ગુજરાતી ડાયરા કલાકાર કીર્તિદાન ગઢવી અને બોલિવૂડ સિંગર સોનુ નિગમ વચ્ચે ખૂબ સારી મિત્રતા છે. થોડા દિવસો પહેલા જ બંને અમદાવાદમાં એકસાથે મંચ પર જોવા મળ્યા હતા. સોનુ નિગમની પ્રાઇવેટ ઇવેન્ટમાં કીર્તિદાન ગઢવી પણ પહોંચ્યા હતા. આ દરમિયાન સોનુએ ડાયરા કલાકારને નાના ભાઇ કહી સંબોધ્યા એટલું જ નહીં ખૂબ વખાણ પણ કર્યા હતા. આ જોડી ફરી એકવાર સાથે જોવા મળી છે. આ વખતે કોઈ ઇવેન્ટમાં નહીં પણ સોનુ નિગમ કીર્તિદાન ગઢવીના મહેમાન બનીને તેમના ઘરે પહોંચ્યા હતા. કીર્તિદાનના ઘરે પધાર્યા મોંઘેરા મહેમાન!
સોનુ નિગમ અને કીર્તિદાને ઇન્સ્ટાગ્રામ પર કોલોબ્રેશનમાં વીડિયો શેર કર્યો હતો. જેમાં કીર્તિદાન હરખ સાથે મહેમાન(સોનુ નિગમ)ના વધામણા માટે જાય છે. પછી ડાયરા કલાકાર તેની ટીમ સાથે બોલિવૂડ સિંગરને ઉપર લઈ જાય છે. અહીં વીડિયોમાં જોવા મળે છે કે ઘરની બહારથી લિફ્ટની એન્ટ્રી સુધી સ્વાગત માટે ગુલાબની ચાદર પાથરેલી હોય છે. ઉપરાંત જેવો તે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે કીર્તિદાનનાં પત્ની આરતી અને ફૂલહાર સાથે સિંગરનું સ્વાગત કરે છે. વીડિયામાં સિંગરની સાદગી પણ જોવા મળે છે. તે ડાયરા કલાકારના પરિવાર સાથે બેસીને વાતો કરે છે. એટલું નહીં કીર્તિદાનનો નાનો પુત્ર રાગ ‘વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ’ શ્લોક પણ સંભળાવે છે. જેવો રાગ શ્લોક પૂર્ણ કરે છે કે સિંગર તરત જ તેને વળગી પડે છે. કીર્તિદાનના પરિવાર સાથે સોનુ નિગમ ગુજરાતી જમવાનો સ્વાદ પણ માણે છે. આ સમયે રાગ અને બોલિવૂડ સિંગરની મસ્તી પણ જોવા મળે છે. કીર્તિદાન ગઢવી સોનુ નિગમને પોતાનું ઘર પણ બતાવે છે. એવામાં સિંગરની નજર ઘરમાં પડેલ પિયાનો (મેજ જેવા આકારનું સંગીત વાદ્ય) પર પડે છે અને સિંગર તરત જ તે વગાડવા લાગે છે. વીડિયોના અંતે ડાયરા કલાકાર સાલ ઓઢાડીને સન્માન કરે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. બંને કલાકારોની પહેલી મુલાકાત ક્યારે થઈ?
સોનુ નિગમે શેર કરેલી પોસ્ટમાં તેણે કીર્તિદાન ગઢવી સાથે થયેલી પહેલી મુલાકાતને પણ યાદ કરી હતી. સિંગરે લખ્યું કે- ‘ઓસ્ટ્રેલિયાના સિડની ઓપેરા હાઉસ કોન્સર્ટ બાદ મારા રૂમમાં તેમની (કીર્તિદાન) સાથે પહેલી વાર મુલાકાત થઈ. આ દરમિયાન તેમના પ્રેમ અને સ્નેહે મને ભાવવિભોર કરી દીધો હતો.’