સાબરમતી ગુરુકુલમના 22 વર્ષીય વિશ્વ વોરાએ ગત વર્ષે રામ મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા વખતે મુહૂર્ત કાઢ્યું હતું. આ યુવકે અમેરિકાની ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી ઈવાન્કા ટ્રમ્પ સાથે ચૂંટણી અંગે જ્યોતિષી મુજબ આગાહી કરી હતી કે અમેરિકામાં ફરી ટ્રમ્પની સરકાર બનશે. ચૂંટણીના પરિણામો પણ તે મુજબ આવતા હવે ટ્રમ્પ પરિવારે આ યુવકને અમેરિકામાં 4 દિવસ માટે પ્રેસિડેન્શિયલ આમંત્રણ આપીને બોલાવ્યો છે. આ અંગે વિશ્વ વોરાએ જણાવ્યું કે, તેઓ ટ્રમ્પ પરિવારને મળવા ઉત્સુક છે.આ મુલાકાત દરમિયાન તે કુંડળીના આધારે આગામી સમયમાં ટ્રમ્પ સરકારની કામગીરી અને ભારત અને અમેરિકાના સંબંધો અંગેનું ફળકથન જણાવીશ. શું છે કાર્યક્રમ? ટ્રમ્પ પરિવાર દ્વારા 4 દિવસનું આમંત્રણ મળ્યા બાદ વિઝા સહિતના અન્ય કામ પૂર્ણ થઈ ગયા છે. આ અમેરિકાની વિઝિટમાં ભારતીય એમ્બેસીના સભ્ય પણ સામેલ હશે. અમેરિકન કોન્સ્યુલેટ યુવકને રિસિવ કરવા આવશે.આગામી દિવસોમાં અમેરિકાનો ચાર દિવસનો પ્રવાસ નક્કી થયેલો છે. જેમાં વ્હાઈટ હાઉસ વિઝિટ, પેન્ટાગોન વિઝિટ, લાઈબ્રેરી વિઝિટ, ન્યૂજર્સી અને હ્યુસટનમાં પ્રવાસ થશે. સાબરમતી ગુરુકુલમથી આગળ આવ્યો : વિશ્વ વોરા
મૂળ થરાદના વિશ્વ વોરા હાલ અમદાવાદમાં રહે છે. તેમણે સાબરમતી ગુરુકુલમથી જ્યોતિષ અષ્ટાંગ વિદ્યાનો ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે. આ દરમિયાન તેમને રાષ્ટ્રપતિ પ્રવણ મુખર્જીના હસ્તે બાલશ્રી એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપરાંત ગયા વર્ષે અયોધ્યામાં 500થી વધુ વર્ષની આતુરતા બાદ રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું 84 સેકન્ડનું સૂક્ષ્મ અભિજિત મુહૂર્ત આપ્યું હતું. આ સિવાય વર્ષ 2024ની ચૂંટણી બાદ સરકારની શપથ વિધિનું મુહૂર્ત પણ વિશ્વ વોરાએ જ આપ્યું હતું. હમણાં થોડાક મહિના પહેલાં જ વિશ્વના સૌથી મોટા બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની વાસ્તુ શુદ્ધીનું કાર્ય પણ વિશ્વ વોરાએ કર્યું છે. કેવી રીતે ટ્રમ્પ પરિવાર સાથે સંપર્ક થયો?
વિશ્વ વોરાના જણાવ્યા અનુસાર USAમાં પ્રેસિડેન્શિયલ ચૂંટણી યોજાઈ એ પહેલાં ભારતના જાણીતા ઉદ્યોગપતિને મળવાનું થયું, તેમને મને ડોનાલ્ડ ટ્રમ્પની કુંડળી અભ્યાસ કરવા આપી હતી. ત્યારબાદ તેનો ફળાદેશ તેમની દીકરી ઈવાન્કા ટ્રમ્પને પર્સનલ શેર કર્યો હતો. તે વખતે ફળાદેશમાં જણાવ્યા મુજબ ટ્રમ્પ ફરી સત્તામાં આવશે જ તેમ જણાવ્યું હતું. ગણેશજીની મૂર્તિ અને ગ્રંથ ભેટ આપશે
અમેરિકાના પ્રેસિડેન્શિયલ પ્રવાસમાં દરમિયાન ટ્રમ્પ પરિવારને મુલાકાત દરમિયાન યાદગીરી રૂપે ભેટ આપવા ઘણું મનોમંથન કર્યા પછી બે ભેટ નક્કી કરી છે. આ ભેટનો તાત્પર્ય એક જ છે કે, આ બંને વસ્તુ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિનો અર્પે એવો ભાવાર્થ રજૂ કરે છે. જે માટે ગણેશજીની હેરિટેજ મૂર્તિ પસંદ કરી છે, આ મૂર્તિનો દેખાવ અને ગુણાત્મકતા ખૂબ જ ભવ્ય છે જેને જોધપુરથી મંગાવી છે. બીજી ભેટમાં અભિધાન રાજેન્દ્ર કોષ ગ્રંથ. આ ઘણાં વર્ષોની મહેનતથી બનાવવામાં આવ્યો છે અને તેમાં દરેક ભારતીય સંસ્કૃતિનું આવરણ છે.