મંગળવારે સવારે 8 વાગ્યે મલેશિયાની રાજધાની કુઆલાલંપુર નજીક ગેસ પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટથી ભભુકી ઉઠેલી આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂર સુધી દેખાઈ રહી હતી. ભયાનક
આગમાં ઓછામાં ઓછા 112 લોકો ઘાયલ થયા છે. જેમાંથી 63 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આગ ઓલવવાનું અને આસપાસના લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. આકાશમાં આગની ભયાનક જ્વાળાઓ ભભુકી આ ઘટના કુઆલાલંપુરની બહાર સેલાંગોર રાજ્યના પુચોંગ શહેરમાં બની હતી. સ્ટેટ એનર્જી કંપની પેટ્રોનાસે જણાવ્યું હતું કે આ પાઈપલાઈન બંધ કરવામાં આવી છે. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, કંપનીએ 500 મીટર લાંબી પાઈપલાઈનનો વાલ્વ બંધ કરી દીધો છે અને 49 મકાનો આગથી અસરગ્રસ્ત થયા છે. આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ મલેશિયાના મીડિયાએ સ્થાનિક અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે વિસ્ફોટમાં 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 82 લોકોને બચાવી લેવાયા છે. આ આગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં આકાશમાં આગની ભયાનક જ્વાળાઓ ભભુકી ઉઠતી જોઈ શકાય છે. સ્ટાર અખબારે ફાયર વિભાગના ડિરેક્ટર વાન મોહમ્મદ રઝાલી વાન ઈસ્માઈલના હવાલાથી જણાવ્યું હતું કે ડઝનબંધ ફાયર ફાઈટરોને તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યા હતા. ટીમે આગનું કારણ પાઈપલાઈન લીક હોવાનું જણાવ્યું છે.