કરણાસર પાટિયા નજીક અર્બુદા એગ્રો ફ્યુઅલ એનર્જી કંપનીએ સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. કંપનીએ તેમની બિનખેતીની જમીનમાં મોટા પ્રમાણમાં રાયડા, જીરુ અને અન્ય ફોતરી સામગ્રી ખુલ્લામાં રાખી છે. આ સામગ્રી રસ્તાની બાજુમાં રાખવામાં આવી છે. તે વાહનચાલકો અને લોકો માટે જોખમરૂપ છે. ગ્રામ પંચાયતના તલાટીએ કંપનીને નોટિસ પાઠવી છે. નોટિસમાં અગ્નિશામક સાધનો રાખવા અને જરૂરી મંજૂરી મેળવવાનું સૂચન કરાયું છે. તલાટીએ કંપનીને ચેતવણી આપી છે કે, ફોતરી વ્યવસ્થિત રાખવી જરૂરી છે. જેથી રસ્તા પર ઉડીને જોખમ ન સર્જાય. કોઈપણ અકસ્માત થશે તો તેની જવાબદારી કંપનીની રહેશે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી દશરથ શ્રીમાળીએ જણાવ્યું કે, હાઇવે પર ઘણી જગ્યાએ ફોતરી રખાય છે. ઉનાળામાં તેનાથી આગની ઘટના બની શકે છે. તંત્રએ આ બાબતે કાર્યવાહી કરવી જોઈએ. થરાદ તાલુકાના વિકાસ અધિકારીએ જણાવ્યું કે, તલાટીને સૂચના આપી દેવાઈ છે. કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. જરૂર પડશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.