પ્રતિપાલસિંહ ગોહિલ, મહેન્દ્રસિંહ જાડેજા
રાજ્યના ગુપ્તચર વિભાગને મળેલી માહિતીના આધારે સુરેન્દ્રનગરથી નાગાલેન્ડ સહિતના ત્રણ રાજ્યમાં ચાલતું હથિયાર લાઇસન્સ આપવાનું કારસ્તાન બહાર આવ્યું છે. હજુ 25 શખ્સ પકડાયા છે, તેમની પાસેથી 17 હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે, દિવ્ય ભાસ્કરને એવી માહિતી મળી છે કે, આ કાર્યવાહી માત્ર હિમશિલાની ટોચ સમાન છે, માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં જ નહીં પરંતુ રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં 1000 શખ્સોએ ભારતના ત્રણ રાજ્યમાંથી સંપૂર્ણપણે ગેરકાયદે હથિયાર ખોટા લાઇસન્સના આધારે ખરીદી લીધા છે. માત્ર ભાડા કરારના આધારે જ હથિયારનું લાઇસન્સ આપી દેવામાં આવતું હતું આના માટે સૌરાષ્ટ્ર, ગુજરાત અને હરિયાણાના એજન્ટ કામ કરતા હતા. બે વર્ષથી ચાલતા ઓર્ગેનાઇઝ ક્રાઇમ અંગે ગુપ્તચર વિભાગને માહિતી મળ્યા બાદ અધિકારીઓને તેનાથી વાકેફ કરાયા બાદ સુરેન્દ્રનગર પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી. હજુ 17 હથિયાર પોલીસે જપ્ત કર્યા છે, પરંતુ જ્યારે આ તપાસ પૂર્ણ થયાનું જાહેર કરાશે ત્યારે આંકડો 1000થી પણ વધુનો થવાની પૂરેપૂરી સંભાવના છે. ગુજસીટોકનો ગુનો નોંધાય શકે | છેલ્લા બે વર્ષથી ચાલતા આ કારસ્તાનમાં ગુજસીટોકનો ગુનો નોંધાય તેવી સંભાવના છે, કારણ કે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર પંથકના જે શખ્સોએ લાઇસન્સ મેળવ્યા છે તે એક ચોક્કસ સમાજના છે, અને બધા એકબીજા સાથે સામાજિક રીતે જોડાયેલા છે, મોટાભાગે ખાણ ખનીજના ધંધા સાથે સંકળાયેલા તેમજ મારામારી, ખૂનની કોશિશ, ખૂન સહિતના જેના પર ચારથી વધુ ગુના છે, તેમણે લાઇસન્સ મેળવી લીધા હતા. આ આખું એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ હોય તપાસના અંતે ગુજસીટોકનો ગુનો નોંધાય તેવી પણ સંભાવના છે.
હરિયાણાનું એક ગન હાઉસ શંકાના દાયરામાં | નાગાલેન્ડના દિમાપુરમાંથી મોટાભાગના લાઇસન્સ નીકળ્યા હરિયાણાનું એક ગન હાઉસ પણ શંકાના દાયરામાં છે, એક એજન્ટને પણ સકંજામાં લઇ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. નાગાલેન્ડના દિમાપુરમાંથી મોટાભાગના લાઇસન્સ કાઢવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્રના જે લોકોના ગેરકાયદે લાઇસન્સ નીકળ્યા છે તેમાં ડેપ્યુટી કમિશનર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના સિક્કા સાથેના લાઇસન્સ છે. હથિયાર ખરીદીનું કેન્દ્ર | સુરતના ગજાનન ગન હાઉસના 2 શખ્સની એજન્સીએ તપાસ શરૂ કરી રાજકોટ | નાગાલેન્ડ સહિતના રાજ્યોમાંથી ગેરકાયદે લાઇસન્સ આવી ગયા બાદ હથિયારની ખરીદી મોટાભાગે સુરતમાં આવેલા ગજાનન ગન હાઉસમાંથી જ કરવામાં આવતી હતી. સૌરાષ્ટ્રના ચાર જિલ્લાના તત્ત્વો બહારના રાજ્યમાંથી ઓલ ઇન્ડિયા પરમિટવાળું ગેરકાયદે લાઇસન્સ મેળવી સ્થાનિક કક્ષાએથી હથિયાર એટલા માટે ખરીદતા નહોતા કારણ કે, આ અંગેની જાણ સ્થાનિક પોલીસને થઇ જાય એટલે સાવચેતી રાખવામાં આવતી હતી અને મોટાભાગના તત્ત્વોએ અમિત પટેલ અને જીગર પટેલની માલિકીના ગજાનન ગન હાઉસમાંથી જ હથિયારની ખરીદી કરતા હતા. આ અંગેની જાણકારી ગુજરાતની એક ટોચની એજન્સીને થતાં આ બંને શખ્સે છેલ્લા બે વર્ષમાં કેટલા લોકોને હથિયાર વેચ્યા તેની માહિતી એજન્સી મેળવી રહી છે. રૂબરૂ જવું પડતું ન હતું, માત્ર ભાડા કરારમાં લેવાતા દસ્તાવેજ મોકલો એટલે લાઇસન્સ મળી જાય આખેઆખું ષડ્યંત્ર બે વર્ષથી ચાલતું હતું કેવી રીતે?, તે અંગે સૌને સવાલ થાય ત્યારે દિવ્ય ભાસ્કરને એવી માહિતી મળી છે કે, સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત હરિયાણામાં કેટલાક એજન્ટો હથિયાર લાઇસન્સ અપાવી દેવાનું કામ કરતા હતા, એક લાઇસન્સ દીઠ 8થી 10 લાખ રૂપિયાનો વહીવટ કરવામાં આવતો હતો. ઉદાહરણ તરીકે જોઇએ તો કોઇ એક્સ વ્યક્તિને નાગાલેન્ડ, મિઝોરમ કે મણિપુરમાંથી હથિયારનું લાઇસન્સ કઢાવવા સૌરાષ્ટ્ર કે ગુજરાતના કોઇ શહેરનોમાં રહેતો હોય તો તેણે જે રીતે ભાડા કરારમાં જેટલા દસ્તાવેજી પુરાવા આપવાના થતા હોય છે તેટલા પુરાવા એજન્ટને આપી દેવાના રહેતા. સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી પોલીસ ટીમે નાગાલેન્ડ અને મણિપુરમાંથી હથિયારના પરવાના મેળવીને હથિયાર લઇને ફરતા ગુનેગારોનો પર્દાફાસ કર્યો છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 25 હથિયાર જમા લેવામાં આવ્યા છે. અહીંયા મહત્ત્વની બાબત એ છે કે રૂ.3 લાખથી લઇને 8 લાખ સુધીનો ભાવ લઇને પરવાના મેળવવામાં આવતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.