રાજકોટ સહિત દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા ગોંડલના જાટ યુવાન રાજકુમારના મૃતદેહનો પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ દિવ્ય ભાસ્કરને હાથ લાગ્યો છે. નિષ્ણાત તબીબો પાસે તેનું અવલોકન કરાવવામાં આવતા રહસ્યમય અને સ્ફોટક વિગતો બહાર આવી છે. ફોરેન્સિક રિપોર્ટ કરતાં પ્રથમ પીએમમાં માત્ર એક બે નહીં પરંતુ 25 ઇજા ઓછી બતાવવામાં આવી છે. ત્યારે જે મેડિકલ ઓફિસરે પ્રથમ પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે તેઓને આટલી ઇજા નહીં દેખાઇ હોય અથવા તો જાણી જોઇને ઓછી બતાવવામાં આવી છે કે કેમ તે પણ તપાસનો વિષય છે. બીજી બાજુથી અકસ્માતમાં મૃત્યુની તપાસ ચલાવી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટર બી.પી.રજયાની તપાસ ચાલુ છે માત્ર એટલું જ રટણ કરી રહ્યા છે. ત્યારે હવે પ્રથમ રિપોર્ટની પણ વિગતો સામે આવી ગઇ છે ત્યારે રાજકોટના ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ ઘટનાને હવે કેટલી ગંભીરતાથી લે છે તે જોવું રહ્યું. ગોંડલના જાટ યુવાન રાજકુમાર કણસતી હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ લવાયા બાદ તેનું સારવાર મળે તે પહેલાં મૃત્યુ નીપજ્યું હતું, 4 માર્ચે સવારે 7.20 કલાકે મેડિકલ ઓફિસર ડો.ધવલ ગોસાઇએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યું જેમાં કુલ 17 ઇજાના નિશાન બતાવ્યા છે, ત્રણ ડોક્ટરની પેનલ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ 42 ઇજાના નિશાન બતાવાયા હતા. પ્રથમ પીએમ રિપોર્ટમાં મેડિકલ ઓફિસરે આટલી ઈજા ન બતાવી નોંધ : ઘણી ઈજા એક જ ભાગમાં વર્ણવી લેવાઈ છે તેથી લિસ્ટ 18 ઈજાનું બન્યું છે. PM રિપોર્ટમાં પેન્ટમાં લોહીના ડાઘ ન દેખાડ્યા, ખોપરી ન ખોલી અને લોહીના સેમ્પલ ન લીધાં
રાજકુમારના મૃતદેહનું પ્રથમ પીએમ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરે ગોસાઇએ કર્યું હતું ત્યારે મૃતકની ઓળખ થઇ નહોતી, ઓળખ થયા બાદ પરિવારજનોએ હત્યાનો આક્ષેપ કરતાં ફોરેન્સિક નિષ્ણાંતોએ બીજી વખત પીએમ કર્યું હતું, બંને પોસ્ટમોર્ટમ રિપોર્ટનું નિષ્ણાત તબીબોએ અવલોકન કરતાં પ્રથમ પોસ્ટમોર્ટમમાં કુવાડવા પોલીસ અને પીએમ કરનાર ડોક્ટરે કરેલી ગુનાહિત બેદરકારી આવી છે. પ્રથમ પીએમ રિપોર્ટમાં ડો.ગોસાઇએ દર્શાવ્યું હતું કે, મૃતકે પહેરેલા જેકેટમાં લોહીના ડાઘ છે જ્યારે તેણે પહેરેલા ટ્રેકશૂટના પેન્ટમાં લોહીનું નિશાન જોવા મળ્યું નથી, જ્યારે ફોરેન્સિક પીએમમાં સ્પષ્ટ દર્શાવાયું છે કે, મૃતકના પગમાં ગંભીર ઇજાઓ થયેલી છે, જો ગંભીર ઇજા થઇ હતી તો લોહી નીકળ્યું જ હોય તો પ્રથમ રિપોર્ટમાં શા માટે દર્શાવાયું નથી? આ બાબત પરથી એવી પણ શંકા ઊઠી શકે કે રાજકુમારને માર માર્યા બાદ લોહીના ડાઘ સાફ કરીને તેને પેન્ટ પહેરાવવામાં આવ્યું હોઇ શકે. બીજો મહત્ત્વનો મુદ્દો એ પણ બહાર આવ્યો હતો કે, ફોરેન્સિક નિષ્ણાતોએ પોસ્ટમોર્ટમ શરૂ કર્યું તે પહેલાં તેમને જ્યારે મૃતદેહ સોંપવામાં આવ્યો ત્યારે મૃતકના માથામાં કપાળના ભાગે 12 ટાંકા લીધા હોવાના નિશાન હતા, ફોરેન્સિક નિષ્ણાતોએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે, રાજકુમારને હેમરેજ થયું હતું, કોઇપણ મૃતકને હેમરેજ થયું છે કે કેમ તે જાણવા માટે પોસ્ટમોર્ટમ વખતે ખોપરી ખોલવામાં આવે છે અને ખોપરી ખોલવામાં આવેતો માથા ફરતે ટાંકા લેવા પડે અને અંદાજે 60 જેટલા ટાંકા આવી શકે, આનો અર્થ એ થાય છે કે, ડો.ગોસાઇએ પોતાના રિપોર્ટમાં હેમરેજ બતાવ્યું છે પરંતુ તેમણે જેતે સમયે ખોપરી ખોલી નહોતી, અને ત્રીજી ગંભીર બાબત એ બહાર આવી હતી કે, જ્યારે કોઇ અજાણ્યા વ્યક્તિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનું હોય ત્યારે પોલીસ ઇન્કવેસ્ટ પંચનામું કરે ત્યારે મૃતકના લોહીનું સેમ્પલ લેવાનું લખતા હોય છે, આ પ્રથમ પીએમમાં કુવાડવા પોલીસે લખ્યું નહોતું અને ડો.ગોસાઇએ સેમ્પલ લીધા નહોતા, જે બાબત પણ ગંભીર હતી, જોકે ફોરેન્સિક નિષ્ણાતોએ પીએમ વખતે બ્લડ સેમ્પલ લીધા હતા. પીએમ રિપોર્ટમાં આવી ગંભીર બેદરકારી પોલીસ કે ગુનેગારના ઇશારે જ થઇ શકે
નિષ્ણાત તબીબોએ જણાવ્યું હતું કે, જ્યારે કોઇ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનું હોય ત્યારે પ્રથમ પોલીસ લાશને જોવે છે અને પંચનામામાં કેટલી ઇજા છે તે દર્શાવે છે, રાજકુમારના બે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઇજાના નિશાન બાબતે ભારે વિસંગતતા જોવા મળી છે, પ્રથમ પીએમમાં માત્ર 17 ઇજા, જ્યારે ફોરેન્સિક પીએમમાં 42 ઇજા દર્શાવી છે, કોઇ મૃતદેહ ખરાબ રીતે કચડાઇ, કોહવાઇ કે પૂરી રીતે સળગી ગયો હોય તેવા કિસ્સામાં ઇજાના બે ત્રણ નિશાન ઓછા જોવા મળે પરંતુ આ કિસ્સામાં 25 નિશાન ઓછા દેખાયા તે શંકાસ્પદ છે. નિષ્ણાંતે કહ્યું હતું કે, કોઇ કેસમાં પોલીસ ચોક્કસ ઇરાદે ડોક્ટરનો સંપર્ક કરીને ઓછી ઇજા બતાવવા ખેલ પાડે અથવા તો ગુનેગાર પોતાને કોર્ટ કાર્યવાહીમાં લાભ થાય તે માટે ઓછી ઈજા દેખાડવાનું કહી શકે છે. વકીલ જયંત મુંડએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા રાજકુમાર જાટ મોત કેસને લઇ કેટલાક સવાલો ઊભા કર્યા છે. તેમને જણાવ્યું હતું કે, UPSCની તૈયારી કરતા યુવાનના મોત મામલે આજે 23 દિવસ પૂરા થવા છતાં હજુ પણ આ મામલે ફરિયાદ નોંધવામાં નથી આવી કે ના તો CBIને આ કેસની તપાસ સોંપવામાં આવી. એટલું જ નહિ હજુ સુધી આ કેસને લઇ ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી કે ડીજીપી કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા. સવાલ નંબર (1)
2 માર્ચના રોજ રતનલાલ જાટ અને તેના પુત્ર રાજકુમાર જાટ સાથે મારકૂટ કરવામાં આવી છે. આ મામલે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રતનલાલ જાટ ગયા હતા તો પોલીસે તેમની ફરિયાદ કેમ નોંધી નથી? સવાલ નંબર (2)
5 માર્ચના રોજ પોલીસ દ્વારા ગુમનોંધ લેવામાં આવી છે પરંતુ 4 માર્ચના રોજ રાજકુમારનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે રાખવામાં આવ્યો હતો. જેને પ્રથમ લાવારિસ બોડી કહેવામાં આવી હતી અને 9 માર્ચના રોજ ઓળખ થતાં તે રાજકુમારની હોવાનું સામે આવ્યું હતું. પિતા હાઇકોર્ટ સુધી પહોંચ્યા ત્યારે જ કેમ બોડી પરિવારને સોંપવામાં આવી. સવાલ નંબર (3)
રાજકુમાર ગોંડલથી નીકળી અને તરઘડિયા પહોંચે ત્યાં સુધીમાં 3 વખત કપડાં બદલાઇ જાય છે. એક જગ્યાએ કપડાં વગરના સીસીટીવી સામે આવ્યા છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બોડીનું ઇન્કવેસ્ટ પંચનામું તેમજ સ્થળ પરના વીડિયો ફોટા કેમ આપવામાં આવતા નથી? સવાલ નંબર (4)
બસથી અકસ્માત થયો છે તો ગુદામાં સાત સેન્ટિમીટરનો ચીરો કેવી રીતે પડ્યો? સવાલ નંબર (5)
શરીર ઉપર 42 ઇજાનાં નિશાન કેવી રીતે થયાં? સવાલ નંબર (6)
શરીરમાં હાથ, પગ, આંખ અને માથાના ભાગે અલગ અલગ ઇજાનાં નિશાન છે એ કેવી રીતે આવ્યાં? સવાલ નંબર (7)
બસચાલકની 13 માર્ચના રોજ ધરપકડ કરવામાં આવેલી છે. 42 ઇજાનાં નિશાન છે એવું કહેવામાં આવી રહ્યું છે તો આ મામલે ફરિયાદ કેમ કરવામાં નથી આવી? સિવિલ હોસ્પિટલના ચોપડામાં છેડછાડ કોણે કરી? સવાલ નંબર (8)
રાજકોટ જિલ્લા પોલીસ વડા 7 માર્ચના રોજ એવું કહે છે કે, તમારો દીકરો ટ્રેસ થઇ ગયો છે એની માનસિક સ્થિતિ સારી નથી. નશેડી છે અમે એને લઇ આવીએ છીએ, આગળ તમે એનો ખ્યાલ રાખજો અને એના બે દિવસ સુધી કોઈ યુવાનનો પત્તો કેમ ન લાગ્યો? સવાલ નંબર (9)
શું રાજકોટ પોલીસ NGO મારફત યુવકના અંતિમસંસ્કાર કરાવવા માગતી હતી? સવાલ નંબર (10)
4 માર્ચના રોજ મૃતદેહ સિવિલ હોસ્પિટલ રાજકોટમાં પહોંચી ગયો હતો તો પછી રાજકોટ શહેર જિલ્લા અને ગુજરાતના મિસિંગ પોર્ટલમાં કેમ આપવામાં ન આવ્યું? સવાલ નંબર (11)
જયરાજસિંહ જાડેજાના ઘરના સીસીટીવી પોલીસે જાહેર કર્યા પરંતુ અધૂરા કર્યા છે. પૂરા સીસીટીવી કેમ જાહેર નથી કરી રહ્યા? સવાલ નંબર (12)
ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં ઇજાનાં નિશાન તાજા છે અને શરીરમાં અલગ અલગ ઇજાનાં નિશાન છે તે 4-4 સેન્ટિમીટરના ઇજાનાં નિશાન છે જે કોઈ દિવસ અકસ્માતમાં શક્ય નથી. સવાલ નંબર (13)
શરીરમાં જે ઇજાનાં નિશાન છે તે ઘણી શંકા ઉપજાવી રહ્યાં છે. અકસ્માતથી આ ઇજાનાં નિશાન થવા શક્ય નથી. સવાલ નંબર (14)
રામધામ આશ્રમથી ઓવરબ્રિજ સુધી અંતરમાં શું થયું એ પણ એક સવાલ છે. આ વિસ્તારમાં રાજકુમારના શરીર ઉપરથી કપડાં ગાયબ કેમ થયાં એ મોટો સવાલ છે. સવાલ નંબર (15)
રાજસ્થાન વિધાનસભા અને લોકસભામાં સવાલો ઉદભવ્યા છે. ચાર ચાર સાંસદ, ધારાસભ્ય અને 50 જેટલાં સંગઠનો દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું આમ છતાં પ્રધાનમંત્રી, ગૃહમંત્રી, ગુજરાત સરકાર કે રાજસ્થાન સરકાર આ મામલે ફરિયાદ દાખલ કરાવવા કેમ કોઈ નિર્ણય નથી કરી રહી? સવાલ નંબર (16)
રાજકોટ કુવાડવા પોલીસ અને ડીસીપી સજ્જનસિંહ પરમાર પંચનામાની ઈ કોપી, પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટની કોપી કેમ નથી આપી રહ્યા. આની અંદર એવું શું છે કે જે પોલીસ છુપાવી રહી છે? ગુજરાતની સરકાર ગુજરાતના ગૃહમંત્રીને પૂછવા માગું છું કે, ગુજરાત પોલીસ ગુંડા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરી રહી છે. તમે સોશિયલ મીડિયામાં રીલ બનાવીને મૂકી રહ્યા છો તો રાજકોટ પોલીસને શું થયું એ કેમ આ કેસમાં કડક કાર્યવાહી નથી કરી રહી? રાજકુમાર જાટને ગુજરાત પોલીસ ગુજરાત સરકાર ન્યાય કેમ નથી અપાવી શકતી? આ ઉપરાંત એડવોકેટ દ્વારા નામ લીધા વગર પણ આક્ષેપો કર્યા હતા અને આ આક્ષેપો સાથે નિવેદન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના ભાજપના નેતાને એવી શું લોલીપોપ ગોંડલના બાહુબલીએ આપી છે કે કોઇ પણ એના વિરુદ્ધ રાજકુમારના સપોર્ટમાં નિવેદન નથી કરી રહ્યા.? અમે લોકો સડકથી લઇ સદન સુધી હાઈકોર્ટથી લઇ સુપ્રીમ કોર્ટ સુધી લડીશું. ગોંડલને મિર્ઝાપુર નહિ તો મિની પાકિસ્તાન કહેવું પડશે.