પૂંછડી પર છરીથી ઘા કરતા. સિંહ અને સિંહણ ચિત્કાર કરતા અને આ ચિત્કાર એકવાર ભગવાન સાંભળી ગયા…. ત્રણ મહિના યાતનામાં પસાર થઈ ગયા. 2021નો ડિસેમ્બર, 2022નો જાન્યુઆરી તો પૂરા થઈ ગયા હતા. સિંહોને યાતના આપીઆપીને કંટ્રોલમાં લેવાની માફિયાઓની ચાલ આગળ વધી રહી હતી. એવામાં તારીખ આવી 24 ફેબ્રુઆરી 2022. એનિમલ માફિયા સિંહ-સિંહણોને રોજની જેમ યાતના આપવા પહોંચ્યો. એવામાં બહારની બાજુએ પ્રચંડ અવાજ થયો. ધરતી ધ્રુજી ઊઠી. પહેલાં તો એને એવું લાગ્યું કે ભૂકંપ છે અથવા કોઈ ગેસનો બાટલો કે પાઈપ લાઈન ફાટ્યાં હશે. પણ વોર સાયરન શરૂ થઇ ત્યાં એના મોતિયા મરી ગયા. એને ખ્યાલ આવી ગયો કે રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો છે. હવે? આ સાવજોને લઈ ક્યાં જવું? જેમ-તેમ પાંચ-છ દિવસ કાઢ્યા ત્યાં સનનનન…. કરતી મિસાઈલ તેના જ એપાર્ટમેન્ટ પાસે પડી. તેના ફ્લેટની બારીના કાચ તૂટી ગયા. દીવાલમાંથી પોપડાં ખરવા લાગ્યાં. એનિમલ માફિયાને મોત દેખાઈ ગયું. એ સિંહ-સિંહણને એ જ હાલતમાં ત્યાં મૂકીને ભાગી ગયો. આસપાસનો વિસ્તાર ખાલી થઈ ગયો હતો. રાતના સન્નાટામાં ફ્લેટમાંથી સિંહના ઉંહ..ઉંહ…ર્ખોં..ર્ખો… એવા અવાજો સંભળાયા કરતા. દૂર દૂર સુધી મિસાઈલ અને રોકેટ લોન્ચરના ધડાકાના પડઘા સંભળાતા હતા. સિંહ, સિંહણો સાવ એકલાં. એ પણ અવાવરૂં રૂમમાં, પુરાયેલી હાલતમાં. અવાજો કરે પણ સાંભળે કોણ? ન ખાવા માટે ખોરાક મળે, ન પીવાનું પાણી… ગમે ત્યારે આ એપાર્ટમેન્ટ પર રશિયાની મિસાઈલ પડે તો સિંહ-સિંહણનાં મોત નક્કી જ હતાં. એકવાર તો એવું જ થયું. એપાર્ટમેન્ટની અંદર નાનકડી ઓરડીમાં પુરાયેલી યુના નામની સિંહણના જ રૂમમાં દીવાલ ચીરીને મિસાઈલ આવી પડી. આપણે માનવું પડે કે અહીંયાં ભગવાન છે. આ મિસાઈલ આવી ને પડી તો ખરી પણ ફૂટી નહીં. ધુમાડા નીકળીને હવાઈ ગઈ… આમ ને આમ મહિનાઓ નીકળી ગયા પણ સિંહ-સિંહણો હવા અને તડકાના સહારે જીવી ગયાં. યુક્રેનમાં વોર સમયે પ્રાણીઓની હાલત કફોડી બની હતી. ક્યાં જવું એ સમજાતું નહોતું. યુક્રેનમાં એક સંસ્થા છે- વાઈલ્ડ એનિમલ્સ રેસક્યૂ સેન્ટર. નતાલિયા પોપોવા નામની મહિલા આ સંસ્થા ચલાવે છે. તેણે એવું અભિયાન છેડ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જે પ્રાણી એકલાં હોય, ગભરાયેલાં હોય, નોંધારાં હોય તેને રેસક્યૂ કરીને એક શેલ્ટર હોમમાં રાખવાં. નતાલિયા અને તેની ટીમે છેલ્લા અઢી વર્ષમાં હજારો પ્રાણીઓને રેસક્યૂ કર્યાં છે. નતાલિયાની સંસ્થાને ખબર પડી કે રશિયા બોર્ડર પરના એરિયામાં એક એપાર્ટમેન્ટમાં ચાર-પાંચ સિંહો પુરાયેલા છે. તેને રેસક્યૂ કરવા માટે પ્લાન બનાવ્યો. પ્લાન તો બનાવ્યો પણ સવાલ એ ઊભો થયો કે, આ સિંહોને રાખવા ક્યાં? સંસ્થાએ બેલ્જિયમ ઝૂનો કોન્ટેક્ટ કર્યો. બેલ્જિયમ ઝૂએ કહ્યું કે, અમે કાયમી તો ન રાખી શકીએ પણ જ્યાં સુધી પાંચેય સિંહની તબિયત સુધરે નહીં ત્યાં સુધી અહીંયાં રાખો. પછી તમારે કોઈ બીજી વ્યવસ્થા કરવી પડશે. વાઈલ્ડ રેસક્યૂ એનિમલ સેન્ટરની ટીમ માટે પડકાર એ હતો કે ટેમ્પરરી તો બેલ્જિયમ ઝૂમાં લઈ જઈએ, પછી શું? યુક્રેનના વાઈલ્ડ લાઈફ એક્સપર્ટની સલાહ લેવામાં આવી. તેમાંથી એક સજેશન એવું આવ્યું કે, બેલ્જિયમથી તમે પાંચેય સિંહોને ઈંગ્લેન્ડના કેન્ટ શહેરમાં આવેલી ‘ધ બિગ કેટ સેન્ચ્યુરી’માં લઈ જાવ. ત્યાં વ્યવસ્થા થઈ જશે. મે-2024નો મહિનો હતો. યુક્રેનની વાઈલ્ડ એનિમલ્સ રેસક્યૂ સેન્ટરની ટીમ રશિયા બોર્ડર પર આવેલા એપાર્ટમેન્ટમાં પહોંચી. ત્યાં જઈને જોયું તો ટીમના હોંશ-કોશ ઊડી ગયા. સિંહોની આવી દયનીય દશા? અર્ધ મરેલી હાલતમાં પડ્યા હતા. આસપાસ મિસાઈલનો કાટમાળ હતો. સિંહ-સિંહણ જ્યાં હતાં ત્યાં આસપાસની જમીન મળ-મૂત્ર અને ગંદકીથી ખદબદતી હતી. સિંહ અને સિંહણ પીડાથી મનોમન કણસતાં પડ્યાં હતાં. હલન-ચલન નહોતાં કરી શકતા. પણ ભગવાને શ્વાસ તો ચાલુ જ રાખ્યા હતા. રેકસ્યૂ ટીમે યુક્રેન અને બેલ્જિયમ વચ્ચે સરકારી પ્રોસેસ કરી. બેલ્જિયમ ઝૂમાં મિની હોસ્પિટલમાં બધી તૈયારી થઈ. ખાસ સરકારી પ્લેનથી સિંહ રોરી અને ચાર સિંહણો અમાની, લીરા, વાન્ડા અને યુનાને પ્લેનમાં બેલ્જિયમ લઈ જવાયાં. યુક્રેનથી બેલ્જિયમનું અંતર 2000 કિલોમીટર છે. ફ્લાઈટમાં 4 કલાક જેવું થાય. પાંચેય સિંહને લઈ જવાયા બેલ્જિયમ ઝૂમાં. પહેલાં તો એની ટ્રીટમેન્ટ લાંબી ચાલી. ટ્રીટમેન્ટ જ છ મહિના કરવી પડી. આવી ગયો નવેમ્બર-2024. હવે વિચારો, નવેમ્બર 2021માં નસીબના માર્યા પાંચેય સિંહને ગેરકાયદે યુક્રેન લાવવામાં આવ્યા હતા. એ વાતને ત્રણ વર્ષ થઈ ગયાં હતાં. ત્રણ વર્ષમાંથી છ મહિના તો ટ્રીટમેન્ટ ચાલી. સિંહ અને સિંહણમાં ઊભાં રહેવા તો શું, બેસવાની શક્તિ પણ બચી નહોતી. શરીરે ચાંઠાં ન પડે એટલે પડખાં ફેરવી ફેરવીને ઈન્જેક્શન, દવાઓ, નાની-મોટી સર્જરી બધું જ કર્યું. આ તરફ સવાલ એ હતો કે બેલ્જિયમ ઝૂમાં સારવાર તો થઈ ગઈ, હવે ઈંગ્લેન્ડની બિગ કેટ સેન્ચ્યુરીમાં ક્યારે લઈ જવાના? આ સિંહો ક્યારેય બેસતા કે ચાલતા થશે? આ બધા વચ્ચે એક મોટી સમસ્યા આવીને ઊભી રહી. થયું એવું કે ઈંગ્લેન્ડની બિગ કેટ સેન્ચ્યુરીના સંચાલકોએ કહ્યું કે, અમને પાંચ સિંહ રાખવામાં ને સંભાળ લેવામાં વાંધો નથી પણ એને રાખવા માટેની કોઈ વ્યવસ્થા નથી. અમારી પાસે જમીન તો મોટી છે પણ પાંજરું, રેસ્ટરૂમ, લોન એ બધું અલગથી બનાવવું પડશે. હવે સવાલ પૈસાનો આવ્યો. પૈસા ભેગા થાય તો પાંચ સિંહો માટે ઈંગ્લેન્ડમાં વ્યવસ્થા થાય. યુક્રેનના વાઈલ્ડ એનિમલ્સ રેસક્યૂ સેન્ટર અને ઈંગ્લેન્ડની બિગ કેટ સેન્ચ્યુરીએ સોશિયલ મીડિયામાં સહિયારી ઝુંબેશ શરૂ કરી. ‘યુક્રેન યુદ્ધ વચ્ચે બચી ગયેલા પાંચ સિંહોને સાચવવા માટે વ્યવસ્થા કરવાની છે. તમે દાન આપી શકો છો.’ – આ જાહેરાત મે-2024માં કરવામાં આવી. ઓગસ્ટ-2024 સુધીમાં તો 50 લાખ પાઉન્ડ એટલે 6.50 લાખ ડોલર ભેગા થઈ ગયા. ભારતના રૂપિયામાં ગણીએ તો 5 કરોડ 56 લાખ રૂપિયા થાય. ફંડ ભેગું થતાં જ ધડાધડ કામ શરૂ થયું. ફેન્સિંગ, સ્પેશિયલ ઘાસવાળી લોન, અલગથી રેસ્ટરૂમ… આ બધું રોરી, અમાની, લીરા, વાન્ડા અને યુના માટે થઈ રહ્યું હતું. આફ્રિકાના સિંહો હવે ઈંગ્લેન્ડમાં સેટલ થવાના હતા. ડિસેમ્બર-2024માં કામ શરૂ થયું ને ફેબ્રુઆરી-2025માં પૂરું થઈ ગયું. યુક્રેન સરકાર, બેલ્જિયમ ઝૂ અને યુકે સરકાર વચ્ચે ત્રિસ્તરીય પરમિશન પ્રોસેસ થઈ. પાંચેય સિંહને બેલ્જિયમ ઝૂમાંથી ઈંગ્લેન્ડના કેન્ટ શહેરની ધ બિગ કેટ સેન્ચ્યુરીમાં લઈ જવા માટે 12 માર્ચ-2025નો દિવસ નક્કી થયો. આ સફર 350 કિલોમીટરની હતી. મોટા બંધ ટ્રકમાં સિંહોને લઈ જવાના હતા. વચ્ચે દરિયો આવતો હતો. પહેલાં બેલ્જિયમ ઝૂની બંધ ટ્રકમાં દરિયાકાંઠા સુધી લઈ જવામાં આવ્યા. ઈંગ્લેન્ડથી મોટી શિપની વ્યવસ્થા કરાઈ. તે બેલ્જિયમના દરિયા કિનારે ઊભી હતી. તેમાં પાંચેય સિંહોનાં પિંજરાં ટ્રાન્સફર કર્યા. શિપ બેલ્જિયમથી ઈંગ્લેન્ડના કિનારે પહોંચી. ત્યાં ફરી પાંજરા અનલોડ થયાં અને બિગ કેટ સેન્ચ્યુરીની બંધ ટ્રક ઊભી હતી તેમાં ફરી પાંજરાં ગોઠવ્યાં. બેલ્જિયમથી ઈંગ્લેન્ડ પહોંચવામાં 12 કલાક થયા. પાંચેયને બિગ કેટ સેન્ચ્યુરીમાં તેમના માટે બનાવવામાં આવેલા અલાયદા વિભાગમાં લઈ જવામાં આવ્યા. 13 માર્ચ થઈ ગઈ હતી. દસેક દિવસ તો શેલ્ટર રૂમમાં રાખીને ઓબ્ઝર્વેશન અને સારવાર કર્યા. સિંહ રોરી અને ચારેય સિંહણના મનમાં હજી પીડા અને યુદ્ધના અવાજનો માનસિક આઘાત હતો. આ પાંચેય સિંહને માનવામાં નહોતું આવતું કે, અમે બંધ ભેંકાર ઓરડીમાં પુરાયેલા હતા, યાતના વેઠી હતી, ખાવા-પીવા નહોતું મળતું, સતત મિસાઈલના અવાજો ગાજ્યા કરતા હતા… ત્યાંથી સીધા આવી જગ્યાએ રહેવા આવી ગયાં!! મન માનવા તૈયાર નહોતું એટલે સિંહોનું વર્તન પણ એવું હતું. પાંચેય સતત ભયમાં રહેતા હતા. ડરી-ડરીને ખોરાક ખાતા. ઊભા થઈને માંડ માંડ રેસ્ટરૂમમાં આંટા મારતા હતા… દસ-બાર દિવસ તો નીકળી ગયા. હવે તેને બહારના વિસ્તારમાં લાવવાનો સમય આવી ગયો હતો. 25 માર્ચ 2025ના દિવસે પાંચેયને રેસ્ટરૂમનું પાંજરું ખોલીને લોન એરિયામાં છોડવામાં આવ્યા. સિંહો પહેલાં તો ડરી ડરીને પગ મૂકતા હતા. ઓરડીમાં પુરાઈ રહેલી યાના સિંહણના પગના મસલ્સ હજી પણ ઠીક થયા નથી. માંડ માંડ પગ માંડી શકે છે. છતાં હિંમત કરીને તે લોનમાં ચાલી. રોરી સિંહ પણ લોનમાં ચાલીને ગેલમાં આવી ગયો. બંને સગી બહેનો અમાની અને લારા સાથે જ રહે છે. વાન્ડા ગભરાયેલી છે. તેના ડાબા પગ પાસે બોમ્બ ફૂટ્યો હતો એટલે એ પગમાં તકલીફ છે. થોડી લંગડાતી લંગડાતી ચાલે છે. ડોક્ટરનું કહેવું છે કે થોડા મહિનાઓમાં એ પગ ઠીક થઈ જશે. પાંચેય સિંહોને હવે ઈંગ્લેન્ડની બિગ કેટ સેન્ચ્યુરીમાં ફાવી ગયું છે. તાજુંમાજું માંસ મળે છે. રમવાનાં સાધનો આપીને એક્ટિવ રખાય છે. પાંચેય માટે ખાસ કેર ટેકર રાખવામાં આવ્યા છે. આ બિગ કેટ સેન્ચ્યુરીમાં સિંહ, વાઘ, દીપડા, જેગુઆર બધું મળીને 39 પ્રાણીઓ સચવાયાં છે. આફ્રિકાથી યુક્રેન, યુક્રેનથી બેલ્જિયમ અને બેલ્જિયમથી ઈંગ્લેન્ડ. બધું ગણો તો 15 હજાર કિલોમીટરનો પ્રવાસ, 32 કલાકથી વધારે કલાકોની સફર ખેડીને આ સાવજોને તેનું નસીબ દક્ષિણ આફ્રિકાનાં જંગલોથી 13 હજાર કિલોમીટર દૂર લઈ આવ્યું. યાતના પછી પણ આ સિંહ જીવી ગયા એ ચમત્કારથી કમ નથી. આખરે મા દુર્ગા તેના વાહનને બચાવવા આવી જ પહોંચે છે એ નક્કી. ડિટેઈલ અને ઈમેજ ક્રેડિટ
AP
The Big Cat News
ITV News
AS TV

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments