વડોદરામાં ગુનાઓ આચરતી કાસમઆલા ગેંગ પર ગુજસીટોકનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું હતું. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાંથી 2008માં એક્ટિવ થયેલી આ ગેંગના સાગરિતો 17 વર્ષમાં 216 ગુના આચરી ચૂક્યા હતા. આ ગેંગના આરોપી અકબર કાદરમિયા સુન્નીએ વડોદરા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી. જોકે, કોર્ટ એ તેની જામીન અરજી નામંજૂર કરી છે. આ ગેંગના 9 આરોપીઓ હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. કાસમઆલા ગેંગ દારૂ અને જુગારની પ્રવૃતિ ચલાવે છે અને વેપારીઓને ધાકધમકી આપીને ખંડણી ઉઘરાવે છે. કોઇ ખંડણી ન આપે તે જાનથી મારી નાખવાની ધમકી આપે છે. ખાસ કરીને કારેલીબાગ વિસ્તારમાં આ ગેંગનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે અને લોકો ગેંગથી તોબા પોકારી ગયા છે. આ ગેંગ સામે વડોદરા શહેરના મોટાભાગના પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. આ આરોપીઓ સતત ફોનથી સંપર્કમાં રહેતા હતા અને તમામ ગુનાઓમાં એકબીજા સાથે સંકળાયેલા હતા. કાસમઆલા કબ્રસ્તાન વિસ્તારમાં રહેતા હોવાથી ગેંગનું નામ કાસમઆલા પડ્યું હતું. વડોદરા શહેરમાં કાસમઆલા ગેંગ નામથી ઓર્ગેનાઈઝ ક્રાઈમ સિન્ડિકેટ ચાલતી હતી, જેમાં કુલ 9 સભ્ય હતા, જેમાંથી હુસૈન કાદરમિયાં સુન્ની, અકબર કાદરમિયાં સુન્ની અને મહંમદઅલીમ સલીમ પઠાણ સામે રિવોલ્વર બતાવીને ગેરકાયદે નાણાં પડાવવાનો ગુનો દાખલ થયો હતો. પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, કાસમઆલા ગેંગ રિવોલ્વર સાથે રાખીને ખંડણી ઉઘરાવતી હતી અને જેની-જેની પાસેથી ખંડણી ઊઘરાવે તેની નોંધ પણ એક ડાયરીમાં રાખતી હતી. ગેંગના સભ્યોએ આ લાલ ડાયરી સૌરાષ્ટ્રના એક ગામમાં છુપાવી હતી. આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેમણે તેના જ એક સંબંધીના ઘરમાં અનાજના પીપડામાં લાલ ડાયરી છુપાવી છે.