બાંગ્લાદેશમાં અત્યારે વડાપ્રધાન નથી પણ તેની જગ્યાએ સલાહકાર પદે નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસ છે. યુનુસ ચાર દિવસ ચીન જઈ આવ્યા. ત્યાં રાષ્ટ્રપતિ શી જિનપિંગને એવી ચઢામણી કરી કે, તમારે બંગાળની ખાડીનો ઉપયોગ કરવો હોય તો બાંગ્લાદેશ તૈયાર છે. ભારતના પૂર્વોત્તરના સાત રાજ્યો તો લેન્ડ લોક્ડ છે. આ સાત રાજ્યોને જોડતા ચિકન નેક આસપાસ રોકાણ કરો. આમ પણ બાંગ્લાદેશ છે તો ભારતના આ 7 રાજ્યો છે. આવી ચઢામણી કરીને યુનુસ પોતાની ખુરશી સેફ રાખવા માગે છે. તે ચીન જઈને બાંગ્લાદેશની સેનાને મેસેજ આપવા માગે છે કે, હું એકલો નથી. મારા ઉપર ચીનનો હાથ છે. નમસ્કાર, બાંગ્લાદેશના સલાહકાર મોહમ્મદ યુનુસ ભારત વિરોધી નિવેદનો તો કરી આવ્યા પણ ચીનને એવું કહ્યું કે, બાંગ્લાદેશનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ તિસ્તા રિવર પ્રોજેક્ટ છે. તેમાં ચીની કંપનીઓ મદદ કરે તો બાંગ્લાદેશનો આ પ્રોજેક્ટ પૂરો થાય. હકીકતે, તિસ્તા નદીનો પ્રોજેક્ટ ભારત પૂરો કરે એવું બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના ઈચ્છતાં હતાં. મોહમ્મદ યુનુસે ચીનમાં જઈને શું કહ્યું મોહમ્મદ યુનુસે ભારતના સાત ઉત્તર-પૂર્વીય રાજ્યોને લેન્ડ લોક્ડ ગણાવ્યા છે. એટલે કે જમીનથી ઘેરાયેલા. ત્યાં દરિયો નથી. જો બંગાળની ખાડીમાં એટલે કે સમુદ્રમાં જવું હોય તો દરિયો માત્ર બાંગ્લાદેશ પાસે જ છે. બાંગ્લાદેશ સમુદ્રનો ગાર્ડિયન છે એટલે કે ‘પાલક પિતા’ છે. ચીન બાંગ્લાદેશમાં રોકાણ કરે તો મોટો ફાયદો મળી શકે. ભારતની આ મજબૂરીનો ચીને ફાયદો ઉઠાવવો જોઈએ. મોહમ્મદ યુનુસે કહ્યું કે, ભારતનો સિલિગુડી કોરિડોર જે ચિકન નેકથી ઓળખાય છે તેની આસપાસ ચીન કબજો કરે તો પૂર્વોત્તર રાજ્યો પર આસાનીથી કબજો થઈ શકે. તેણે પૂર્વોત્તર રાજ્યો માટે ‘દેશ’ શબ્દ વાપર્યો. એટલે યુનુસની ગણતરી એવી છે કે પૂર્વોત્તરના સાત રાજ્યોને ચીકન નેકથી અલગ કરીને અલગ દેશ બનાવી દેવાય. ચિકનનેકનાં કારણે 7 રાજ્ય ખતરામાં યુનુસે વિસ્તારવાદની વાત કરી જે રીતે બાંગ્લાદેશના સલાહકાર મોહમ્મદ યુનુસે ચીનમાં ભારતના ચિકન નેક (સિલિગુડી કોરિડોર) અને પૂર્વોત્તરના સાત રાજ્યોની વાત કરી તે જોતાં બાંગ્લાદેશની વિસ્તારવાદી નીતિ સામે આવી છે. દુનિયામાં વિસ્તારવાદ વધતો જાય છે. એક તરફ રશિયા યુક્રેન પર કબજો કરવા માગે છે. ચીનને તાઈવાન જોઈએ છે. અમેરિકાને ગ્રીન લેન્ડ મેળવવી છે. એ જ રીતે ચીનના ખભે બંદૂક ફોડીને યુનુસ બાંગ્લાદેશનો વિસ્તાર કરવા માગે છે. બાંગ્લાદેશ એ ભૂલે છે કે પોતે ભારતથી ઘેરાયેલું છે ANI સાથેની વાતચીતમાં ડિફેન્સ એક્સપર્ટ પ્રફૂલ્લ બક્ષીએ કહ્યું કે, બાંગ્લાદેશમાં યુનુસ સરકાર ઉપર સેના ગમે ત્યારે હાવિ થઈ જાય તેમ છે. બાંગ્લાદેશની સેનાને એ બતાવવા માટે તે ચીન ગયા કે પોતાની સાથે પણ કોઈ દેશ છે. પોતાની સત્તા જાળવવા યુનુસ હવે ગમે તે કરી રહ્યા છે. બીજું, બાંગ્લાદેશ એ ભુલે છે કે તેના દેશની સરહદો બધા માટે ખુલી છે. ગમે તેને નિમંત્રણ આપી દેશે…. એવું નથી. બાંગ્લાદેશ પોતે જ ભારતથી ઘેરાયેલું છે. કેટલાક રાજ્યોની સરહદો બાંગ્લાદેશ સાથે જોડાયેલી છે. બાંગ્લાદેશ સાથે ક્યા રાજ્યની કેટલી સરહદ ભારતે ચિકન નેકમાં મિલિટરી હલચલ વધારી દીધી જ્યારથી બાંગ્લાદેશમાં યુનુસ સરકાર છે ત્યારથી ભારત એલર્ટ છે. કારણ કે યુનુસ સરકાર પાકિસ્તાનના ખોળે બેઠેલી સરકાર છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ ખોબા જેવડા દેશ છે એટલે હવે ચીનને ઉશ્કેરી રહ્યા છે. પણ આ વાતની ગંધ ભારતને આવી ગઈ હતી. બાંગ્લાદેશે તુર્કી પાસેથી ડ્રોન ખરીદ્યા અને તેને તહેનાત કર્યા. તેનાથી ભારતની ચિંતા વધી. ભારત એલર્ટ પણ થયું. બાંગ્લાદેશ હવે પાકિસ્તાન સાથે મળીને મિલિટરી કો-ઓપરેશન વધારી રહ્યું છે. ભારતે હમણાં જ ‘અંસાર ઉલ્લા બાંગ્લા’ આતંકી સંગઠનના આતંકીઓને સિલિગુડીમાંથી પકડી પાડ્યા હતા. ત્યારથી ભારત એલર્ટ થઈ ગયું ને સમજી ગયું કે બાંગ્લાદેશ ભારત વિરોધી ષડયંત્ર માટે ચિકન નેકનો ઉપયોગ કરી શકે છે. ભારત સરકારે આ ચિકન નેકમાં એન્ટિ નેશનલ ગ્રુપનું મોનિટરિંગ તેજ કરી દીધું છે. આર્મીની ફોર્સ વધારી દેવાઈ છે. હાલમાં જ ભારતીય સેનાએ બે મિલીટરી ઓપરેશન કર્યા છે. પહેલું ઓપરેશન ડિવિલર્સ સ્ટ્રાઈક છે જેમાં સૈનિકોએ ચાલુ પ્લેનમાંથી કૂદીને આનો અભ્યાસ કર્યો હતો. બીજું ફાયર પાવર એક્સર્સાઈઝ કર્યું. તેમાં પિનાકા અને સ્પાઈડર એર ડિફેન્સ સિસ્ટમનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું. ચિકનનેક શું છે? આસામના મુખ્યમંત્રીએ ચિકન નેકને લઈને શું કહ્યું? આસામના મુખ્યમંત્રી હેમંતા બિશ્વા સરમાએ આસામના 2.0 સંમેલનમાં જાહેરાત કરી કે, ચિકન નેક કોરિડોરને મજબૂત કરવા માટે કેન્દ્ર સરકાર એક્શન લેવા જઈ રહી છે. તેમાં ચાર નવી રેલવે લાઈનોનું નિર્માણ થશે. આનાથી ચિકન નેકની કનેક્ટિવિટીને મજબૂત કરાશે. આની સત્તાવાર જાહેરાત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ટૂંક સમયમાં કરી દેશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ એક્સ પર લખ્યું કે, બાંગ્લાદેશની કહેવાતી વચગાળાની સરકારના મોહમ્મદ યુનુસનું નિવેદન અપમાનજનક અને અત્યંત નિંદનીય છે. ઉત્તરપૂર્વને એક મહત્વપૂર્ણ માર્ગથી કાપી નાખવા માટે એક ખતરનાક સૂચન કરવામાં આવ્યું છે. તેથી ચિકન નેક કોરિડોરની નીચે અને તેની આસપાસ વધુ મજબૂત રેલવે અને રોડ નેટવર્ક વિકસાવવા જરૂરી છે. ચિકન નેકને અસરકારક રીતે બાયપાસ કરીને ઉત્તરપૂર્વને મુખ્ય ભૂમિ ભારત સાથે જોડતા વૈકલ્પિક રસ્તા શોધવાની બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ. યુનુસે ચીનમાં જઈને કહ્યું કે, તિસ્તા નદીનો પ્રોજેક્ટ પૂરો કરવા મદદ કરો બાંગ્લાદેશની અંતરિમ સરકારના સલાહકાર મોહમ્મદ યુનુસે ચીનમાં શી જિનપિંગ અને ચીની ઉદ્યોગપતિઓ સાથે મિટિંગ કરીને કહ્યું કે, બાંગ્લાદેશનો તિસ્તા નદીનો પ્રોજેક્ટ લાંબા સમયથી અટવાયેલો છે. હું ઈચ્છું છું કે, ચીનની કંપનીઓ આ પ્રોજેક્ટ પૂરો કરવામાં મદદ કરે. તિસ્તા નદીનો પ્રોજેક્ટ ચીની કંપનીઓને સોંપવાની વાતથી ભારત ગુસ્સે ભરાયું છે. તિસ્તા પ્રોજેક્ટ શું છે? આ આખા પ્રોજેક્ટનું નામ છે – તિસ્તા રિવર કોમ્પ્રેહેન્સિવ મેનેજમેન્ટ એન્ડ રિસ્ટોરેશન પ્રોજેક્ટ (TRCMRP). 414 કિલોમીટર લાંબી તિસ્તા નદી ભારતમાંથી વહીને બાંગ્લાદેશમાં જાય છે. બાંગ્લાદેશમાં આ નદીનું પાણી રોકવા માટે બેરેજ યોજનાનો માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો. 1 અરબ ડોલરની તિસ્તા રિવર પરિયોજના સાથે ભારતની સુરક્ષા ચિંતા જોડાયેલી છે. આ નદી બંને દેશો વચ્ચે પાણીના ભાગલા માટે ઊભો થયેલો વિવાદનો મુદ્દો પણ છે. ઘણી જગ્યાએ તિસ્તા નદીની પહોળાઈ પાંચ કિલોમીટર છે તેને ઘટાડી દેવામાં આવશે. કેટલીક જગ્યાએ નદી ઊંડી પણ કરવાની છે. આ કામ ભારત કરવાનું હતું, હવે ચીની કંપનીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. તિસ્તા નદી પ્રોજેક્ટ માટે મમતા દીદીએ વિરોધ કર્યો હતો 2011માં ભારતના તત્કાલિન વડાપ્રધાન ડો. મનમોહન સિંહ ઢાકા ગયા હતા ત્યારે જ તિસ્તા પરિયોજના સમજૂતી પર હસ્તાક્ષર થવાના હતા. પણ એ સમયે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના વિરોધના કારણે તે અદ્ધર ટીંગાઈ ગયો. એ પછી 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મમતા બેનર્જીને સાથે લઈને બાંગ્લાદેશ ગયાં હતા. ત્યાં તિસ્તાના પાણીના ભાગ પાડવાની સમજૂતી માટે ખાતરી આપી હતી. પણ એક દાયકા પછી પણ ભારત અને બાંગ્લાદેશ તિસ્તા નદી મામલે નક્કર નિર્ણય લઈ શક્યા નથી. તિસ્તા પરિયોજના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્ષોથી મહત્વનો મુદ્દો રહ્યો છે. શેખ હસીના ઈચ્છતાં હતાં કે તિસ્તા પ્રોજેક્ટ ભારત પૂરો કરે. કોણ છે મોહમ્મદ યુનુસ? બાંગ્લાદેશમાં શેખ હસીના સરકાર સામે બળવો થયા પછી નોબેલ પુરસ્કાર સન્માનિત મોહમ્મદ યુનુસ અંતરિમ સર્વોચ્ચ સલાહકાર બન્યા. બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શાહબુદ્દીને તેમને સત્તાની ખુરશી પર બેસાડ્યા. મોહમ્મદ યુનુસ 1970ના દાયકામાં માઈક્રોફાયનાન્સના એક્સપર્ટ તરીકે જાણીતા હતા. તેમણે દેશના ગરીબ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. ગરીબોને ગરીબીની બહાર લાવવાની પ્રેરણા મળી જ્યારે તેમણે ચટગાંવ સહિતના ગામડાંનો પ્રવાસ કર્યો. તેમણે ગરીબ કારખાનેદારોને 10 ડોલર ઉધાર આપ્યા. આ એવા કારખાનેદારો હતો જેને બેન્કમાંથી લોન નહોતી મળતી. 1980થી બાંગ્લાદેશને આર્થિક સદ્ધર કરવાની ઝુંબેશ શરૂ કરી. તેમણે ગ્રામીણ બેન્કની સ્થાપના કરી. આ કાર્ય માટે 2006માં નોબેલ પુરસ્કાર એનાયત થયો. યુનુસના મોડેલને ઘણા વિકાસશીલ દેશોએ અપનાવ્યું. નોબેલ મળ્યા પછી તેમણે રાજનીતિ પર કોમેન્ટ કરવાનું શરૂ કર્યું. એકવાર તેણે કહેલું કે, હું એ વ્યક્તિ નથી જે રાજનીતિને લઈને સહજ હોય. પણ જો હાલત મજબૂર કરે તો હું રાજનીતિમાં એન્ટ્રી કરવાથી અચકાઈશ નહીં. છેલ્લે, ડિફેન્સ એક્સપર્ટ પ્રફુલ્લ બક્ષીએ ANIને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ભારત હવે કોઈ નિવેદનને વખોડી નાખે, આ બરોબર નથી, તે બરોબર નથી… એવું પણ નહીં કહે. જે ભારતના હિતમાં હશે તે જ ભારત કરશે. ભારત એક્ઝેક્ટલી એ જ કરશે જે ચાણક્યએ કીધું છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (યશપાલ બક્ષી)