દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ માટે મહિલાઓના નામ ચર્ચામાં
ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ગુજરાત પ્રદેશ પ્રમુખ સહિત અમદાવાદ શહેર અને અન્ય જગ્યાના પ્રમુખોની હજી સુધી જાહેરાત કરવામાં આવી રહી નથી. ત્યારે ભાજપના કાર્યકર્તાઓમાં અમદાવાદ શહેર પ્રમુખ અને પ્રદેશ પ્રમુખ માટે રોજબરોજ નવા નામોની ચર્ચાઓ ચાલી રહી છે. અમદાવાદ શહેર પ્રમુખ માટે હવે મહિલાના નામોની ચર્ચા જાગી છે. જેમાં કોઈ બ્રાહ્મણ અથવા તો ઓબીસી મહિલાને પ્રમુખ તરીકે મૂકવામાં આવી શકે છે. જેમાં ચાલુ મહિલા મોરચાના પ્રમુખ, પૂર્વ મહિલા મેયર, પૂર્વ પ્રદેશના હોદ્દેદારોથી લઈને મહિલા કોર્પોરેટર પણ ચર્ચામાં છે. પ્રદેશ પ્રમુખ તરીકે પણ અલગ અલગ નામોની ચર્ચા જાગી રહી છે. જોકે બધા નામોની હાલ ચર્ચા જાગી છે પરંતુ ભાજપના કાર્યકર્તાઓ પણ હવે જ્યાં સુધી જાહેરાત ના થાય ત્યાં સુધી દર અઠવાડિયે નવા નામો બહાર લાવી પ્રમુખોના નામની ચર્ચા કરી રહ્યા છે. શું પોલીસની નબળી કામગીરી સામે ભાજપના નેતાઓ ચૂપ રહે છે?
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થતા કડક કાર્યવાહીના આદેશ અને સૂચના છતાં પણ બાપુનગર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં ભાજપના કાર્યકર્તાની કોંગ્રેસના યુવા હોદ્દેદાર દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની હતી. ભાજપના જ કાર્યકર્તાની હત્યા થઈ ગઈ હોવા છતાં પણ એક પણ ભાજપના નેતા દ્વારા કોંગ્રેસના યુવા હોદ્દેદાર દ્વારા હત્યા કરવામાં આવી હોવાને લઈને કડક કાર્યવાહી માટે અથવા આ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવા અંગે ચુપકીદી સેવી દીધી છે. ભાજપના કાર્યકરોમાં નેતાઓ સામે ભારે રોષની લાગણી ફેલાઈ છે અને ચર્ચા જાગી છે કે જો ભાજપના કાર્યકરની કોંગ્રેસના યુવા હોદ્દેદાર હત્યા કરી નાખે છે તો શા માટે નેતાઓ ચૂપ બેસી રહે છે. પોલીસની નબળી કામગીરી સામે કોઈ નેતા બોલી શકતા નથી. નેતાઓ પોતાના કાર્યકર્તા માટે બોલતા ન હોય તો સામાન્ય પ્રજા માટે કેવી રીતે બોલી શકશે. AMCમાં અધિકારીઓ 20 મિનિટ અંધારામાં બેસી રહ્યા!
રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકામાં મુખ્ય ઓફિસમાં જ ઓટોમેટીક જનરેટરની વ્યવસ્થા કરવામાં આવી નથી. દાણાપીઠ ખાતે આવેલી મુખ્ય ઓફિસમાં થોડા દિવસ પહેલા સાંજે 7:15 વાગ્યાની આસપાસ લાઈટ જતી રહી હતી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીથી લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને ભાજપના કેટલાક ચેરમેન પણ ઓફિસમાં હાજર હતા. લગભગ 20 મિનિટ સુધી મ્યુનિ. કમિશનર અને અધિકારીઓએ અંધારામાં બેસી રહેવું પડ્યું હતું. એક તરફ રૂ.14 હજાર કરોડથી વધુના બજેટની જાહેરાત કરવામાં આવે છે પરંતુ મુખ્ય ઓફિસમાં જ જનરેટર મૂકવામાં આવ્યું નથી. છેલ્લા કેટલાક સમયથી પણ મુખ્ય બિલ્ડિંગની કેટલીક જગ્યામાં લાઈટ વિભાગના યોગ્ય જોડાણ અને ક્યાંક ફોલ્ટ હોવાના કારણે લાઈટ જતી રહેવાની ઘટના બને છે. જેથી મુખ્ય ઓફિસ દાણાપીઠ ખાતે હવે નવા જનરેટર મૂકવા જોઈએ તેવી ચર્ચા અધિકારીઓને કર્મચારીઓમાં જાગી છે. IPLની કોમ્પલીમેન્ટરી ટિકિટની વહેચણીમાં ભેદભાવ રખાતો હોવાની ચર્ચા
IPL 2025ની સીઝનમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સની મેચો અલગ અલગ ટીમ સાથે સાથે યોજવામાં આવી રહી છે. બે મેચનું આયોજન થઈ ચૂક્યું છે. જેમાં ભાજપના કાર્યકર્તાઓને કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં આવી રહી છે. જોકે આ ટિકિટની વહેંચણીમાં ભેદભાવ કરવામાં આવતો હોવાની ચર્ચા ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં જાગી છે. પશ્ચિમ વિસ્તારના જ કેટલાક ચોક્કસ ભાજપના નેતાઓ અને હોદ્દેદારોને જ ટિકિટ આપવામાં આવી રહી છે અને તેઓના કાર્યકર્તાઓમાં જ આ ટિકિટની વહેંચણી થઈ રહી છે. પૂર્વ વિસ્તારના હોદ્દેદાર કે કાર્યકર્તાને ટિકિટ કીટ આપવામાં આવી નહીં રહી નથી. ભાજપ પક્ષમાં ક્યારેય ભેદભાવ હોતો નથી તેવી વાતો કરવામાં આવે છે પરંતુ મેચની કોમ્પ્લીમેન્ટરી ટિકિટ આપવામાં હોદેદારો અને કાર્યકર્તાઓમાં ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને તેઓમાં ખૂબ જ નારાજગી ફેલાઈ છે.