અંકલેશ્વર અને આસપાસના વિસ્તારોમાં આ વર્ષે કેરીના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, ઔદ્યોગિક પ્રદૂષણ અને અસહ્ય ગરમીના કારણે આંબા પરનો મોર બળી જવાથી ઉત્પાદનમાં 70 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. વર્ષની શરૂઆતમાં આંબાવાડીમાં મોટા પ્રમાણમાં મંજરી આવતાં ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું હતું, પરંતુ વાદળછાયું વાતાવરણ, કમોસમી વરસાદ અને તીવ્ર ગરમીએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. વૃક્ષો પરથી મોર ખરવાનું શરૂ થયું છે. ખેડૂતોએ જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો, પરંતુ વાતાવરણની સ્થિતિને કારણે તેની કોઈ અસર થઈ નથી. અંકલેશ્વરના જૂના દીવા, બોરભાઠા, નવી દીવી, જૂની દીવી, બોરભાઠા બેટ, ઉછાલી, બાકરોલ, કાંસીયા અને માંડવા સહિત 25થી વધુ ગામમાં લંગડો, કેસર, હાફૂસ, રાજાપુરી અને દશેરી જેવી કેરીની વિવિધ જાતોનું ઉત્પાદન થાય છે. શિયાળામાં ધુમ્મસ બાદ ‘ચોપવા’ નામના રોગે આંબાના મોરને નુકસાન પહોંચાડ્યું છે. હવામાનમાં થઈ રહેલા ફેરફારને કારણે મોર ખરવાની સાથે કેરીનું ગળતર પણ શરૂ થયું છે. ખેડૂતોનું માનવું છે કે, ઔદ્યોગિક પ્રદૂષણ પણ આ સમસ્યા માટે મોટા પ્રમાણમાં જવાબદાર છે.