back to top
Homeમનોરંજનટિકટોક સ્ટારનો રેપ કરી પાંચમા માળેથી ફેંકી દીધી:ફૈરુઝ આઝાદ બચી ગઈ તો...

ટિકટોક સ્ટારનો રેપ કરી પાંચમા માળેથી ફેંકી દીધી:ફૈરુઝ આઝાદ બચી ગઈ તો પિતા અને ભાઈએ ઊંઘમાં ગોળી ધરબી દીધી; કટ્ટરપંથી પેરેન્ટ્સને પુત્રીની જીવનશૈલી પસંદ ન હતી

ઇરાકનું એક શહેર છે કુર્દીસ્તાન. ભલે આ શહેર તેની સુંદર ઇમારતો અને સમૃદ્ધ સંસ્કૃતિ માટે જાણીતું હોય, પરંતુ આ શહેરમાં મહિલાઓની સ્થિતિ બદથી યે બદતર છે. વર્ષ 2023માં, આ શહેરમાં 30 મહિલાઓનું ઓનર કિલિંગ કરવામાં આવ્યું હતું. 2022માં આ આંકડો 23 હતો અને 2017-19 વચ્ચે 200 મહિલાઓને ઇજ્જતના નામે ક્રૂરતાથી મોતને ઘાટ ઊતારવામાં આવી હતી. આમાંથી કોઈ મહિલાનો વાંક બસ એટલો જ હતો કે તેણે બળજબરીથી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો, તો કોઈ યુવતી ભણવા માગતી હતી. તો કેટલીક યુવતીઓએ કંઈક પ્રાપ્ત કરવાનું સ્વપ્ન જોયું હતું, જ્યારે કેટલીક મહિલાને તો ફક્ત એટલા માટે મારી નાખવામાં આવી હતી કે તેઓ કટ્ટરપંથીઓએ બનાવેલા નિયમોના ચોકઠામાં બંધબેસતી ન હતી. અમે તમને આ આંકડા એટલા માટે જણાવી રહ્યા છીએ કારણ કે આજે અમે જે વાર્તા કહી રહ્યા છીએ તે પણ એક ઇરાકી ઇન્ફ્લુએન્સરની છે, જેની હત્યા ફક્ત એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે પ્રખ્યાત હતી. તેના હત્યારાઓ અજાણ્યા નહોતા પણ તેના પોતાના પિતા, ભાઈ અને સંબંધીઓ જ હતા. જ્યારે તે ઊંઘી રહી હતી ત્યારે જ તેને ગોળીઓ મારીને શરીર ચાળણી કરી દેવામાં આવ્યું અને મોતની ચાદરમાં હંમેશ માટે સુવડાવી દેવામાં આવી. આ વાર્તા છે ટિકટોક સ્ટાર ફૈરુઝ આઝાદની. ફૈરુઝ તેના પરિવાર દ્વારા મોતને ભેટતાં પહેલાં પણ મોતનો સામનો કરી ચૂકી હતી. થોડા મહિના પહેલા તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેને પાંચમા માળેથી ફેંકી દેવામાં આવી હતી. કોઈક રીતે તે બચી ગઈ, પણ તે આ પીડા ભૂલી શકે તે પહેલાં જ તેની હત્યા કરી નાખવામાં આવી. આજે, વણકહી વાર્તાના 3 ચેપ્ટરમાં વાંચો એન્ફ્લુએન્સર ફૈરુઝ આઝાદની હત્યાની કંપાવનારી વાત- ફૈરુઝ આઝાદનો જન્મ 2003 માં ઇરાકના કુર્દિસ્તાન પ્રદેશના ઇરબિલ થયો હતો. તેને એક મોટો ભાઈ પણ હતો. ફૈરુઝ કિશોરાવસ્થામાં હતી ત્યારે તેના માતાપિતાના છૂટાછેડા થયા હતા. મોટો ભાઈ તેના પિતા સાથે જતો રહ્યો અને ફૈરુઝ તેની માતા નાજા ફરહાદ સાથે રહેવા લાગી. જ્યારે તે મોટી થઈ, ત્યારે તેની માતાએ ઇરબિલના શાહીન નહરો સાથે લગ્ન કરી લીધા.આ લગ્નથી તેને એક પુત્ર પણ થયો. પ્રારંભિક શિક્ષણ પછી, ફૈરુઝને નાનપણથી જ ફોટોગ્રાફ્સ લેવાનો અને વીડિયો બનાવવાનો શોખ હતો. તે ઘણીવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના સારા પોશાક પહેરેલા ફોટા પોસ્ટ કરતી હતી. સમય જતાં, તેના ફોલોઅર્સ વધવા લાગ્યા અને તેને શહેરમાં પણ ઓળખ મળવા લાગી. જેમ જેમ ફૈરુઝની લોકપ્રિયતા વધી રહી હતી, તેમ તેમ તેના ઘરમાં તણાવ વધતો જતો હતો.વાયરલ થતાં થતાં ફૈરુઝના વીડિયો તેના બાયોલોજિકલ પિતા અને ભાઈ સુધી પણ પહોંચ્યા. રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા પિતા પોતાની પુત્રી આટલા ખુલ્લા શરીર સાથે વીડિયો બનાવે તે વાત સહન કરી શક્યા નહીં. તેમણે ફૈરુઝની માતાનો સંપર્ક કર્યો અને તેમને સ્પષ્ટ કહ્યું કે તેમની પુત્રીને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ડિલીટ કરવાનું કહે. જોકે, ફૈરુઝે પોતાની શરતો પર જીવન જીવવાનું ચાલું રાખ્યું, તેણે તેના પિતાની નારાજગીને તેના કામને આડે આવવા દીધી નહીં. ઇરાક જેવા ઇસ્લામિક દેશમાં, જ્યાં બુરખા પર કડકાઈ હતી અને મહિલાઓ પર ઘણા પ્રતિબંધો હતા, ત્યાં ફૈરુઝે આધુનિક કપડાં પહેરીને ગાતા અને નાચતા વીડિયો બનાવ્યા તે ચર્ચાનો વિષય બન્યો. જો કે, આ સામાજિક અવરોધો છતાં, ફૈરુઝ ઇરાકમાં ફેમસ બનતી ગઈ. તેની ગણતરી ઇરાકના સૌથી લોકપ્રિય એન્ફ્લુએન્સરમાં થતી હતી. ફૈરુઝે કન્ટેન્ટ ક્રિએશનના સંદર્ભમાં કો- એન્ફ્લુએન્સર્સને મળવાનું પણ શરૂ કર્યું. 18 નવેમ્બર, 2023ની વાત છે, ફૈરુઝને બે સાથી ટિકટોક સ્ટાર્સે મળવા બોલાવી. ફૈરુઝ તેમને સારી રીતે ઓળખતી હતી, તેથી તે તેમને મળવા ગઈ. તેઓ ઇરબિલના એક હાઉસિંગ એપાર્ટમેન્ટમાં મળ્યા હતા. થોડા સમય પછી, ફૈરુઝને તે બે છોકરાઓ સાથે કન્ટેન્ટ અંગે ઉગ્ર ચર્ચા થઈ. દલીલ દરમિયાન, બંને છોકરાઓએ તેના પર હુમલો કર્યો. ફૈરુઝ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ બંનેની જબરજસ્તી સામે તે એમ કરી શકી નહીં. તેમનો ઝઘડો એટલો વધી ગયો કે બંને છોકરાઓએ ફૈરુઝને હાઉસિંગ એપાર્ટમેન્ટના પાંચમા માળની બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધી. છતાં, ફૈરુઝ બચી ગઈ. જ્યારે તે પડી ગઈ, ત્યારે ત્યાંથી પસાર થતા કેટલાક લોકો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા. તેનો એક પગ તૂટી ગયો હતો, તેની કરોડરજ્જુ અને કમરમાં ફ્રેક્ચર થયું હતું અને તેના શરીર પર બીજી ઘણી ઇજાઓ થઈ હતી. બંને આરોપી એન્ફ્લુએન્સર સામે હત્યાના પ્રયાસની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે હોસ્પિટલમાં ફૈરુઝનું નિવેદન નોંધ્યું. ફૈરુઝે પોલીસને જણાવ્યું કે પાંચમા માળેથી ફેંકી દેતાં પહેલાં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. ફૈરુઝના કહેવા મુજબ, ઝઘડા દરમિયાન બંને છોકરાઓએ તેને પકડી લીધો. એક છોકરાએ તેના પર બળાત્કાર કર્યો. બીજો છોકરો પણ તેના પર બળાત્કાર કરવા માગતો હતો, પરંતુ જ્યારે તે ચીસો પાડવા લાગી અને પોતાને બચાવવા માટે હાથ-પગ હલાવવા લાગી, ત્યારે ગુસ્સામાં બંનેએ તેને ઇમારત પરથી નીચે ફેંકી દીધી. ફૈરુઝના નિવેદન બાદ, બંને એન્ફ્લુએન્સર્સની ધરપકડ કરવામાં આવી. જોકે, થોડા દિવસો પછી, ફૈરુઝના જૈવિક પિતાએ તેની પાસેથી 50 હજાર ડોલર લીધા અને સમાધાન કરી નાખ્યું. પરિણામે, બંને આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા. ફૈરુઝ આ અકસ્માતમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેને તેના પરિવારનો ટેકો મળી રહ્યો ન હતો. પિતાએ દબાણ કર્યું અને તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ કરાવી દીધું. થોડો સમય થયો હતો કે બંને આરોપીઓ જેલમાંથી બહાર આવ્યા અને ફૈરુઝ પર સામગ્રી બનાવવાનું શરૂ કર્યું. તે લોકો સતત એવા વીડિયો પોસ્ટ કરી રહ્યા હતા જેમાં તેઓ ફૈરુઝ સામે વિવિધ આરોપો લગાવી રહ્યા હતા. આ વીડિયો પણ વાયરલ થયા અને ફૈરુઝના પિતા સુધી પહોંચવા લાગ્યા. જેમ જેમ વીડિયો વાયરલ થયો, આસપાસના લોકોને ફૈરુઝ સાથે થયેલા બળાત્કાર અને અકસ્માત વિશે જાણવા મળ્યું અને પરિવારની બદનામી થવા લાગી. 17 એપ્રિલની વાત છે તે સવારે, ફૈરુઝ તેના પલંગ પર સૂઈ રહી હતી ત્યારે તેના પર પાંચ ગોળીઓ ચલાવવામાં આવી અને તેનો શ્વાસ બંધ થઈ ગયો. ગોળીબાર કરનારા લોકો બીજું કોઈ નહીં પણ તેના પોતાના જ સગા પિતા, ભાઈ અને કેટલાક નજીકના સંબંધીઓ હતા. ફૈરુઝની માતાએ બ્રોડકાસ્ટિંગ ચેનલ રુદાવના રિપોર્ટર બખ્તિયાર કાદિરને કહ્યું, ‘હું ગોળીબારનો અવાજ સાંભળીને જાગી ગઈ. તેઓએ તેને પથારીમાં મારી નાખી. મેં તે બધાને જોયા. હું તેમને રોકવાનો પ્રયાસ કરી રહી હતી. એક દિવસ પહેલા જ, ફૈરુઝના પિતાએ તેને ફોન કરીને મારી નાખવાની ધમકી આપી હતી, કારણ કે જે છોકરાઓએ તેને બિલ્ડિંગમાંથી ફેંકી દીધી હતી તેઓ ફૈરુઝ પર કન્ટેન્ટ બનાવી રહ્યા હતા અને પોસ્ટ કરી રહ્યા હતા.’ ‘તેનો ફોન આવ્યા પછી, અમે આરોપી છોકરાઓને ફોન કર્યો અને તેમને બધા વીડિયો ડિલીટ કરવા વિનંતી કરી.’ અમે તેમને કહ્યું હતું કે આ વીડિયો તેનો જીવ લઈ લેશે. અમે છોકરાઓના પરિવારજનો સાથે પણ આ વિશે વાત કરી, પરંતુ તેમણે અમારી વાત સાંભળી નહીં અને આજે ફૈરુઝની હત્યા કરવામાં આવી.’ દરમિયાન, ફૈરુઝના સાવકા પિતા શાહીન કસાબએ કહ્યું, ‘આ સવારે 8:05 થી 8:10 વાગ્યાની વચ્ચે બન્યું.’ જ્યારે તે સૂતી હતી, ત્યારે તેના જૈવિક (બાયોલોજિકલ) પિતા, કાકા, ભાઈ અને કેટલાક પિતરાઈ ભાઈઓ ઘરમાં ઘૂસી ગયા અને ગોળીઓ ચલાવવા લાગ્યા. અમે આ હત્યામાં સામેલ લોકોને જાણીએ છીએ.’ પોસ્ટમોર્ટમ પછી, ફૈરુઝનો મૃતદેહ તેના પરિવારને સોંપવામાં આવ્યો. તે જ સમયે, હત્યાના આરોપમાં 7 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ફૈરુઝની માતા માને છે કે સત્તા અને પૈસાના કારણે, તે લોકો સરળતાથી છટકી જશે, જેમ ફૈરુઝને પાંચમા માળેથી ફેંકી દેનારા લોકો સરળતાથી છટકી ગયા હતા.’ બે વર્ષમાં 3 એન્ફ્લુએન્સર્સની હત્યા કરવામાં આવી તિબા અલ-અલી -ફૈરુઝની હત્યા એ ઇરાકમાં કોઈ એન્ફ્લુએન્સર્સ અથવા સોશિયલ મીડિયા સ્ટારની હત્યાનો એકમાત્ર કિસ્સો નથી. ફૈરુઝની હત્યાના થોડા મહિના પહેલા, જાન્યુઆરી 2023 માં, યુટ્યુબર તિબા-અલ-અલીની ઇજ્જતના નામે હત્યા કરવામાં આવી હતી. ઇરાકમાં જન્મેલી તિબા ઇસ્તંબુલમાં રહેતી હતી. તેના પિતા ફક્ત એટલા માટે નારાજ હતા કારણ કે તેણે અને તેના મંગેતરે ઇસ્તંબુલની પરિસ્થિતિ વિશે વીડિયો બનાવ્યા હતા. એક દિવસ તેના પિતાએ તેને ઘરે બોલાવીને તેની હત્યા કરી દીધી. ઓમ- ઇરાકી એન્ફ્લુએન્સર ઓમ ફહાદની તેની મોર્ડન લાઇફસ્ટાઇલ અને વીડિયો બનાવવાના કારણે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એપ્રિલ 2024 માં, તે તેના ઘરથી નીકળીને કારમાં બેઠી હતી, ત્યારે અજાણ્યા બાઇક સવારોએ તેના પર ગોળીબાર કર્યો. ઉમ ફહાદ- પોપ્યુલર ટિકટોક સ્ટાર ઉમ ફહાદની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી કારણ કે તે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરતી હતી. ઓનર કિલિંગમાં મારી ગયેલી છોકરીઓનાં નામ તેમની કબરો પર લખવાની પણ મનાઈ છે અલ ઝઝીરાના અહેવાલ મુજબ, ઇરાકમાં ઓનર કિલિંગમાં મારી ગયેલી મહિલાઓના નામ તેમની કબરો પર લખવાની પણ મનાઈ છે. તેમની કબરો પર નામોને બદલે ફક્ત સંખ્યાઓ લખેલી છે. પરિવારના સભ્યોને તે કબરો પર જતા પણ અટકાવવામાં આવે છે, તેથી ઘણા પરિવારો રાત્રિના અંધારામાં ગુપ્ત રીતે કબરો પર પહોંચી જાય છે. રિપોર્ટ અનુસાર, 1991થી અત્યાર સુધીમાં, ઇરાકમાં 22 હજાર છોકરીઓનું ઓનર કિલિંગ કરવામાં આવ્યું છે. વર્ષ 2023 માં, ફક્ત કુર્દિસ્તાન ક્ષેત્રમાં 30 મહિલાઓની હત્યા કરવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments