અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મોડી રાતે જોર જોરથી અવાજ આવી રહ્યો હતો અને કોઈ કારચાલક ઝઘડો કરી રહ્યો હોવાનું જાણ થતા આસપાસના લોકો ત્યાં જોવા ગયા હતા. તે દરમિયાન એક કારચાલકે ફૂલ સ્પીડે કાર હંકારી હાજર લોકોને ઉડાવ્યા હતા. આ અકસ્માતમાં ચારથી પાંચ લોકોને ઇજા થઇ છે. હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ફૂલ સ્પીડે જતી કારે લોકોને અડફેટે લીધા
અમદાવાદના થલતેજ ઓવર બ્રિજ પર થોડા સમય પહેલા થયેલા અકસ્માત જોવા ગયેલા લોકોને એક વાહને અડફેટ લીધા તેમના મોત થયા હતા. ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ એક એવો બનાવ બન્યો છે જેમાં બાપુનગર વિસ્તારમાં એક જગ્યાએ જોર જોરથી અવાજ આવતો હતો. કંઈ બન્યું હોય તેવું જોવા માટે ગયેલા લોકો પર કારચાલકે ફૂલ સ્પીડે કાર ચલાવીને તેમને અડફેટે લીધા હતા આ અકસ્માતમાં ત્રણથી ચાર લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને મોડી રાતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસે CCTV આધારે તપાસ હાથ ધરી
આ બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં પૂર ઝડપે જતી કાર અકસ્માત કરી રહી હોવાનું દેખાઈ રહી છે. આ અંગે બાપુનગર પોલીસનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, મોડી રાતનો અકસ્માતનો બનાવ છે જે અંગે ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગે ટ્રાફિક વિભાગ ડીસીપી, સફિન હસને દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, આ અંગે ભોગ બનનારનો સંપર્ક કર્યો છે જે એ ફરિયાદ આપશે તો કાર્યવાહી કરવામાં આવશે .