89 વર્ષીય પીઢ એક્ટર ધર્મેન્દ્ર આ ઉંમરે પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. આજે એક્ટર મુંબઈની હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા. તેમની આંખે પાટો બાંધેલો જોતા ફેન્સ ખૂબ જ ચિંતિત થઈ ગયા હતા. પણ હોસ્પિટલની બહારથી સામે આવેલ વીડિયોએ ફેન્સની ચિંતાને ઓછી કરી દીધી છે. ધરમપાજીની હિંમત જોઈ આજના જુવાનિયાઓ પણ શરમાય જશે. આ વીડિયોમાં તેઓ કહેતા જોવા મળે છે કે, ‘મારામાં હજુ ઘણી તાકાત બચી છે, હજુ હું અડીખમ છું. વાઈરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ધર્મેન્દ્ર એક બિલ્ડીંગમાંથી બહાર આવી રહ્યા છે. આ દરમિયાન, તેમની આંખો પર બાંધેલી પટ્ટીએ બધાનું ધ્યાન ખેંચ્યું. આ દરમિયાન પાપારાઝીએ તેમને પૂછ્યું કે તે કેમ છે? તેમણે તરત જ હસીને કહ્યું કે- હજુ પણ ઘણી તાકાત બાકી છે. મારી આંખોની સારવાર કરાવીને હું પાછો આવ્યો છું. ફેન્સને પ્રેમ કરું છું. એક્ટરની આંખમા શું થયું તે અંગે વધુ અપડેટ આપવામાં આવી નથી. ફેન્સે ‘હી-મેન’ને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી
વીડિયોના કોમેન્ટ સેક્શનમાં ફેન્સ એક્ટરના ખબર અંતર પૂછી રહ્યા છે. સાથે જ ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. એક ફેન્સે લખ્યું, તમે જલ્દીથી સંપૂર્ણપણે ફિટ થઈ જશો ધર્મેન્દ્ર સર. બીજા એક યુઝરે લખ્યું, આ ઉંમરે પણ તે કેટલા એક્ટિવ અને ખુશખુશાલ છે. અન્ય એક યુઝરે લખ્યું કે ધર્મેન્દ્ર સરનો કોઈ જવાબ નથી. તે ખરા ‘હી-મેન’ છે. લોકો એક્ટરની હિંમત અને સ્વભાવની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે. ધર્મેન્દ્ર છેલ્લે શાહિદ કપૂર અને ક્રિતી સેનન સ્ટારર ‘તેરી બાતો મેં ઐસા ઉલ્ઝા જિયા’માં જોવા મળ્યા હતા. આ ઉપરાંત, 2023માં તે કરણ જોહરની કોમેડી-રોમેન્ટિક ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળ્યા હતા.