સુરત જિલ્લા પોલીસની એલસીબી શાખાએ મોટી સફળતા મેળવી છે. પોલીસે માખીંગા ગામની સીમમાં નેશનલ હાઈવે-48 પર સાબર હોટલની સામે વાહન ચેકિંગ દરમિયાન એક કન્ટેનરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ટાટા કંપનીના કન્ટેનર (KA-25-AB-5536)ને રોકીને તપાસ કરવામાં આવી હતી. કન્ટેનરમાંથી કુલ 7,776 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹16.49 લાખ છે. પોલીસે કન્ટેનરના ચાલક રામજીવન સદરામ બિશ્નોઇ (ઉં.33, રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી છે. આ કેસમાં ત્રણ અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. જેમાં કર્ણાટકના હુબલીમાં રહેતો મનોજ બિશ્નોઈ, રાજસ્થાનના બાડમેરના અશોક બિશ્નોઈ અને એક અજાણ્યા વ્યક્તિનો સમાવેશ થાય છે. મનોજ બિશ્નોઈએ કન્ટેનરમાં દારૂ ભરાવ્યો હતો, જ્યારે અશોક બિશ્નોઈએ મનોજ સાથે સંપર્ક કરાવ્યો હતો. પોલીસે કુલ ₹26.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં વિદેશી દારૂ ઉપરાંત ₹10 લાખની કિંમતનું કન્ટેનર, ₹5,000નો મોબાઈલ અને ₹1,600 રોકડા સામેલ છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.