સુરત ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવીએ રાજીનામું આપી દીધું છે, જે ઉદ્યોગમાં ચર્ચાનો વિષય બન્યો હતો. કયા કારણસર રાજીનામું આપ્યું છે તે અકબંધ છે. જો કે, બુર્સના આગેવાનો ના મતે તેમને વધુ સારી તક મળી હોવાથી રાજીનામું આપ્યું છે. જો કે, ડાયમંડ બુર્સ શરૂઆતથી જ ડચકાં મારી રહ્યું છે. કોઇ પણ કંપનીમાં ગ્રોથ પાછળ તેના સીઇઓની જવાબદારી મહત્વની હોઇ છે, પરંતુ ડાયમંડ બુર્સમાં પાયો નંખાવાથી ડેવલપમેન્ટ અને ઓપનિંગ થવાથી લઇને અત્યાર સુધી સીઇઓ તરીકે પદ સંભાળનારા મહેશ ગઠવીએ આખરે સુરત ડાયમંડ બુર્સ છોડી દીધું છે. હાલમાં એક કર્મચારીને સીઈઓનો ચાર્જ આપવામાં આવ્યો છે, પરંતુ કાયમી સીઇઓની જગ્યા ડાયમંડ બુર્સમાં ખાલી છે. સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થાય તે માટે કમિટી મહેનત કરી રહી છે અને તેની પાછળ સીઇઓ દ્વારા પણ મહેનત કરવામાં આવી હતી. છતાં આજદિન સુધી કોઇ નક્કર પરિણામ મળ્યું નથી અને સારું પરિણામ આગળના નજીકના ભવિષ્યમાં મળે તેવી કોઈ શક્યતા પણ હાલમાં દેખાઈ રહી નથી. કાયમી સીઇઓની નિમણુંક કરવા માટે કમિટી નિર્ણય લેશે
મહેશ ગઢવીએ અમારી સમક્ષ પદ પરથી મુક્ત કરવાની માગણી કરી રાજીનામું આપ્યું હતું જેને કમિટી દ્વારા મંજૂર કરી દેવામાં આવ્યું છે અને તેમને જવાબદારીમાથી મુક્ત કરવામાં આવ્યા છે. હાલમાં એક કર્મચારીની ઇન્ચાર્જ સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે, પરંતુ કાયમી સીઇઓની નિમણુંક કરવા માટે આગામી સમયમાં કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવશે. > લાલજી પટેલ, વાઇસ ચેરમેન, સુરત ડાયમંડ બુર્સ ઓફિસ શરૂ થઈ ન હોવાથી મેન્ટેનન્સ પણ સમયસર આવતું નથી
સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો હતો કે સુરત ડાયમંડ બુર્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર શરૂ કરવામાં આવેલી બેંકોની શાખા, અમુલ ડેરી અને સુમુલ ડેરીના રેસ્ટોરન્ટ-પાર્લર બંધ થઈ ગયા છે અને મેન્ટેનન્સ ખર્ચ પણ વધી ગયો છે. બીજી તરફ મેમ્બરો દ્વારા ઓફિસ શરૂ કરવામાં આવી ન હોવાથી મેમ્બરો મેન્ટેનન્સ પણ સમય પર ચૂકવી રહ્યા નથી.