ડિઝીટલ એરેસ્ટનો મોટેભાગે સીનીયર સિટીઝનો શિકાર બની રહયા છે. આવો જ વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઘોડદોડ રોડ પર રહેતા સિનીયર સિટીઝનને ઠગ ટોળકીએ ડિઝીટલ એરેસ્ટનો શિકાર બનાવી 1 કરોડથી વધુની રકમ પડાવી છે. શિકાર બનેલા સિનીયર સિટીઝન બેંક ઓફ બરોડામાં સિનીયર મેનેજર હતા અને હાલમાં નિવૃત જીવન ગાળે છે. વૃદ્વ મેનેજરે જીવનભરની ભેગી કરેલી કરોડોની આ રકમ હતી. સાયબર ક્રાઇમે 67 વર્ષીય નિવૃત સિનીયર મેનેજરની ફરિયાદ લીધી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી ઠગ ટોળકીના સાગરિતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. 11મી જાન્યુઆરી-25એ સવારે સિનીયર મેનેજર પર કોલ આવ્યો હતો. કોલ કરનારે કહ્યું કે હું ટેલિકોમ ડિપાર્ટમેન્ટ હેડ ઓફિસ દિલ્હીથી રાહુલ શર્મા વાત કરૂ છું અને તમારા આ મોબાઇલ નંબર ઉપર ફરિયાદ થયેલી છે. જેથી તમારો મોબાઇલ નંબર અમે બંધ કરી દઈશું, એમ કહી મોબાઇલ નંબર ઉપર ફરિયાદ નંબર અને લોકેશન નવી દિલ્હી છે એવી માહિતી આપી હતી. નિવૃત સિનીયર મેનેજરે તેને કહ્યું કે અમારો મોબાઇલ નંબર બંધ થશે તો અમને ઘણી તકલીફ પડશે. પછી ઠગ ટોળકીએ મોબાઇલ નંબર બંધ ન થવા દેવો હોય તો ક્રાઇમબ્રાંચ દિલ્હી પોલીસ પાસે એનઓસી મેળવવું પડશે, એમ કહી ઠગે દિલ્હી પોલીસને કોન્ફરન્સમાં લઈ વાત કરાવી હતી. જેમાં ઠગે કહ્યું કે હું દિલ્હી ક્રાઇમ બ્રાંચમાંથી સિનીયર ઓફિસર પ્રધાન રાજેશ વાત કરૂ છું, તમારા ઉપર મની લોન્ડરીંગનો રૂ.6.89 કરોડનો કેસ છે, જેની તપાસ આઈપીએસ સુનિલકુમાર ગૌતમ કરે છે. હું તેઓની સાથે તમારી વાત કરાવું, થોડીવાર પછી વૃદ્વને વોટસએપ પર વીડિયો કોલ કરાવી વાત કરાવી જેમાં સામે યુનિફોર્મમાં પોલીસમાં હતી. સામેવાળાએ વૃદ્વને કહ્યું કે હું આઈપીએસ સુનિલકુમાર ગૌતમ છું. તમારી ઉપર મનીલોન્ડરીંગનો કેસ થયેલ છે, જેથી તમને કસ્ટડીમાં લેવા પડશે, જો કે તમે સિનિયર સિટીઝન છો. જેથી તમને ડિજિટલી કસ્ટડીમાં લેવામાં આવે છે. દિલ્હી ક્રાઇમબ્રાંચ અને સીબીઆઈના નામે ધરપકડ કરવાની ધમકી આપી વૃદ્વ પાસેથી ઠગ ટોળકીએ ટુકડે ટુકડે કરી 1.05 કરોડની રકમ પડાવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસ કોઈપણ દિવસ ડિજિટલ એરેસ્ટ કરતી નથી. લોકોને આ નિયમો ખબર નથી એટલે તેઓ ઠગ ટોળકીના શિકાર બને છે. વૃદ્વે 32 બેંક ખાતાં, બેલેન્સ વિશેની માહિતી આપી હતી
વૃદ્વએ પોતાની અને પત્નીના નામે 32 બેંક ખાતાઓ અને બેલેન્સ સહિતની વિગતો સીબીઆઈના ઓફિસરને આપી દીધી હતી. આ રકમ બધા ખાતામાંથી આરબીઆઈ બેંકના સેફ કસ્ટડીના ખાતામાં ટ્રાન્સફર કરવાની રહેશે. જેની તપાસ કરી કેસમાં ઈન્વોલ્વમેન્ટ નહિ હોય તો તમને સુપ્રિમ કોર્ટના જજ દ્વારા કલીનચીટ આપી આરબીઆઈ દ્વારા 48 કલાકમાં તમારી બધી જ રકમ પરત મળી જશે. ટોળકીએ આરબીઆઈના ચીફ જનરલ મેનેજરની ખોટી સહી અને સિક્કા વાળી બનાવટી ફાઇનાન્સિયલ ટ્રાન્જેકશન કમિટિ ઓર્ડર મોકલ્યો હતો. ઠગ ટોળકીએ વૃદ્વની તમામ રકમ એક જ ખાતામાં નખાવી હતી. બાદમાં તે રકમ ટુકડે ટુકડે કરી 1.05 કરોડની રકમ વૃદ્વ પાસેથી પડાવી લીધી હતી. વૃદ્વને એક કલાક સુધી મેસેજ કરતા રહેવાનું કહ્યું
ઘરમાંથી ક્યાંય પણ બહાર જવાનું હોય તો પરમિશન લઈ જવાનું રહેશે વૃદ્વને ઠગે કહ્યું કે તમારે એક કલાક સુધી મેસેજ કરતા રહેવાનું રહેશે, ઘરમાંથી ક્યાંય પણ બહાર જવાનું હોય તો પરમિશન લઈ જવાનું રહેશે. આ બનાવ બાબતે કોઈને વાત કરી શકાશે નહિ.વૃદ્વને તેનું નામ, આધારકાર્ડ અને મોબાઇલ નંબર માંગ્યો હતો.પછી ઠગએ વોટસએપ પાસબુક મોકલી વેરીફાઈ કરી લેવાની વાત કરી હતી. વૃદ્વ પાસે ડોક્યુમેન્ટોની માંગણી કરી 12મી જાન્યુઆરી-25 આઈપીએસ સુનિલનો વિડીયો કોલ આવ્યો હતો.જો કે તેમાં ચહેરો દેખાતો ન હતો. સુનિલે પછી અન્ય એક શખ્સ સાથે વાત કરાવી હતી. જે પોતાની ઓળખ સીબીઆઈના ઓફિસર પ્રદીપસિંહ તરીકે આપી હતી. તેણે મની લોન્ડરીંગ સહિતની વાતો કરી આ કેસમાં આઈસીઆઈસી બેંકના મેનેજરની ધરપકડની વાત કરી તેનો ફોટો મોકલ્યો હતો. ધરપકડ કરાયેલા મેનેજરનું નામ સંદીપકુમાર આપ્યું હતું.