ભાવનગર એલસીબી પોલીસે શહેરના ખેડૂતવાસ વિસ્તારમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ત્રણ આરોપીઓ હજુ ફરાર છે. પોલીસને મળેલી બાતમીના આધારે હનુમાનદાદાના મંદિર પાસેના ડાભીના વાડામાં રેઇડ કરવામાં આવી હતી. જ્યાં એક ગ્રે કલરની મારુતિ બલેનો કાર (GJ-04-DA 1285)માંથી વ્હાઇટ લેસ વોડકાની 576 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત રૂ. 50,688 છે. પોલીસે હર્ષદ ઉર્ફે જર્મન ગુજરીયા (22) અને કુણાલ ડાભી (22)ની ધરપકડ કરી છે. બંને આરોપીઓ ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારના રહેવાસી છે. વિક્રમ મકવાણા, પ્રતિક પટેલ અને ગોપાલ બારૈયા નામના ત્રણ આરોપીઓની ધરપકડ બાકી છે. પોલીસે કુલ રૂ. 3,60,688નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂની બોટલો ઉપરાંત રૂ. 3 લાખની કાર અને રૂ. 10,000નો મોબાઇલ ફોન સામેલ છે. આરોપીઓ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.