સુરતની સાત વર્ષીય પ્રાગણિકા વાંકા લક્ષ્મી ચેસના ક્ષેત્રમાં અંડર-7 ગર્લ્સ કેટેગરીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિશ્વ ચેમ્પિયન બનીને ગુજરાતની ‘ડી ગુકેશ’ બની છે. પ્રાગણિકાએ યુરોપના સર્બિયામાં યોજાયેલી ફીડે વર્લ્ડ સ્કૂલ્સ ચેસ ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. માત્ર 15 મહિનાની પ્રેક્ટિસ સાથે આ અનન્ય સિદ્ધિ હાંસલ કરનાર પ્રાગણિકા માટે આ માત્ર શરૂઆત છે. પ્રાગણિકાએ વિશ્વ ચેમ્પિયનનો તાજ મેળવ્યો
સર્બિયામાં યોજાયેલી આ સ્પર્ધામાં 35 દેશના ખેલાડીઓને માત આપી પ્રાગણિકાએ વિશ્વ ચેમ્પિયનનો તાજ મેળવ્યો. આ ટૂર્નામેન્ટમાં 7થી 17 વર્ષના ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં પ્રાગણિકા એકમાત્ર ભારતીય પ્રતિનિધિ હતી. સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેણે પોતાના તમામ રાઉન્ડ જીતવાની સિદ્ધિ પણ હાંસલ કરી. 15 મહિના સુધી સતત મહેનત કરી
પ્રાગણિકા પોતાની મોટી બહેન વરેણિયા વાંકા પાસેથી પ્રેરણા લેતી હતી, જેણે પણ અનેક ચેસ સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. માત્ર 7 વર્ષની નાનકડી દીકરીએ આ સિદ્ધિ પાછળ 15 મહિના સુધી સતત મહેનત કરી છે. તેણે 2023 અને 2024 દરમિયાન ગુજરાત રાજ્ય ચેસ ચેમ્પિયનશિપ અને ઈન્ટર-સ્કૂલ ચેમ્પિયનશિપમાં અંડર-7 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. વિવિધ ટૂર્નામેન્ટમાં અંડર-7 કેટેગરીમાં ચેમ્પિયનશિપના ખિતાબ જીત્યા
2024માં પ્રાગણિકાએ આંધ્રપ્રદેશમાં યોજાયેલી નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપમાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું, સાથે જ સુરત ને મુંબઈમાં યોજાયેલી વિવિધ ટૂર્નામેન્ટમાં અંડર-7 કેટેગરીમાં ચેમ્પિયનશિપના ખિતાબ જીત્યા છે. આ ઉપરાંત તેણે ફીડે રેટિંગ 1450 મેળવ્યું છે. ગુજરાત રાજ્યમાં અંડર-7થી લઈને અંડર-16 કેટેગરીમાં આટલું ફીડે રેટિંગ ધરાવતી એકમાત્ર બાળકી છે. અમારા પરિવારમાં ચેસ રમનારા કોઈ ન હતા
પ્રાગણિકાની સફળતા પાછળ તેની કોઈસ રોહન ઝુલ્કાનું માર્ગદર્શન અને માતા-પિતા પ્રવીણા અને રામનાથ વાંકાનું સમર્પણ મહત્ત્વપૂર્ણ રહેલું છે. રામનાથ વાંકા, જે GST વિભાગમાં અધિકારી છે. તેમણે જણાવ્યું હતું કે “અમારા પરિવારમાં ચેસ રમનારા કોઈ ન હતા, પરંતુ મોટી દીકરીએ પ્રેરણા આપી અને નાની દીકરીએ એને અપનાવી. ટૂંક સમયમાં આટલી મોટી સિદ્ધિ મેળવવી એ અમારા માટે ગૌરવની વાત છે.” અમારી શાળાની વિદ્યાર્થિની વિશ્વ ચેમ્પિયન બની એ ગૌરવની વાત
પ્રાગણિકાની શાળાના પ્રિન્સિપલ ચેતન દાણવાળાએ જણાવ્યું હતું કે “આજે જ્યારે બાળકો ગેજેટ્સ અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત છે ત્યારે અમારી શાળાની એક નાની વિદ્યાર્થિનીએ વિશ્વ ચેમ્પિયન બની આપણા તમામ માટે ગૌરવ લાવી છે. તે ક્યારેય પણ કોઈપણ કોમ્પિટિશનમાં જાય ત્યારે મેડલ ચોક્કસ લાવે છે.” આ સિદ્ધિ પ્રાગણિકા માટે એક પડાવ છે. તે આગામી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાના પ્રયાસમાં છે.