મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટના 32 વર્ષ બાદ, સ્પેશિયલ ટાડા કોર્ટે ટાઈગર મેમનની મિલકતો કેન્દ્રને સોંપવાનો આદેશ આપ્યો છે. ટાડા કોર્ટે કહ્યું કે 1993ના મુંબઈ સીરિયલ બોમ્બ બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ ટાઇગર મેમન અને તેના પરિવારની 14 મિલકતો કેન્દ્ર સરકારને સોંપવામાં આવે. આ મિલકતો 1994થી ટાડા (આતંકવાદી અને વિક્ષેપકારક પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ) કોર્ટના આદેશ બાદ બોમ્બે હાઈકોર્ટના રીસીવરના કબજામાં હતી. આ મિલકતો 1994માં સ્પેશિયલ ટાડા કોર્ટે જપ્ત કરી હતી અને ત્યારથી તે હાઈકોર્ટના કબજામાં હતી. 26 માર્ચે પસાર કરાયેલા એક આદેશમાં, સ્પેશિયલ ટાડા કોર્ટના જજ વી.ડી. કેદારે જણાવ્યું હતું કે સ્થાવર મિલકતોનો કબજો કેન્દ્ર સરકારને સોંપવો જોઈએ. મેમન સામે જપ્તીની કાર્યવાહી 1974ના વિદેશી હૂંડિયામણ સંરક્ષણ અને દાણચોરી નિવારણ અધિનિયમ અને મહારાષ્ટ્ર સરકારના 1992ના આદેશની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી. 12 માર્ચ, 1993ના રોજ મુંબઈમાં 13 સ્થળોએ સીરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા. બાદમાં સીબીઆઈએ બ્લાસ્ટ કેસની તપાસ કરી. મેમન અને તેના પરિવારની 14 મિલકતોમાં 4 ફ્લેટ અને 4 દુકાનો ટાઇગર મેમન અને તેના પરિવારની માલિકીની 14 મિલકતોમાં બાંદ્રા (પશ્ચિમ) માં એક ફ્લેટ, માહિમમાં એક ઓફિસ, માહિમમાં એક ખુલ્લો પ્લોટ, સાંતાક્રુઝ (પૂર્વ) માં એક ખાલી પ્લોટ અને એક ફ્લેટ, કુર્લામાં એક ઇમારતમાં બે ફ્લેટ, મોહમ્મદ અલી રોડ પર એક ઓફિસ, ડોંગરીમાં એક દુકાન અને પ્લોટ, મનીષ માર્કેટમાં ત્રણ દુકાનો અને મુંબઈમાં શેખ મેમન સ્ટ્રીટ પર એક ઇમારતનો સમાવેશ થાય છે. ટાઈગર પટાવાળાની નોકરી કરતો હતો 24 નવેમ્બર 1960ના રોજ જન્મેલા ઇબ્રાહિમ મુશ્તાક અબ્દુલ રઝાક નદીમ મેમનને અંડરવર્લ્ડમાં ટાઇગર મેમન તરીકે ઓળખવામાં આવે છે. તેનું બાળપણ દક્ષિણ મુંબઈના મોહમ્મદ અલી રોડ વિસ્તારમાં આવેલા કડિયા બિલ્ડિંગમાં એક રૂમના ફ્લેટમાં તેના પાંચ નાના ભાઈઓ સાથે વિતાવ્યું હતું. મુશ્તાકના પિતા અબ્દુલ રઝાક વેલ્ડીંગનું કામ કરતા હતા. તેણે મુંબઈની સ્માઈલ બેગ મોહમ્મદ સ્કૂલમાંથી દસમા ધોરણ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી, મુશ્તાકે પોતાનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો અને મુંબઈમાં મેમન કોઓપરેટિવ બેંકમાં પટાવાળાની નોકરી કરવાનું શરૂ કર્યું. પણ ત્યાં પણ તે લાંબો સમય રહી શક્યો નહીં. ચા લાવવાના વિવાદ મામલે તેણે તેના બેંક મેનેજરને માર માર્યો, જેના પગલે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. આ રીતે ટાઇગરનું નામ પડ્યું નોકરી છોડ્યા પછી, મુશ્તાક દાણચોર મોહમ્મદ મુસ્તફા દૌસાને મળ્યો. તેણે તેને પોતાના ડ્રાઇવર તરીકે રાખ્યો. દૌસા સાથે કામ કરતી વખતે, મુશ્તાક દુબઈ ખાતે દાણચોર યાકુબ ભટ્ટીને મળ્યો અને તેને પોતાના પેડલર તરીકે રાખ્યો. હવે મુશ્તાકને દુબઈથી સોનાની દાણચોરી કરવાનું કામ મળી ગયું હતું. આ દરમિયાન, મુશ્તાક પાકિસ્તાની દાણચોર તૌફિક જલિયાંવાલા સાથે સંપર્કમાં આવ્યો અને માત્ર એક વર્ષમાં, મુશ્તાક મુંબઈનો સૌથી મોટો ગોલ્ડ સ્મગલર બની ગયો. મુંબઈમાં પ્રખ્યાત, મુશ્તાક દાણચોરીની દુનિયામાં ટાઇગરની નામે જાણીતો બન્યો. બ્લાસ્ટનું કાવતરું શા માટે ઘડ્યું મુંબઈમાં થયેલા રમખાણો દરમિયાન, ટાઈગર મેમન દ્વારા શરૂ કરાયેલી તિજારત ઈન્ટરનેશનલ કંપનીને આગ ચાંપી દેવામાં આવી હતી. આનાથી ગુસ્સે થઈને, ટાઇગરે મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન ઘડવાનું શરૂ કર્યું. આ માટે, ટાઇગરે દુબઈમાં પાકિસ્તાની દાણચોરો તૌફિક જલિયાંવાલા, અનીસ ઇબ્રાહિમ, મુસ્તફા ડોસા, કેટલાક ISI અધિકારીઓ અને ઘણા શ્રીમંત આરબ ઉદ્યોગપતિઓ સાથે એક બેઠક યોજી. જો ગુપ્તચર સૂત્રોનું માનીએ તો, ટાઇગરને આ બેઠક માટે દાઉદ ઇબ્રાહિમ તરફથી સૂચનાઓ મળી હતી.