અંકલેશ્વર તાલુકાના અમૃતપુરા ગામની અમરાવતી નદીના કિનારે એક મગર દેખાતા વન વિભાગની ટીમે સફળ રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું છે. ગત રાત્રે અમૃતપુરા ગામ નજીક અમરાવતી નદીના કિનારે મગર દેખાયો હતો. સ્થાનિક રહીશોએ તરત જ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ભારે જહેમત બાદ મગરને પકડવામાં સફળતા મેળવી હતી. વન વિભાગના જણાવ્યા અનુસાર, મગરનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને સુરક્ષિત સ્થળે છોડી દેવામાં આવશે. નોંધનીય છે કે, અંકલેશ્વર નજીકથી પસાર થતી નર્મદા નદી અને અમરાવતી ખાડીમાં વારંવાર મગર જોવા મળે છે. નર્મદા નદીના રેતાળ અને માટીવાળા કિનારા મગરો માટે આદર્શ નિવાસસ્થાન બની ગયા છે. હવે નર્મદા નદી સાથે જોડાયેલી અન્ય નદીઓમાં પણ મગરની હાજરી વધી રહી છે. આ કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ છે.