વર્ષ 2024માં રાજકોટના ભાયાવદર પોલીસ મથકે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધર્મસ્વરૂપદાસ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જેની સામે સ્વામીએ રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. એને નકારી દેવાતાં સ્વામીએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી, જોકે ગુજરાત હાઇકોર્ટે પણ સ્વામીની આગોતરા જામીન અરજી નકારી નાખી છે. સ્વામીએ એક ગેસ્ટ રૂમમાં લગ્ન કરી યુવતી સાથે સંબંધ બાંધ્યા
અરજદાર વતી રજૂઆત કરાઈ હતી કે ફરિયાદને સમર્થનકારી કોઈ પુરાવા પોલીસને હજી સુધી મળ્યા નથી. સ્વામીએ એક ગેસ્ટ રૂમમાં લગ્ન કરી યુવતી સાથે સંબંધ બાંધ્યા હોય તો તેઓ પતિ-પત્ની થયાં કહેવાય અને દુષ્કર્મ ગણી શકાય નહીં. ફરિયાદ ત્રણ વર્ષ મોડી કરવામાં આવી છે. ભોગ બનનારે સાધવી બનવું હતું અને તેનાં માતા-પિતા તેને ખીરસરા ગુરુકુળમાં મૂકી ગયાં હતાં. ભોગ બનનાર પુખ્ત વયની છે અને તે સારુંનરસું સમજી શકે છે. ત્યારે આ તેની સહમતીના સંબંધો હતા. સ્વામી ધર્મસ્વરૂપદાસ નાસતા ફરે છે
સરકારી વકીલે આરોપીને આગોતરા જામીન આપવા વિરુદ્ધ દલીલ કરી હતી કે સ્વામી યુવતીને ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને ઈશ્વર સમક્ષ કથિત લગ્ન કરી પોતે યુવતીનો પતિ છે અને તે તેની પત્ની છે એમ કરીને તેની સાથે શરીરસંબંધ બાંધ્યો હતો તેમ જ કોઈને તે વાત ન કરવા જણાવ્યું હતું. તેને યુવતીને પોતે સાધુ અને યુવતી સાધ્વી બનીને સાથે રહેશે એવી લાલચ આપી હતી, જોકે આ કોઈ કાયદેસરનાં લગ્ન નહોતાં. આ ઘટના સામે આવતાં સ્વામી નાસતા ફરે છે. યુવતીને સ્વામી સાથેના સંબંધોથી ગર્ભ રહી ગયો હતો
સ્વામી અને યુવતી વચ્ચે થયેલી વ્હોટ્સએપ ચેટના ફોટા કોર્ટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા. યુવતીના ફોનને FSLમાં પણ મોકલવામાં આવ્યા છે. યુવતીને સ્વામી સાથેના સંબંધોથી ગર્ભ રહી ગયો હતો. એને પણ સ્વામીએ પડાવી નાખ્યો હતો. સ્વામીએ યુવતીને ભોળવીને તેના શરીર પર પોતાનો અધિકાર છે, એવું ઠસાવી દીધું હતું. દીક્ષા આપવાનો અધિકાર માત્ર વડતાલ ધામને છે, એમ છતાં સ્વામીએ ગુરુકુળમાં દીક્ષા આપી હતી. સ્વામીની કસ્ટોડિયલ પૂછપરછ જરૂર છે
કોર્ટે નોંધ્યું હતું કે સ્વામીએ ફેસબુક પર યુવતીને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. યુવતી પર સ્વામિનારાયણ સંપ્રદાયની ફોલોઅર હોવાથી તે રિક્વેસ્ટ સ્વીકારી હતી. ત્યાર બાદ સ્વામીએ વ્હોટ્સએપ પર વાતો શરૂ કરી હતી અને યુવતીને ખીરસરા ગુરુકુળ ખાતે બોલાવી હતી. ત્યાં ગેસ્ટ હાઉસમાં તેની સાથે કથિત લગ્ન કરી તેનું શારીરિક શોષણ કર્યું હતું. બાદમાં બંને સાધુ સાધ્વી બનીને સાથે રહેશે એવું ઠરાવ્યું હતું. આ ઘટના પ્રકાશમાં આવતાં ગુરુકુળના ઘણા વિદ્યાર્થીઓએ ગુરુકુળ છોડી દીધું હતું. ત્યારે સ્વામીની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે. આ કેસમાં મહત્તમ આજીવન કારાવાસની સજા થઈ શકે છે. સ્વામી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી
ઘટના બન્યા બાદથી સ્વામી ભાગેડુ છે. આરોપી સ્વામીએ એફિડેવિટ પણ ન્યૂયોર્ક ખાતેથી ફાઈલ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ સ્વામી સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. જો સ્વામીને જામીન મળે તો તે પુરાવા અને સાહેદો સાથે ચેડાં કરી શકે છે. તપાસ મહત્ત્વના તબક્કે છે અને મટીરિયલ એકઠું કરાઈ રહ્યું છે. હાઇકોર્ટે સ્વામીને આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.