સુપ્રીમ કોર્ટે મંગળવારે પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીને 2021માં ઘર તોડી પાડવા મામલે ઠપકો આપ્યો હતો. કોર્ટે અધિકારીઓની આ બુલડોઝર કાર્યવાહીને અમાનવીય અને ગેરકાયદેસર ગણાવી હતી. કોર્ટે કહ્યું, આ કાર્યવાહી દરમિયાન અન્ય લોકોની લાગણીઓ અને અધિકારોને ધ્યાનમાં લેવામાં આવ્યાં ન હતાં. જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઇયાની બેન્ચે કહ્યું કે દેશમાં લોકોના ઘરને આ રીતે તોડી શકાય નહીં. આનાથી અમારો અંતરાત્મા હચમચી ગયો છે. 2021માં, પ્રયાગરાજ વહીવટીતંત્રે એક વકીલ, એક પ્રોફેસર અને અન્ય 3 લોકોનાં ઘરોને ગેંગસ્ટર અતીકની મિલકત માનીને તોડી પાડ્યાં હતાં. એડવોકેટ ઝુલ્ફીકાર હૈદર, પ્રોફેસર અલી અહેમદ અને અન્ય લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ એ લોકો છે જેમનાં ઘર તોડી પાડવામાં આવ્યાં હતાં. અલ્હાબાદ હાઈકોર્ટે તેમની અરજીઓ ફગાવી દીધી હતી. 10-10 લાખના વળતર આપવાનો આદેશ સુપ્રીમ કોર્ટે ડેવલપમેન્ટ ઓથોરિટીને આદેશ આપ્યો હતો કે જે લોકોનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં છે તેમને 6 અઠવાડિયામાં 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું – રાઇટ ટુ શેલ્ટર નામનું પણ કાંઈ હોય છે. યોગ્ય પ્રોસેસ નામની પણ એક વાત છે. આ પ્રકારની કાર્યવાહી કોઈપણ રીતે યોગ્ય નથી. જસ્ટિસ ઉજ્જલ ભુયાએ એક ઘટનાનો ઉલ્લેખ કર્યો ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં 24 માર્ચે બનેલી ઘટનાનો ઉલ્લેખ કરતા સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જલ ભુઇયાએ કહ્યું, “અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન, એક તરફ ઝૂંપડાઓ તોડી પાડવામાં આવી રહ્યાં હતાં અને બીજી તરફ 8 વર્ષની એક બાળકી પોતાનાં પુસ્તક લઈને દોડતી જઈ રહી હતી. આ તસવીરે બધાને ચોંકાવી દીધા.” ગેંગસ્ટર અતીકની જમીન સમજીને 5 ઘર તોડી પાડવામાં આવ્યાં હતાં જ્યારે આ કેસની પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ ત્યારે પીડિતો વતી વકીલ અભિમન્યુ ભંડારીએ દલીલ કરી. તેમણે કહ્યું હતું કે, “2023માં અતીક અહેમદ નામનો એક ગેંગસ્ટર હતો જેની હત્યા કરવામાં આવી હતી. અધિકારીઓએ પીડિતોની જમીનને અતીકની જમીન સમજી લીધી હતી. તેમણે (રાજ્યએ) પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ.” આ દલીલ પર, યુપી સરકારે કહ્યું હતું કે અમે અરજદારોને નોટિસનો જવાબ આપવા માટે પૂરતો સમય આપ્યો છે. જસ્ટિસ ઓકા આ દલીલ સાથે સહમત ન હતા. આ નોટિસ આ રીતે કેમ ચોંટાડવામાં આવી? કુરિયર દ્વારા કેમ મોકલવામાં ન આવી? કોઈપણ આવી રીતે નોટિસ આપશે અને તોડફોડમાં કરશે. આ તોડફોડનો એવો મામલો છે જેમાં ક્રૂર અત્યાચાર છે. અલ્હાબાદ હાઈકોર્ટે અરજી ફગાવી દીધી હતી અગાઉ, અલ્હાબાદ હાઈકોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. રાજ્ય સરકારના આ નિવેદનના આધારે હાઇકોર્ટે કહ્યું હતું કે આ જમીનનો ઉપયોગ જાહેર હેતુ માટે થવાનો હતો. 1906 થી અમલમાં રહેલી લીઝ 1996માં પૂરી થઈ ગઈ હતી. અરજદારોએ લીઝહોલ્ડને ફ્રીહોલ્ડમાં રૂપાંતરિત કરવા માટે અરજી કરી હતી. તે અરજીઓ 2015 અને 2019માં નકારી કાઢવામાં આવી હતી. આવી સ્થિતિમાં, બુલડોઝર કાર્યવાહી દ્વારા ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવામાં આવ્યું હતું. 6 માર્ચની રાત્રે નોટિસ આપવામાં આવી હતી, બીજા દિવસે મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં રવિવાર, 7 માર્ચ, 2021ના રોજ, પ્રોફેસર અલી અહેમદ અને વકીલ ઝુલ્ફીકાર હૈદર સહિત કુલ 5 લોકોનાં ઘર તોડી પાડવામાં આવ્યાં હતાં. અરજદારોએ કોર્ટને જણાવ્યું હતું કે તેમને 6 માર્ચ, શનિવારની રાત્રે નોટિસ આપવામાં આવી હતી. જો કે, નોટિસ 1 માર્ચની હતી. અરજદારોએ જણાવ્યું હતું કે તેઓ તે જમીનના લીઝ ધારકો છે જેના પર આ મકાનો બનાવવામાં આવ્યાં હતાં. આ સમાચાર પણ વાંચો… બુલડોઝર કાર્યવાહી, સુપ્રીમ કોર્ટે કહ્યું- રાતોરાત ઘરો તોડી શકાતાં નથી: યુપી સરકારને ફટકાર; પીડિતાને 25 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી. કોર્ટે કહ્યું, ‘આ મનસ્વી છે.’ તમે બુલડોઝર લઈને રાતોરાત ઘર તોડી ન શકો. તમે પરિવારને ઘર ખાલી કરવાનો સમય આપતા નથી. ઘરવખરીની વસ્તુઓનું શું? યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.