આધારને અપાર બનાવવા માટે બાળકના નામ સાથે પિતાનુ નામ જરૂરી હોવાથી નવા જન્મના દાખલા કઢાવવા માટે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આવેલી જન્મ-મરણ શાખામાં વાલીઓને ભારે આપદા પડી રહી છે. અપુરતા સ્ટાફના કારણે વાલીઓને કલાકો સુધી સમય વેડફાઇ રહ્યો હોવાથી વાલીઓએ વધુ સ્ટાફની વ્યવસ્થા કરવા માગ કરી છે. જોકે, જન્મ-મરણ શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે, વધુ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવી છે, આથી હવે ઝડપથી દાખલા નીકળશે. વાલીઓને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો
શહેરના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આવેલી જન્મ-મરણની કચેરી આવેલી છે. છેલ્લા ચાર માસથી “આધાર ને અપાર” બનાવવા માટે નવા જન્મના દાખલાની જરૂર હોવાથી વાલીઓ દ્વારા નવા જન્મના દાખલા કઢાવવા માટે ધસારો કરી રહ્યા છે. પરંતુ, અપુરતા સ્ટાફના કારણે વાલીઓને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાનો વખત આવ્યો છે. બે ધક્કા ખાઇ ચૂક્યો છુંઃ કિશોરભાઈ
આ અંગે વાલી કિશોરભાઈએ જણાવ્યું હતું કે, દીકરીના જન્મનો દાખલો કઢાવવા આવ્યો છું. બે ધક્કા ખાઇ ચૂક્યો છું. કોર્પોરેશન દ્વારા કાઉન્ટર વધારવામાં આવે તો ઝડપી કામગીરી થઇ શકે તેમ છે. તો અન્ય વાલી હરીશભાઇએ જણાવ્યું હતું કે, બાળકના નામ સાથે પિતાનુ નામ હોય તોજ આધાર કાર્ડમાં સુધારો થાય છે. અથવા નવું કાર્ડ નીકળતું હોવાથી નવો જન્મનો દાખલો કઢાવવા માટે આવ્યો છું. એકજ કાઉન્ટર પર કામ થતું હોવાથી લાઇનો લાગી રહી છે. પ્રતિદિન 300 દાખલા કાઢવામાં આવી રહ્યા છેઃ અધિકારી
આ અંગે જન્મ-મરણ શાખાના અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં આધાર સાથે અપાર લીંક કરવા માટે બાળક સાથે પિતાના નામના જન્મના દાખલાની જરૂરીયાત ઉભી થતાં ધસારો વધી ગયો છે. આ કામગીરી સાથે રેગ્યુલર મરણ દાખલા, લગ્ન નોંધણી સહિતની કામગીરી પણ ચાલી રહી છે. આમ છતાં નવા સુધારા સાથેના જન્મના દાખલા પ્રતિદિન 300 કાઢવામાં આવી રહ્યા છે. ‘સ્ટાફ મળતા કામગીરી ઝડપી થશે’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2015 પહેલાંના જન્મના દાખલામા સુધારો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં કરવામાં આવી રહ્યો છે. જ્યારે વર્ષ 2021થી 2025 સુધીના જન્મ દાખલામાં સુધારો જે તે અર્બન હેલ્થ સેન્ટરોમાં કરી આપવાની સુવિધા ઉભી કરવામાં આવી છે. આમ છતાં માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં આવેલી જન્મ-મરણની ઓફિસમાં વધુ 10 કર્મચારીનો સ્ટાફ વધારી આપવા સક્ષમ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. આ એપ્રિલ માસમાં વહેલીતકે સ્ટાફ મળતા કામગીરી ઝડપી થશે. દૂર ગામડેથી આવતા લોકોને ધરમધક્કા
ઉલ્લેખનીય છે કે, શહેરની મધ્યમાં સરદાર માર્કેટ ખાતે કેવડાબાગ નજીક જૂની જન્મ-મરણ શાખાની ઓફિસ હતી. જર્જરીત આ ઓફિસ થવાથી માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ખસેડાયેલી જન્મ મરણ શાખાની ઓફિસને સેન્ટ્રલાઇઝ કરી દેવામાં આવી છે. પરિણામે દૂર-દૂર ગામડેથી લોકોને અહીં આવવું પડે છે. તેમ છતાં પણ કામગીરી નિયત સમયમાં નહીં થતા ધરમધક્કા ખાઈને પરત જવું પડે છે.