back to top
Homeગુજરાતકેગનો રિપોર્ટ:કચ્છમાં બોર્ડર ડેવલપમેન્ટ ફંડના રૂપિયા ઇવેન્ટ માટે વાપરી નાખવામાં આવ્યા

કેગનો રિપોર્ટ:કચ્છમાં બોર્ડર ડેવલપમેન્ટ ફંડના રૂપિયા ઇવેન્ટ માટે વાપરી નાખવામાં આવ્યા

વિધાનસભામાં સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ (બીએડીપી)ના અમલીકરણની કામગીરી પર કેગના ઓડિટ અહેવાલમાં ચોંકાવનારાં તથ્યો બહાર આવ્યાં છે. ઉત્સવો અને ઇવેન્ટ મેનેજમેન્ટ માટે વારંવાર વિવાદમાં અાવતી ગુજરાત સરકાર ફરી આ મામલે બીએડીપીની ગ્રાન્ટના મુદ્દે વિવાદમાં આવી છે. જેમાં સરહદી વિસ્તારનાં ગામોમાં વિકાસકામો માટેની અા ગ્રાન્ટને ગુજરાત સરકારે 2020માં ધોરડો ખાતે અેક પ્રદર્શનના અાયોજનના વિવિધ ચુકવણાં માટે કર્યો હતો. કેગના અહેવાલ પ્રમાણે બીએડીપી માર્ગદર્શિકા 2015 અને 2020 કાર્યક્રમ હેઠળ સ્વીકાર્ય અને અસ્વીકાર્ય કાર્યોની યાદી પ્રદાન કરે છે. ઓડિટે મે 2022માં અવલોકન કર્યું હતું કે નવેમ્બર 2020માં ધોરડો, કચ્છ ખાતે એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનના આયોજનમાં વિવિધ ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીઓ, રિસોર્ટ્સ અને લાઇન વિભાગો સામેલ થયાં હતાં. ખર્ચની મુખ્ય ચીજવસ્તુઓમાં મંડપ-શમિયાણા અને તેની સાથે સંકળાયેલી સુવિધાઓ, લાઇટિંગ, ડી.જી. સેટ, સાઉન્ડ સિસ્ટમ, બસો અને વાહનો ભાડે લેવા, મહેમાનોનું બોર્ડિંગ અને લોજિંગ વગેરેનો સમાવેશ થાય છે. જાન્યુઆરી 2021માં રાજ્યના ગૃહ વિભાગે ભારત સરકારને પ્રદર્શનમાં ખર્ચવામાં આવેલા ભંડોળને પૂરું પાડવા વિનંતી કરી હતી, જેને ફેબ્રુઆરી 2021 બીએડીપી હેઠળ નાગરિક ક્રિયા કાર્યક્રમોની મંજૂરી નથી એમ કહીને નકારી કાઢવામાં આવી હતી. વધુમાં, ભારત સરકારે સૂચવ્યું હતું કે આ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવામાં આવે. જોકે, વિભાગે 2020-21 અને 2022-23 દરમ્યાન વિવિધ એજન્સીઓ / વિભાગોને અનુક્રમે રૂ. 3.07 કરોડ અને રૂ. 3.20 કરોડની કુલ રૂ. 6.27 કરોડ ચુકવણી કરી હતી જે બીએડીપી રાજ્યના હિસ્સામાંથી કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ભૂલ પકડાયા છતાં પણ જવાબ ન આપ્યો
કેગના અહેવાલમાં નોંધ પ્રમાણે જુલાઈ 2023ના એક્ઝિટ કોન્ફરન્સ દરમ્યાન, ઉપસચિવે (કાયદો અને વ્યવસ્થા-|) જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આ કાર્ય માટે અલગ ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. જોકે ખર્ચના હિસાબ માટે બીએડીપી સદરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેગે કહ્યું કે વિભાગનો પ્રત્યુત્તર સાચો નથી કારણ કે તેની સામે ખર્ચ કરવા માટે બીએડીપીના સદર હેઠળ રાજ્ય દ્વારા કોઈ વધારાનું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું ન હતું. આ અંગે રાજ્ય સરકાર દ્વારા જવાબ પણ અપાયો નહોતો. નવેમ્બરમાં શાહ અને રૂપાણીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો
કેગ દ્વારા નવેમ્બર 2020માં ધોરડો ખાતે કાર્યક્રમનો ઉલ્લેખ કરાયો છે અને તેમાં ગૃહ વિભાગનો પણ ઉલ્લેખ છે. પણ તેમાં તારીખ કે કોઇ ચોક્કસ કાર્યક્રમનો ઉલ્લેખ નથી. પણ ભાસ્કર દ્વારા તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, 12-11-2020ના ધોરડો ખાતે સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ નામનો એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય ગ્રામીણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર સહિતના ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments