કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ગિરિજા વ્યાસ (79) આરતી કરતી વખતે દાઝી ગયાં હતાં. પૂજા દરમિયાન, તેમની પાલવમાં દીવાથી આગ લાગી. ગિરિજા વ્યાસને ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને અમદાવાદ રિફર કરવામાં આવ્યાં હતાં. 90% શરીર દાઝ્યું, બ્રેઇન હેમરેજ પણ થયું
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ઝાયડસ હોસ્પિટલના બર્ન્સ સ્પેશિયાલિસ્ટ ડો. ગિરીશ અમલાણીના જણાવ્યા મુજબ ડો. ગિરિજા વ્યાસને આજે 31 માર્ચ 2025ના રોજ સાંજે 6:00 વાગ્યાની આસપાસ ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યાં હતાં. સવારે 11:30 વાગ્યાની આસપાસ તેઓ પૂજા કરતી વખતે તેમના ઘરે દાઝી ગયા હતાં. તે દરમિયાનમાં તેઓ નીચે પડી ગયા હતા જેથી તેઓને માથામાં પણ ઈજા થઈ હતી. ગંભીર હાલતમાં તેઓને હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. અંદાજે 90 ટકા જેટલું તેઓનું શરીર દાઝી ગયું છે. ઘરમાં પડી જવાથી માથામાં પાછળના ભાગે વાગ્યું હોવાથી બ્રેઈન હેમરેજ પણ થઈ ગયું છે. અત્યારે તેઓને વેન્ટિલેટર ઉપર અને આઈસીયુમાં રાખવામાં આવેલા છે. અત્યારે કોઈપણ પ્રકારની સર્જરી કરવામાં આવી નથી. ગિરિજા વ્યાસના ભાઈ ગોપાલ શર્માએ કહ્યું – હું ફાર્મ હાઉસ ગયો હતો. આ દરમિયાન આગ લાગવાની માહિતી મળી હતી. જ્યારે હું ઘરે પહોંચ્યો ત્યારે મને ખબર પડી કે તેઓ માતા ગંગૌરની પૂજા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની પાલવમાં આગ લાગી ગઈ. નીચે દીવો હોવાને કારણે આ ઘટના ઘટી હતી. ઘરમાં કામ કરતી એક વ્યક્તિ તેમની સંભાળ રાખતી હતી. તેમને ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાંથી તેમને અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા. પુત્રવધૂ હિતાંશી શર્માએ જણાવ્યું કે ગંગૌરની પૂજા કર્યા પછી, બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. દરમિયાન, આ ઘટના બની હતી. આ પછી, હું, મારા પતિ અને ઘરનો નોકર તરીકે કામ કરતો બસંત, તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા. ગિરિજા વ્યાસ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી હતા
ડૉ. ગિરિજા વ્યાસ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેમણે કેન્દ્ર અને રાજ્યમાં મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં મંત્રી હોવા ઉપરાંત, તેઓ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. તેઓ બે વાર રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ 1985થી 1990 સુધી ધારાસભ્ય હતા અને રાજસ્થાન સરકારમાં પ્રવાસન રાજ્યમંત્રી હતા. ગિરિજા વ્યાસ 1991માં પહેલી વાર સાંસદ બન્યા હતા. તેઓ ઉદયપુરથી ત્રણ વાર સાંસદ રહ્યા હતા. તેમણે 1996 અને 1999માં કોંગ્રેસની ટિકિટ પર ઉદયપુરથી સાંસદની ચૂંટણી જીત્યા હતા. 2009માં ચિત્તોડગઢથી લોકસભાની ચૂંટણી જીતી હતી.