સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા વિભાગ નો રિષેસ સાથે કાર્યરત રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા. 1 એપ્રીલથી પરીક્ષા વિભાગની 3માંથી 1 બારી બપોરે 2થી 3 દરમિયાન પણ ખુલ્લી રહેશે. જેનો યુનિવર્સિટી સંલગ્ન 5 જિલ્લાની કોલેજૉના અંદાજે અઢી લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેથી હવે મંગળવારથી પરીક્ષા વિભાગની બારી સવારે 10.45થી સાંજે 6 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અહીં પરીક્ષા વિભાગને લગતા માર્કશીટમાં સુધારો, ડુપ્લીકેટ માર્કશીટ, ટ્રાન્સક્રિપ્ટ સર્ટિફિકેટ સહિતના કામો માટે હવે વિદ્યાર્થીઓને રિસેસ દરમિયાન વેઇટિંગમાં બેસવું નહીં પડે. વિદ્યાર્થીઓને રિસેસના કારણે એક કલાક રાહ જોવી પડે છે
ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ મહામંત્રી અને વિદ્યાર્થી નેતા અંકિત સોંદરવાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં ઘણા સમયથી બપોરે 2થી 3 બ્રેક રાખવામાં આવે છે. જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ જસદણ, ભાવનગર અને પાલીતાણા સહિતના બહારગામના વિસ્તારોમાંથી આવતા હોય છે તેઓને એક કલાક સુધી ત્યાં રાહ જોવી પડે છે. આ બાબતે વિદ્યાર્થીઓ દ્વારા મને રજૂઆત કરવામાં આવી હતી કે, જો બપોરે રિસેસ રાખવામાં ન આવે તો બહારગામથી આવતા વિદ્યાર્થીઓને પોતાના કામ સરળતાથી થઈ શકે અને તે કામ પૂર્ણ કરી તેઓ ફરી પોતાના વતન થઈ શકે. પરીક્ષા વિભાગની બારીઓ દિવસભર શરૂ રાખવા નિર્ણય
આ બાબતે અમારા દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને પરીક્ષા નિયામકને રજૂઆત કરવામાં આવી હતી અને ત્યાર બાદ હવે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા વિભાગની બારીઓ દિવસભર શરૂ રાખવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે તે ખૂબ જ આવકારદાયક છે. હવે આગામી દિવસોમાં અમારા દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે કે પરીક્ષા વિભાગની બારીઓ ખરેખર પૂરો દિવસ ચાલુ રહે છે કે કેમ. બહારગામથી આવતા વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે
ખુશાલી ડઢાણીયાએ જણાવ્યું હતું કે, પરીક્ષા વિભાગની બારીઓ બપોરે રિસેસ દરમિયાન ખુલ્લી રહે તો વિદ્યાર્થીઓ એક કલાક સુધી જે રાહ જોઈ રહ્યા છે તેઓને રાહ જોવી ન પડે અને તેઓનું કામ જલ્દીથી થઈ જાય. જ્યારે અન્ય વિદ્યાર્થી અજયસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે બપોરે બ્રેક દરમિયાન પણ પરીક્ષા વિભાગની બારી ખુલ્લી રાખવાનો નિર્ણય વિદ્યાર્થીઓ માટે લાભદાયી બનશે. બહારગામથી આવતા વિદ્યાર્થીઓને ખૂબ જ ફાયદો થશે. પરીક્ષા વિભાગ 1 એપ્રિલથી નો રિસેસ સાથે કામ કરશે
આ બાબતે પરીક્ષા વિભાગના OSD નિલેશ સોનીએ જણાવ્યું હતું કે, હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગની 3 બારીઓ સવારે 10.45થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી હોય છે. જોકે બપોરે 2થી 3 વાગ્યા સુધી બ્રેક હોય છે, પરંતુ હવે પરીક્ષા વિભાગ 1 એપ્રિલથી નો રિસેસ સાથે કામ કરશે એટલે કે બપોરે 3માંથી 2 નંબરની બારી ખુલ્લી રાખવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓના પરીક્ષા વિભાગને લગતા કામો રિસેસ દરમિયાન પણ થઈ શકશે. સામાન્ય રીતે કેસ બારી બપોરે 4 વાગ્યે બંધ થઈ જતી હોય છે અને પરીક્ષા વિભાગની બારીમાં 2થી 3 રિસેસ હોય તો બાદમાં એક કલાકના સમયમાં પ્રક્રિયા પૂરી ન થાય તો ફી ભરી શકાતી નથી. જેથી હવે 1 એપ્રિલથી પરીક્ષા વિભાગની 3માંથી 1 બારી બપોરે રિસેસ દરમિયાન પણ ખુલ્લી રહેશે. જેનો અઢી લાખ વિદ્યાર્થીઓને ફાયદો થશે.