BZ ફાયનાન્સ કૌભાંડ કેસમાં CID ક્રાઈમ ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેના સાગરીતો સામે 6,000 કરોડના અનધિકૃત રોકાણની ફરિયાદ નોંધી હતી. જેમાં ચાર્જશીટ બાદ આજે ભુપેન્દ્રસિંહ ઝાલા અને મયુર દરજીના જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધા છે. જ્યારે પાછળથી 2.10 લાખનું રોકાણ કરાવીને પૈસા પરત ના આપવાના કેસમાં બંનેના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ભુપેન્દ્રસિંહ ઝાલા સામે ત્રણ ફરિયાદ
ઉલ્લેખનીય છે કે, ભુપેન્દ્રસિંહ ઝાલા સામે CID ક્રાઇમે ત્રણ ફરિયાદ નોંધી હતી. જેમાં મૂળ ફરિયાદ 6,000 કરોડના રોકાણની, ત્યાર બાદ 4.50 લાખ અને 2.10 લાખના રોકાણ મેળવી પૈસા પરત નહીં આપવાની છે. જામીન અરજી અગાઉ કૌભાંડમાં મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સહિત પકડાયેલા કુલ 8 આરોપી સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કુલ 22 હજાર પેજની ચાર્જશીટ છે. મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ ઝાલા સામે 250 પેજની પુરવણી ચાર્જશીટ પણ થઇ છે. ચાર્કશીટમાં 650 કરતા વધુ સાહેદો છે. 11,232 રોકાણકારોનું 422 કરોડનું રોકાણ સામે આવ્યું
ભુપેન્દ્રસિંહ ઝાલા તરફે રજૂઆત થઈ ચૂકી છે કે તે ડિફોલ્ટ નથી. તેના ખાતા ફ્રીઝ કરાઈ દીધા હોવાથી તે રોકાણકારોને પૈસા પાછા આપી શકતો નથી. પોલીસ તપાસમાં 11,232 રોકાણકારોનું 422 કરોડનું રોકાણ સામે આવ્યું છે. જેમાં રોકાણકારોને 172 કરોડ પરત નહિ અપાયા હોવાનું પોલીસનું કહેવું છે. આમ 4,366 રોકાણકારોના 250 કરોડ પાછા આપી દેવાયા છે. 6,866 રોકાણકારોના પૈસા બાકી હોવાની વાત છે, જેની રકમ 172 કરોડ કહેવાય છે. આંકડો મોટો બતાવવા ફક્ત ખાતામાં ક્રેડિટ રકમ બતાવી
પરંતુ આ લોકોને પણ ખાતા ફ્રીઝ થયા ત્યાં સુધી પેમેન્ટ મળ્યું જ છે. પેમેન્ટમાં ભુપેન્દ્રસિંહ ઝાલા ડિફોલ્ટ થયાનો એક પણ પુરાવો કોર્ટ સમક્ષ મુકાયો નથી. 94 કરોડ ચૂકવવાના બાકી છે તે પાકતી મુદતના પૈસા છે, વ્યાજ તો ચૂકવાય જ છે. આંકડો મોટો બતાવવા CIDએ ફક્ત ખાતામાં ક્રેડિટ રકમ બતાવી છે, ડેબિટ રકમ બતાવતી નથી. આરોપી મયુર દરજી સામે આક્ષેપ છે કે તેણે 325 રોકાણકારો પાસેથી 8.73 કરોડ જેટલું રોકાણ કરાવ્યું હતું. 44.64 લાખ તેના બેંક ખાતામાં જમા થયા હતા. મયુર દરજીએ રોકાણકારો પાસેથી કુલ રૂપિયા 4 કરોડ જેટલા રોકડા ઉઘરાવ્યા હોવાનું સામે આવ્યું હતું.