હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. જે મુજબ આજે સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે પણ પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ
રાજ્યમાં આગામી ચાર દિવસ જુદા જુદા જિલ્લાઓમાં છૂટાછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે 31 માર્ચના રોજ દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવો વરસાદ વરસી શકે છે. પંચમહાલ-દાહોદ તેમજ દ.ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી
આવતીકાલે 1 એપ્રિલના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ, ભાવનગર અમરેલી અને દીવ માટે છૂટાછવાયાં સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ થન્ડરસ્ટોર્મની વોર્નિંગ આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં થન્ડરસ્ટોર્મની વોર્નિંગ
ત્રીજા દિવસે 2 એપ્રિલના રોજ હળવાથી મધ્યમ વરસાદની આગાહી ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. તેમજ થન્ડરસ્ટોર્મની વોર્નિંગ આપવામાં આવી છે. મરાઠવાડામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું
ચોથા દિવસે એટલે કે 3 એપ્રિલે છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીમાં છૂટાછવાયાં સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. મરાઠવાડામાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેનો એક છેડો છત્તીસગઢ સુધી અને બીજો છેડો દક્ષિણમાં તમિલનાડુ સુધી વિસ્તરેલો છે. તેથી ભેજની મૂવમેન્ટને લઈને વરસાદ વરસી શકે છે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફની રહેશે. પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. 4થી 6 એપ્રિલ સુધી રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. 5 દિવસ મહત્તમ-લઘુતમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીંવત્
રાજ્યમાં આગામી 5 દિવસ મહત્તમ અને લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા મળશે નહીં. રાજ્યમાં આગામી 24 કલાકમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. જ્યારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન રાજકોટમાં 40.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન નલિયામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 38.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન અનુક્રમે 21.6 અને 19.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.