આજકાલ, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનના નવા પાત્ર વિશે ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. તાજેતરમાં, કાજલ પિસાલનો એક જૂનો ઓડિશન વીડિયો વાઈરલ થયો હતો, જેના પછી ચર્ચાઓ શરૂ થઈ હતી કે તે દિશા વાકાણીની જગ્યાએ દયાબેનની ભૂમિકા ભજવશે. આના પર કાજલ પિસાલે પોતાની પ્રતિક્રિયા આપી અને સ્પષ્ટતા કરી કે આ વીડિયો 2022નો છે, જે અત્યારે વાઈરલ થઈ રહ્યો છે. ઓડિશન વીડિયો પર કાજલ પિસાલની પ્રતિક્રિયા
કાજલ પિસાલે આ વિશે દિવ્ય ભાસ્કર સાથે વાત કરી, જેમાં તેણે કહ્યું, શું હાલ વર્ષ 2022 ચાલી રહ્યું છે? કારણ કે આ સમાચાર તે સમયના છે. મને સમજાતું નથી કે આ સમાચાર ફરીથી કેમ વાઈરલ થઈ રહ્યા છે. મેં 2022માં ‘દયાબેન’ના રોલ માટે ઓડિશન આપ્યું હતું. હાલ હું એક જ શો કરી રહી છું – ઝનક. દયાબેનનું પાત્ર હવે મારા માટે એક બંધ ચેપ્ટર છે. જોકે, જો એવું થયું હોત (મને દયાબેનનો રોલ મળ્યો હોત) તો સારું થાત, પણ હવે એવું કંઈ નથી. આ તો બહુ જૂના સમાચાર છે. અચાનક આ સમચારની આટલી બધી ચર્ચા કેમ શરૂ થઈ ગઈ છે. કદાચ શોની લોકપ્રિયતાને કારણે, લોકો જાણવા માટે ગુગલ કરતા હશે, પરંતુ આ બધું સાચું નથી. ‘સતત કોલ્સ અને મેસેજ આવી રહ્યા છે’
જ્યારે કાજલને પૂછવામાં આવ્યું કે આ અફવાઓ પછી તેને કેવા પ્રકારના ફોન અને મેસેજ આવી રહ્યા છે, ત્યારે તેણે કહ્યું, ‘મને ઘણા બધા ફોન અને મેસેજ આવ્યા છે.’ લોકો વારંવાર મારી સાથે આ વાતની પુષ્ટિ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું શૂટિંગ કરી રહી હતી અને જ્યારે હું સેટની બહાર આવી ત્યારે મેં જોયું કે ઘણા બધા ફોન કોલ્સ અને મેસેજ આવી રહ્યા હતા. પણ મારે શું કહેવું? મને ખબર નથી કે આના પર કેવી પ્રતિક્રિયા આપવી. કાજલ પિસાલ ફરી દયાબેન બનશે?
અંતે, કાજલને પૂછવામાં આવ્યું કે જો તેને ફરીથી તક મળે તો શું તે દયાબેનની ભૂમિકા ભજવવા માગશે. તેણે કહ્યું, જો કામ સારું હોય અને તક યોગ્ય હોય, તો શા માટે નહીં? કોઈ કામ કરવાની થોડી ના પાડે છે. આપણે હંમેશા સારું કામ કરવા અને નવા પાત્રોને ભજવવા માગ્યે છીએ. પણ અત્યારે હું ‘ઝનક’ કરી રહી છું અને હાલ હું ખુશ છું. ‘ઓડિશન ચાલુ છે પણ હજુ સુધી કોઈ ફાઇનલિસ્ટ નથી’
દયાબેનના પાત્ર વિશે અસિત મોદીએ કહ્યું, ‘હા, અમે સતત ઓડિશન લઈ રહ્યા છીએ. પરંતુ અત્યાર સુધી કોઈને ફાઇનલ કરવામાં આવ્યું નથી. હા, એ વાત સાચી છે કે અમે દયાબેનને શક્ય તેટલી વહેલી તકે પાછા લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ હજુ સુધી કંઈ પુષ્ટિ થઈ નથી.’ જ્યારે અમે પૂછ્યું કે શું કોઈ એક્ટ્રેસ ફાઇનલ થઈ છે, ત્યારે તેમણે કહ્યું, ‘ના, હજુ સુધી એવું કંઈ થયું નથી.’ આ એક લાંબી પ્રક્રિયા છે, દરરોજ અમે નવા લોકોને જોઈએ છીએ, પરંતુ જ્યાં સુધી અમને યોગ્ય ચહેરો ન મળે ત્યાં સુધી અમે ઉતાવળ કરીશું નહીં.’ કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવી દયાબેનનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આના પર અસિત મોદીએ કહ્યું, ‘ના, શૂટિંગ શરૂ થવાના સમાચાર ખોટા છે.’ જ્યારે આવું કંઈક થશે, ત્યારે તમને સૌથી પહેલા ખબર પડશે.’ દિશા વાકાણીએ શો કેમ છોડ્યો?
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનની ભૂમિકાથી એક્ટ્રેસ દિશા વાકાણી લોકપ્રિય થઈ હતી. તે 2018 માં મેટરનિટિ લીવ પર ગઈ હતી અને ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. તેમની પુત્રીના જન્મ પછી પણ, તેમના પાછા ફરવા અંગે ઘણા અહેવાલો આવ્યા હતા, પરંતુ હજુ સુધી કંઈ પણ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. અહેવાલો અનુસાર, દિશા વાકાણીએ તેના કામના કલાકો અને ફી અંગે કેટલીક શરતો મૂકી હતી, જેના પર વાતચીતને અંતિમ સ્વરૂપ આપી શકાયું ન હતું.