સાવલીની મહિલા 7 દિવસની પુત્રીને એસએસજી રુકમણી ચૈનાનીમાં છોડી જતી રહેવા માગતી હતી. આ વાત સિક્યુરિટી ઈન્ચાર્જને ધ્યાન આવતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કરી 2 મહિના બાળકીને માતાની પાસે રાખવા સમજાવી હતી. તે પછી મહિલા અને તેનો પરિવાર બાળકીને લઈને સાવલી રવાના થયા હતા. સાવલીમાં રહેતાં રેખા (નામ બદલ્યું છે)ના પતિનું 6 મહિના પહેલાં મૃત્યુ થયું હતું. તે પછી 2 માસના ગર્ભ સાથે મહિલા પોતાના 10 વર્ષના દીકરાને લઈ સાસરીમાંથ પિયર સાવલી રહેવા આવી ગઈ હતી. આ મહિલા 7 દિવસ પૂર્વે એસએસજીના રુકમણી ચૈનાની પ્રસૂતિગૃહમાં દાખલ થઈ હતી અને બાળકીને જન્મ આપ્યો હતો. જોકે 2 દિવસથી તે આસપાસના લોકોને પૂછ્યા કરતી હતી કે, તમારે મારી બાળકી જોઈએ છે. આ વાત હોસ્પિટલની મહિલા સિક્યુરિટીના ધ્યાને આવતાં તેણે ગાર્ડને તાકીદ કરી હતી કે, મહિલા અને તેનાં માતા-પિતા વોર્ડ ન છોડે તેનું ધ્યાન રાખવું. ઉપરાંત સિક્યુરિટી ઈન્ચાર્જ અંકુરભાઈને જાણ કરતાં તેઓ બાળકી, મહિલા અને તેનાં માતા-પિતાને એમએલઓ પાસે બોલાવ્યાં હતાં અને પોલીસને જાણ કરી હતી. જ્યાં મહિલાએ કહ્યું કે, મારે બાળકી નથી જોઈતી. કોઈ સંસ્થાને આપી દો. જો તે બાળકીને ઘરે લઈ જશે તો તેનો ભાઈ તેને મારી નાખશે. પોલીસે તેની સમજાવટ કરી હતી કે, બાળકીને માતાને જરૂર છે, તમારે 2 માસ રાખવી પડશે. તે બાદ કાયદાકીય કાર્યવાહી કરી બાળકી સંસ્થાને આપીશું. રાવપુરા પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલમાં પહોંચ્યો
રાવપુરા પોલીસ મથકમાં આ ઘટના વિષે જાણ કરવામાં આવતાં પોલીસ કર્મચારીઓ સયાજી હોસ્પિટલના ઈમર્જન્સી વિભાગમાં પહોંચ્યા હતા. તેઓ પણ બાળકી જોઈને લાગણીશીલ થઈ ગયા હતા. એએસઆઈ ભરતભાઈએ વાત કરતાં જણાવ્યું હતું કે, આવો કિસ્સો અમે પહેલીવાર જોયો કે, કોઈ માતા પોતાની બાળકીને સંસ્થાને આપી દેવા માગતી હોય. 7 દિવસની બાળકીને માતાની જરૂર હોવાની સમજ આપી
બાળકી ખૂબ જ નાની હોવાને કારણે તેની માતાનું કાઉન્સેલિંગ કર્યું હતું. ઉપરાંત કાયદાકીય પણ સમજ આપી હતી. મહિલા પોતાની બાળકીનું સારું ભવિષ્ય જોવા માગતી હોવાને કારણે તે સંસ્થાને સોંપવા માગતી હતી. જોકે હાલમાં તેને સમજાવીને બાળકી સાથે રવાના કરી છે. – એ.એ. વાઘેલા, સેકન્ડ પીઆઈ, રાવપુરા