સુરત સ્થિત શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ સભા ટ્રસ્ટના શતાબ્દી વર્ષની ઉજવણી અંતર્ગત એક ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ટ્રસ્ટ સંચાલિત વિવિધ વિભાગોના 700થી વધુ કર્મચારીઓએ ભાગ લીધો. કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી ડૉ. કનુભાઈ માવાણી અને જીવરાજભાઈ સુરાણી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી અને કિરણ હોસ્પિટલના ચેરમેન મથુરભાઈ સવાણીએ પ્રેરક ઉદ્બોધન આપ્યું. શતાબ્દી વર્ષ દરમિયાન 200થી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. સ્ટાફ રમતોત્સવમાં વિજેતા ખેલાડીઓ અને વિશેષ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. કવિ સંમેલનનું પણ આયોજન કરાયું, જેમાં મુખ્ય કવિ મનસુખભાઈ નારીયાના સંચાલન હેઠળ કવિઓએ કવિતા, હાસ્ય, મુક્તક અને ગઝલ દ્વારા શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા. શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આ સંસ્થા છેલ્લા 100 વર્ષથી શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સેવા આપી રહી છે. સંસ્થાના 14 વિભાગોમાં હાલમાં 12,000થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે.