ઉનાળાની સીઝન શરૂ થાય એટલે આગ લાગવાના બનાવોમાં સતત વધારો થતો હોય છે, જેના કારણે ઘણી વખત લોકોના જીવ પણ જતા હોય છે. ગઇકાલે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતાં 21 લોકોનાં મોત થયાં છે. જેને પગલે હવે અમદાવાદ જિલ્લા પોલીસે પણ 100થી વધુ ફટાકડા મેન્યૂફેક્ચરિંગમાં સરપ્રાઈઝ ચેકિંગ શરૂ કર્યું છે. 100થી વધુ ફટાકડાના ગોડાઉન-મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સરપ્રાઇઝ ચેકિંગ
ડીસામાં લાગેલી આગ બાદ અમદાવાદ જિલ્લા પોલીસ એલર્ટ થઇ ગઇ હતી. આગકાંડની આ ઘટનાને કારણે આખા ગુજરાતમાં સન્નાટો વ્યાપી ગયો છે અને તેના પડઘા ગાંધીનગર, દિલ્હી અને અમદાવાદ સુધી પડ્યા છે. પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અમદાવાદના 100થી વધુ ફટાકડાનાં ગોડાઉન તેમજ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં સરપ્રાઇઝ ચેકિગ હાથ ધર્યું હતું. ડીસામાં મોતના તાંડવ બાદ અમદાવાદ જિલ્લા પોલીસ હરકતમાં આવી
અમદાવાદના છેવાડે આવેલ વાંછ ગામ ફટાડકાના ધંધા માટે મિની કાશી ગણવામાં આવે છે. વાંછ ગામ અને એની આસપાસ ફટાકડા બનાવવાની કામગીરી વર્ષોથી ચાલી રહી છે. ગઇકાલે ડીસામાં ખેલાયેલા મોતના તાંડવ બાદ અમદાવાદ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઇ હતી. ગઇકાલે વિવેકાનંદનગર પોલીસ, કણભા પોલીસ તેમજ અસલાલી પોલીસની ટીમ 100થી વધુ ફેક્ટરીઓમાં જઇને સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું. આગ બાદ અમદાવાદ જિલ્લા ACP ઓમપ્રકાશ જાટના આદેશ બાદમાં પોલીસ હરકતમાં આવી હતી. જિલ્લા એલસીબી, લોકલ ક્રાઇમ બ્રાંચ સહિતની એક સ્પેશિયલ ટીમ બનાવી હતી અને સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ મામલે અમદાવાદ જિલ્લા ACP ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે ડીસામાં બનેલા કાંડ બાદ અસલાલી, કણભા, વિવેકાનંદનગર પોલીસની ટીમે ફટાકડાની ફેક્ટરીઓમાં સર્ચ-ઓપરેશન હાથ ધર્યું હતું. અંદાજિત 100થી વધુ ગોડાઉનને ચેક કરવામાં આવ્યાં હતાં. દિવાળીના સમયે પણ પોલીસ દ્વારા લાઇસન્સ વગર ફટાકડાનો ધંધો કરતા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. ગઇકાલે 40થી વધુ ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનનું ચેકિંગ કર્યું
ગોડાઉનમાં ફાયર સેફ્ટીનાં સાધનો છે કે નહીં, ફટાકડા બનાવવાનું લાઇસન્સ છે કે નહીં જેવા અનેક મુદ્દાઓને લઇને પોલીસ દ્વારા સર્ચ કરાયું હતું. ડીસા અગ્નિકાંડ થયો એ પહેલાં પણ પોલીસ અનેક વખત ચેકિંગ કરે છે. દર મહિને પોલીસ ગમે ત્યારે ફાટાકડાના ગોડાઉનમાં જઇને તપાસ કરતી હોય છે. પોલીસ જે ચેકિંગ કરે એનો એક રેકોર્ડ પણ બનાવવામાં આવે છે. દિવાળીના સમયે સંખ્યાબંધ ફટાકડાના વેપારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરતા હોઇએ છીએ. આ સિવાય આગના સમયે ફાયર સેફ્ટીનાં સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો એનું પણ શિખવાડતા હોઇએ છીએ. વડોદરામાં બે દુકાનમાં ગત 20 માર્ચે આગ ફાટી નીકળી હતી
વડોદરા શહેરના નેશનલ હાઇવે નં.48 પર આવેલ સયાજી માર્કેટની બે દુકાનમાં પણ ગત 20 માર્ચના રોજ સાંજના સમયે આગ ફાટી નીકળી હતી. આ ઘટના મામલે પોલીસે કોઈપણ પ્રકારની સુવિધા સુરક્ષા વિના પ્લાસ્ટિકના સ્ક્રેપ અને ફટાકડાના જથ્થાનો સંગ્રહ કરનાર બંને દુકાનદારો તથા દુકાનની નજીક શેડ દૂર કરતા વેલ્ડિંગ સમયે તણખા ઝરતા આગ લાગતાં કામગીરીમાં બેદરકારી બદલ ફેબ્રિકેટર્સ વિરુદ્ધ વિસ્ફોટક અધિનિયમ તથા બીએનએસ 287, 288, 289 હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુવિધા અને લાઇસન્સ વગરના વેપારીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનામાં 21 લોકોનાં મોત થયાં બાદ વડોદરા પોલીસ જાગી છે અને વડોદરામાં કોઈપણ પ્રકારની સુરક્ષા-સુવિધા અને લાઇસન્સ મેળવ્યા વિના ફટાકડાનો સ્ટોક રાખનાર વેપારી સામે પોલીસે ગુનો નોંધ્યો છે. ગત 20 માર્ચના રોજ સાંજે નેશનલ હાઇવે નં. 48 ઉપર આવેલા સયાજી માર્કેટમાં દુકાન નં.553માં પ્લાસ્ટિક સ્ક્રેપ ભરેલું હતું અને એની ગેલરીમાં રાખેલો પ્લાસ્ટિકનો સ્ક્રેપ અને દાણામાં આગ લાગી હતી. એજે આગ વધુ પ્રસરતાં દુકાનની બાજુમાં આવેલી દુકાન નં.552માં ફટાકડાનો જથ્થો રાખ્યો હોય એમાં પણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાની જાણ કરતાં સ્થળ પર પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. દુકાન નં. 553ના માલિક શફીકભાઈ ધોબી (રહે- ગિરિરાજ સોસાયટી, જિલ્લા પંચાયત ક્વાર્ટસ પાસે, પાણીગેટ, વડોદરા)ની જાણવાજોગ અરજી કપૂરાઈ પોલીસ સ્ટેશન ખાતે રજિસ્ટર કરી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે આ કોલોનીમાં જગદીશ ફરસાણના પાર્કિંગમાં બનાવેલા શેડ ખોલવાનું કામ નિઝામુદ્દીન શેખ (રહે-સાંઈનાથનગર, કરોડિયા બાજવા રોડ, વડોદરા)ને જગદીશ ફરસાણવાળાએ સોંપ્યું હતું. ગેરકાયદે ફટાકડાનો સંગ્રહ કરતા એમાં આગ પ્રસરી
શેડ દૂર કરવાની કામગીરી દરમિયાન સેફટી સાધનો વિના બેદરકારી દાખવતાં લોખંડની એંગલોને મશીન દ્વારા કટિંગ કરતા સમયે તણખા પ્લાસ્ટિકના સ્ક્રેપ ઉપર પડતાં આગ લાગી હતી. કોઈપણ પ્રકારની સેફટી અને સુરક્ષાનાં સાધનો વગર દુકાનની પાછળના ભાગે પ્લાસ્ટિકનો સ્ક્રેપ રાખવામાં આવ્યો હતો તેમજ ફટાકડાનો સ્ટોક રાખવા માટે અશોક ખાનાની (રહે-ચતુરભાઈ પાર્ક સોસાયટી, વારસિયા રિંગરોડ, વડોદરા)એ ફાયરબ્રિગેડમાંથી NOC તથા સરકારી/અર્ધસરકારી કચેરીમાંથી ફટાકડા રાખવા અંગેનું લાઇસન્સ ન મેળવી સેફટી સુરક્ષાનાં કોઈપણ સાધનો ઉપલબ્ધ ન રાખી ફટાકડાનો જથ્થો સંગ્રહ કરતાં ફટાકડામાં આગ પ્રસરી હતી. આરોપી નિઝામુદ્દીન શમશુદ્દીન શેખ (રહે. સાંઇનાથનગર, કરોડિયા રોડ, બાજવા,વડોદરા), શફીક સલીમભાઇ ધોબી (રહે. ગિરિરાજ સોસાયટી, પાણીગેટ, વડોદરા) અને અશોક રૂપચંદ ખાનાની (રહે.ચતુરભાઇ પાર્ક સોસાયટી, વારસિયા રિંગરોડ, વડોદરા) સામે ગુનો નોંધીને કપૂરાઇ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.