ઈદના પર્વે સુરત શહેરની ચોકબજાર પોલીસ એક મુસ્લિમ પરિવાર માટે આશીર્વાદરૂપ બની હતી. 28 માર્ચ, 2025ના રોજ 14 વર્ષીય સગીર ઘરેથી પરિજનોને કહ્યાં વગર જતો રહ્યો હતો. જે મોડે સુધી પરત ઘરે ન આવતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને ચોકબજાર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે જુદી-જુદી ટીમો બનાવી સગીરને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમાં 31 માર્ચને ઈદના દિવસે સગીર મળી આવતા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ સમયે ગુમ પુત્ર હેમખેમ મળી આવતા પાલક માતા પોલીસે સ્ટેશનમાં જ પુત્રને ભેંટીને રડી પડી પડતા લાગણીસભર ભાવુક દૃશ્યો સર્જાયા હતાં. પોલીસે સ્પેશિયલ ટીમો બનાવી કામે લગાવી
આજથી ચાર દિવસ પહેલા 14 વર્ષીય સગીર અચાનક ગુમ થઇ જતા પરિવારજનો ખૂબ ગભરાઈ ગયા હતા. સગીર ન મળતા પરિવારે સુરત પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આ સાથે પરિવારે બાળક શોધી આપનારને 50,000 રૂપિયાનું ઇનામ આપવાની પણ જાહેરાત કરી હતી. બાળક ગુમ થતા ચોકબજાર પોલીસ હરકતમાં આવી ગઈ હતી. સગીરને શોધવા પોલીસે એક ખાસ ટીમ બનાવી હતી, જે વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી રહી હતી. પોલીસ દ્વારા CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી, જેની મદદથી 4 દિવસ બાદ આ ગુમ થયેલ સગીર મળી આવ્યો હતો. કામરેજથી સગીર મળી આવ્યો
આ સગીર હેમખેમ કામરેજ નજીક મળ્યો હતો. પોલીસ ત્યાં પહોંચી ત્યારે જાણવા મળ્યું કે, સગીર પોતાની માતાને મળવા પગપાળા કામરેજ પહોંચ્યો હતો. ત્યાં તેની માતાએ તેને પોતાના જ ઘરે રાખી લીધો હતો. ભાવુક મિલન, માતા-પિતાની જુદી જુદી દુનિયા
સગીરના માતા-પિતા બંનેએ અન્ય-અન્ય વ્યક્તિઓ સાથે લગ્ન કરી લીધા હતા. સગીર તેના પિતા સાથે રહેતો હતો, પરંતુ પોતાની માતાની યાદ આવતા તે કામરેજ પહોંચી ગયો હતો. જ્યારે ચોકબજાર પોલીસ તેને પરત લાવી અને તેના પાલક માતા સાથે મિલન કરાવ્યું હતું, ત્યારે પોલીસ મથકમાં ભાવુક દૃશ્યો સર્જાયા હતા. માતા અને બાળક એકબીજાને ચહેરા પર હાથ ફેરવી રડવા લાગ્યા હતાં. આ સમયે ત્યાં હાજર પોલીસ અધિકારીઓની પણ આંખો ભીની થઇ ગઈ હતી. પરિવારે પોલીસનો આભાર માન્યો
આ ઘટના પછી સગીરના પરિવારજનો તથા સમુદાયે ચોકબજાર પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. તેઓએ કહ્યું કે, પોલીસે જે રીતે ગંભીરતાપૂર્વક આ કેસને હેન્ડલ કર્યો અને અમારા બાળકને પરત લાવ્યું, તે માટે અમે હંમેશા ઋણી રહીશું.