સાબરમતીના તટ પર આગામી 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાનાર છે. તેને લઇને કોંગ્રેસ પક્ષ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જ કોંગ્રેસમાં 25મી માર્ચથી મિટિંગનો દોર ચાલુ થઇ ગયો છે. આ અધિવેશનમાં સમગ્ર દેશભરમાંથી ડેલિગેશન ભાગ લેવા માટે આવવાના છે. ત્યારે આ અધિવેશનમાં ભાગ લેવા આવનાર ડેલિગેશનની સુવિધાઓને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસના 86માં અધિવેશનમાં ભાગ લેવા માટે 28 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 1400 જેટલા AICC(ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી)ના ડેલિગેટ્સ અને 440 જેટલા કો-ઓપ્ટના સભ્ય એમ કુલ મળીને 1840 જેટલા ડેલિગેશનના સભ્યો આવનાર છે. વિવિધ રાજ્યોમાંથી આ અધિવેશનમાં ડેલિગેટ્સના સભ્યો આવવાના છે ત્યારે તેમને ભાષાકીય કોઈ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન ગુજરાત કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યું છે. આ પણ વાંચો: 8-9 એપ્રિલે ITC નર્મદા અને કોર્ટયાર્ડ સહિત અમદાવાદની અનેક હોટલ હાઉસફુલ શક્તિસિંહે હિન્દી-ઇંગ્લિશ ભાષામાં આગમન અંગેની માહિતી માંગી
આ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં ડેલિગેટ્સના સભ્યોને પત્ર લખીને તેમના આગમન અંગેની માહિતી માંગી હતી. આ પત્રમાં અધિવેશનમાં ભાગ લેવા પધારનારા ડેલિગેટસનું એકોમોડેશન તેમજ તેમને રીસીવ કરવા સહિતની વ્યવસ્થા ગોઠવી શકાય તે હેતુસર તેમનો ડિટેઇલ ટ્રાવેલ પ્રોગ્રામ વહેલાસર AICCના ઇમેઇલ આઇડી પર જણાવવા માટે વિનંતી કરી છે. હિન્દી, અંગ્રેજી, તામિલ, ઉડિયાના જાણકાર કાર્યકરોની પસંદગી
8 અને 9 એપ્રિલ એમ બંને દિવસના કાર્યક્રમની રૂપરેખા જણાવવાની સાથોસાથ તેઓ બીજી તરફ અધિવેશનમાં આવનારા મહેમાનોને ભાષાકીય તકલીફ કે અન્ય કોઈ મુશ્કેલી ના પડે તે બાબતની ખાસ કાળજી લેવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસ દ્વારા જુદા જુદા રાજ્યોમાંથી આવનારા વિવિધ પ્રદેશના લોકો માટે હિન્દી, અંગ્રેજી, તામિલ, ઉડિયા સહિતની ભાષાના જાણકાર હોય તેવા ગુજરાતનાં કાર્યકર્તાઓની પસંદગી કરવામાં આવી છે. જે બાદ એક ટીમમાં 3-3 કાર્યકર્તાઓની પસંદગી કરી હતી. આમ કૂલ 120 કાર્યકરોની 40 જેટલી ટીમ તૈયાર કરવામાં આવી છે. આગમનથી લઈ સુવિધા સાચવવા કો-ઓર્ડિનેશન
આ સમગ્ર આયોજનને ગંભીરતાથી લેવાય અને કોઈ પણ પ્રકારની અસુવિધા ન ઉભી થાય એ માટે સ્ટેપ બાય સ્ટેપ ત્રણ મિટિંગો કરીને આવકારનાર કમિટીના સભ્યોને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આ ટીમોને પોતે જે ભાષાના જાણકાર છે તે પ્રમાણે તેમને તે સ્ટેટના ડેલિગેટની યાદી આપીને તેમની સાથે અહીં આવવાથી લઈને તેમની સુવિધા અંગેનું કો-ઓર્ડિનેશન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. અમીબેન-જેનીબેન પર 40 ટીમના મોનિટરિંગની જવાબદારી
આ 40 ટીમોનું મોનિટરિંગ રામકિશન ઓઝા, અમીબેન યાજ્ઞિક અને જેનીબેન ઠુંમ્મર કરી રહ્યાં છે. આ ટીમોને ડેલિગેટ સાથે થયેલી વાતચીતની માહિતી મોનીટરીંગ કમિટીના સભ્યોને પુરી પાડવાની પણ સૂચના આપવામાં આવી છે. નોંધપાત્ર એ વાત છે કે ડેલિગેશનની સરળતા માટે જે ટીમો બનાવી તેઓ બપોરે 2થી 4 અને રાતના 9 વાગ્યા પછી કોઈ પણ ડેલિગેટ્સને ફોન ન કરવો તે અંગેની પણ ખાસ સૂચના આપી છે. આ ઉપરાંત મોટા રાજ્યોમાં ટીમોની સંખ્યા પણ વધુ રાખવામાં આવી છે. કોંગ્રેસ વર્કિગ કમિટીના સભ્યો સાથે પણ કાર્યકરો રહેશે
કોંગ્રેસ વર્કિગ કમિટી (CWC)ના સભ્યો સાથે 267 કાર્યકરોની પણ નિમણૂંક કરી દેવામાં આવી છે. મતલબ કે દરેક ડેલિગેટસ સાથે એક કાર્યકરને રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં 6 અધિવેશન યોજાયા
ગુજરાતમાં અત્યારસુધીમાં છ અધિવેશન યોજાઇ ચુકયા છે. સૌથી પહેલું અધિવેશન 1902માં અને સૌથી છેલ્લું સને 1969માં યોજાયું હતું. અગાઉ ગુજરાતમાં યોજાયેલાં પાંચ અધિવેશનો પૈકી કયું અધિવેશનના કોણ પ્રમુખ હતા તેની વિગતો નીચે મુજબ છે. ગુજરાતમાં ભાજપને હરાવવાનો રાહુલનો પડકાર
લોકસભા ચૂંટણી-2024 બાદ રાહુલ ગાંધી જુલાઈ, 2024માં ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતાં કહ્યું હતું કે આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યો એ રીતે ગુજરાતમાં પણ હરાવીશું. કોંગ્રેસના ટોચના નેતાઓની પણ ગુજરાત મુલાકાત વધી ગઈ છે. ગુજરાત કોંગ્રેસના નેતા કહેતા હોય છે કે રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો ગત વર્ષે જ પડકાર ફેંક્યો હતો. એ વખતે તેમણે સંસદમાં કહ્યું હતું કે તમે લખીને રાખો, આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. વિપક્ષ ઈન્ડી ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે. કોંગ્રેસ-અધ્યક્ષ બેઠકની અધ્યક્ષતા કરશે
ધિવેશન 8 એપ્રિલે વિસ્તૃત કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક સાથે શરૂ થશે, જે પછી 9 એપ્રિલેના રોજ AICC પ્રતિનિધિઓની બેઠક યોજાશે. આ બંને બેઠકની કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષતા કરશે તેમજ કોંગ્રેસ સંસદીય પક્ષની અધ્યક્ષ સોનિયા ગાંધી, લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી, રાષ્ટ્રીય પદાધિકારીઓ, વરિષ્ઠ નેતાઓ અને અન્ય AICC પ્રતિનિધિઓ હાજર રહેશે. આ AICC અધિવેશન બેલગાવીમાં યોજાયેલી વિસ્તૃત CWC બેઠક (નવા સત્યાગ્રહ બેઠક)માં અપાયેલા ઠરાવની ચાલુ પ્રક્રિયા તરીકે યોજાઈ રહ્યું છે, જે 1924માં મહાત્મા ગાંધી દ્વારા અધ્યક્ષપદ સંભાળવામાં આવેલા કોંગ્રેસ અધિવેશનની 100મી વર્ષગાંઠની યાદમાં યોજાઈ હતી. કોંગ્રેસ માટે ગુજરાત કેમ મહત્ત્વનું?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય ગુજરાત હોવાને કારણે અહીંની દરેક ચૂંટણી મહત્ત્વની હોય છે. આવી સ્થિતિમાં કોંગ્રેસને લાગે છે કે જો આગળ વધવું હોય તો ભાજપને ગુજરાતમાં જ હરાવવો પડશે. કોંગ્રેસ એક-બે મહિનામાં આગામી બે વર્ષનો કાર્યક્રમ તૈયાર કરી લેશે. ભાવનગરના અધિવેશનમાં નહેરુ સહિત ટોચના કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા
1961માં ભાવનગરમાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશનમાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ, વાય.બી. ચવ્હાણ, જ્ઞાની ઝૈલ સિંહ, શ્રવણ સિંહ વગેરે દેશના મોટા ગજાના આગેવાનો આવ્યા હતા. એ વખતે સરદારનગર વિસ્તારમાં ખુલ્લી જમીન હોવાથી આ અધિવેશનનો મંડપ ત્યાં બનાવાયો હતો. અધિવેશન પૂરુ થયા પછી સરદારનગરમાં જમીનના પ્લોટો પાડીને રહેણાકી વિસ્તાર બનાવાયો હતો અને રૂપાણી સર્કલથી ભરતનગર સુધીનો વિસ્તાર રહેણાકી બની ગયો હતો. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલે સ્વામિનારાયણ ગુરુકુળના સ્થાપક નારાયણ પ્રિયદાસજીને જમીન આપી હતી અને ત્યાં ધીમે ધીમે સેંકડો વિદ્યાર્થીઓનું એક મોટું સંકુલ ઊભું કર્યું હતું અને એનો વહીવટ તેના શષ્ય કે.પી. સ્વામીને સોંપ્યો હતો. નારાયણ પ્રિયદાસજીએ આ સંકુલમાં એક મોટો હોલ, જેમાં વચમાં એક પણ થાંભલો ન હોય એવો બનાવ્યો હતો. કોંગ્રેસ 1995થી ગુજરાતની સત્તાથી દૂર
રાજ્યમાં 1995, 1998, 2002, 2007, 2012 અને 2017, 2022 એમ 7 વિધાનસભા ચૂંટણી યોજાઈ ચૂકી છે અને આ તમામ ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ મળી છે. માત્ર એટલું જ નહીં, 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં તો કોંગ્રેસનો તમામ 26 લોકસભા બેઠકો પર પરાજય થયો હતો, જોકે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક સીટ મળી હતી.