રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળમાં રેલવે પાટા પાસે રમતાં 14 વર્ષના બાળકને ચાલુ ટ્રેનમાંથી પાણીની ફેંકાયેલી બોટલ છાતીમાં લાગતાં તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો અને મૃત્યુ થયું હતું.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શાપર-વેરાવળમાં ગણેશનગર પાસે ગેલ્વેનાઇઝ કારખાનાની ઓરડીમાં રહેતો બાદલ સંતોષભાઇ ગોડ ઠાકર (ઉ.14) સોમવારે બપોરે તેના મિત્રો સાથે વેરાવળના રેલવેના પાટા પાસે હતો ત્યારે કોઇએ ચાલુ ટ્રેનમાંથી ફેંકાયેલી પાણીની બોટલ લાગતા બાદલ ત્યાં જ ઢળી પડ્યો હતો. બનાવની જાણ થતા બાદલના પિતા સહિતનો પરિવાર ત્યાં પહોંચી જાણ કરતાં 108ની ટીમના તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. શાપર પોલીસ મથકના એએસઆઇ મુકેશભાઇ સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં બાળકના પિતાએ જણાવ્યું હતું કે, તે મૂળ એમપીના અને હાલ શાપર-વેરાવળમાં રહેતા અને કારખાનામાં મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં બાદલ ધો.5માં અભ્યાસ કરતો હોય સોમવારે સ્કૂલમાં રજા હોય મિત્રો સાથે રમવા માટે ગયો હતો તે દરમિયાન વેરાવળ-બાંદ્રા ટ્રેનના પ્રથમ ડબ્બામાંથી કોઇ મુસાફરે પાણીની બોટલનો ઘા કરતા પુત્ર બાદલને છાતીના ભાગે લાગી જતા તેનું મોત નીપજ્યું હોવાનું જણાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી બાળકના પિતા સંતોષભાઇ ઘનશાહ ગોડ ઠાકરની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.