ગુજરાત પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ આજે પણ ચાલુ રહી છે. જોકે, કેટલાક જિલ્લાના કર્મચારીઓએ આંદોલનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આજે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શનકારીઓને બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વિરોધ પ્રદર્શન માટે આવેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી. આરોગ્ય કર્મચારીઓએ 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. તેમની મુખ્ય માગણીઓમાં ટેક્નિકલ કૌશલ્ય આધારિત પગારધોરણ લાગુ કરવું અને ખાતાકીય પરીક્ષા રદ કરવાનો સમાવેશ થાય છે. સરકારે એસ્મા લાગુ કર્યો હોવા છતાં આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે. સરકારે હડતાળ સમેટ્યા બાદ જ વાતચીત કરવાનું વલણ અપનાવ્યું છે. કર્મચારીઓએ આ શરત નકારી કાઢી છે. સરકારના આકરા વલણને કારણે કેટલાક જિલ્લાના કર્મચારીઓએ આંદોલનથી અળગા રહેવાનું પસંદ કર્યું છે. આમ આંદોલનમાં ભાગલા પડ્યા છે. ગઈકાલની જેમ આજે પણ સત્યાગ્રહ છાવણી ખાતે સૂત્રોચ્ચાર કરતા તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.