back to top
Homeગુજરાતદીકરાએ તાનિયાને કારમાં બેસાડી, માતાએ દરવાજો બંધ કર્યો:માછલી દેખાડવાના બહાને જીવતી જ...

દીકરાએ તાનિયાને કારમાં બેસાડી, માતાએ દરવાજો બંધ કર્યો:માછલી દેખાડવાના બહાને જીવતી જ નદીમાં ફેંકી, ષડ્યંત્રકારોનાં નામ સામે આવતાં જ બધાં સ્તબ્ધ

7 વર્ષની માસૂમ દીકરી તાનિયાના અપહરણ અને ઘાતકી હત્યાના બનાવથી આખું નડિયાદ શહેર હચમચી ઊઠ્યું હતું. અંદાજે સાડા સાત વર્ષ પહેલાં નડિયાદના સંતરામ દેરી રોડ પાસે લક્ષ ડુપ્લેક્ષમાં રહેતાં નિવૃત્ત શિક્ષિકા કુસુમબેન ચંદુભાઈ પટેલની પૌત્રી તાનિયા અચાનક ગુમ થઈ ગઈ હતી. 3 દિવસ બાદ 25 કિમી દૂર વિકૃત હાલતમાં લાશ મળી આવી હતી. હાઈપ્રોફાઈલ કેસના ઘેરા પડઘા પડ્યા હતા અને દીકરીના હત્યારાને પકડી પાડવા માટે લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. ક્રાઈમ ફાઈલ્સના પહેલા એપિસોડમાં તમે તાનિયા કેવી રીતે ગુમ થઈ અને પછી તેનો મૃતદેહ કેવી રીતે મળી આવ્યો તેના વિશે વાંચ્યું. આજના બીજા એપિસોડમાં વાંચો કોણે કર્યું હતું તાનિયાનું અપહરણ? ખંડણી માટે અપહરણ કર્યું હતું તો પછી તાનિયાની હત્યા કેમ કરી? લાશ 25 કિમી દૂર સુધી કેવી રીતે પહોંચી? આરોપીનાં નામ જાહેર થતાં જ કેમ તાનિયાનો પરિવાર પણ ચોંકી ગયો? વાંચો પાર્ટ-1: NRIની દીકરીની નડિયાદથી 25 કિમી દૂર મળી લાશ, હાથ-પગના પંજા ગાયબ, કોણે કર્યું અપહરણ? હજી તાનિયાના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલતી હતી ત્યાં જ આ કેસની તપાસ ચલાવી રહેલા તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી.બલદાણિયા (હાલ PI મિસિંગ સેલ, વડોદરા) અને તેમની ટીમને મહત્ત્વની કડી મળી હતી. પોલીસ હાઈવે પર વાસદ ટોલનાકાના કર્મચારીની પૂછપરછ કરી રહી હતી ત્યારે નવો જ એંગલ સામે આવ્યો હતો. ટોલનાકાના કર્મચારી ગણપત રાઠોડે પોલીસને કહ્યું કે બનાવના દિવસે એક સફેદ આઈ10 કાર નીકળી હતી. આમ તો રોજની સંખ્યાબંધ કારો નીકળે છે પણ એ કાર એટલા માટે યાદ રહી ગઈ કેમ કે તેના ચાલકે ટોલ નહોતો ભર્યો અને દાદાગીરી કરી હતી. કાળા કાચવાળી કાર નીકળી ત્યારે તેમાં એક બાળકી હતી, પણ જ્યારે કાર પાછી આવી ત્યારે બાળકી નહોતી. ટોલનાકાના કર્મચારીએ કારનો નંબર આપતાં જ પોલીસ પગેરું દબાવતા તેના માલિક સુધી પહોંચી હતી. પોલીસે પિન્ટુ નામના આઈ10 કારના માલિકની પૂછપરછ કરી. જેમાં તેમણે પોતાની કાર તેના બાળપણના મિત્ર મિત પટેલને અંબાજી દર્શન કરવા જવા માટે આપી હોવાનું કહ્યું હતું. કારના માલિક પિન્ટુએ એવું પણ કહ્યું કે તેનો મિત્ર મિત પટેલ રાત્રે કાર પાછી આપી ગયો હતો. ત્યાર બાદ પોલીસે આઈ10 કાર કબજે કરીને તેની તલાશી લીધી હતી. જેમાં મિત પટેલના નામના વ્યક્તિનું એક આધારકાર્ડ મળી આવ્યું હતું. જેનું સરનામું જોતા જ પોલીસ ચોંકી ગઈ હતી. મિત પટેલ બીજું કોઈ નહીં પણ તાનિયાનો પાડોશી હતો. પોલીસને એવું પણ ધ્યાનમાં આવ્યું કે તાનિયાને શોધવામાં મિત પટેલ સક્રિય રસ દાખવી રહ્યો છે તેમજ કુસુમબેન ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન આવ્યાં ત્યારે મિત પણ સાથે આવ્યો હતો. એટલું જ નહીં પોલીસ જ્યારે કુસુમબેનના ઘરે આવી ત્યારે તાનિયા આસપાસનાં ખેતરોમાં હશે, આગળ બીજી સોસાયટીમાં હશે એવી વાતો કરી રહ્યો હતો. આમ પોલીસને અંદાજ આવી ગયો હતો કે હમદર્દ બનવાનો ઢોંગ કરતો મિત પટેલ જ અસલી માસ્ટર માઈન્ડ છે. પાકી ખાતરી થતાં જ પોલીસે મિત ઉર્ફે ભલો વિમલકુમાર પટેલને ઉઠાવી લીધો અને પૂછપરછ શરૂ કરી. પહેલા તો આ કેસમાં તેનો કોઈ રોલ ન હોવાનું જણાવ્યું હતું. પણ આંખો દેખાડતા જ મિત પટેલે વટાણા વેરી દીધા હતા. અને સ્વીકાર્યું હતું કે હા સાહેબ મેં જ તાનિયાને ઉઠાવીને મારી નાખી છે. આ કેસમાં વધુ ધડાકો એ થયો કે મિત પટેલને આ કાવતરું પૂરું પાડવામાં તેની માતાં જિગીષા પટેલ અને નાનાભાઈ ધ્રુવ ઉર્ફે બબુ પટેલે સાથ આપ્યો હતો. મિત પટેલે માતા અને ભાઈ ઉપરાંત અન્ય બે સગીર સાગરીતોની મદદ લીધી હતી. આમ તાનિયાના અપહરણથી લઈને હત્યા સુધી પાંચ લોકોએ અલગ અલગ ભૂમિકા ભજવી હતી. બાદમાં તમામની પૂછપરછમાં અપહરણથી લઈને હત્યા સુધીની કડી જોડાઈ ગઈ હતી. મિત પટેલ પહેલેથી ઉડાઉ જિંદગી જીવતો હતો. થોડા સમયથી તે ક્રિકેટના સટ્ટાના રવાડે ચડી ગયો હતો. જેના કારણે તેના પર લાખો રૂપિયાનું દેવું પણ થઈ ગયું હતું. તેણે વ્યાજે પણ રૂપિયા લીધા હતા. ચારે તરફ દેવા નીચે દબાઈ ગયો હતો. દરમિયાન 15 દિવસ પહેલાં તેના ધ્યાનમાં આવ્યું હતું કે તેની બાજુમાં રહેતાં કુસુમબેનને તેમના પુત્રે ઉતરસંડામાં દુકાન લેવા માટે લંડનથી 18 લાખ રૂપિયા મોકલ્યા છે. મિત પટેલની નજર આ રૂપિયા પર ગઈ હતી. જેને મેળવવા માટે કુસુમબેનની પૌત્રી તાનિયાનું અપહરણ કરી ખંડણી માંગવાનું ભયંકર કાવતરું ઘડી કાઢ્યું હતું. અપહરણ માટે મિત પટેલે પિન્ટુ નામના મિત્ર પાસે અંબાજી દર્શન કરવા જવાનું હોવાનું બહાનું કાઢીને હ્યુન્ડાઈ આઇ10 કાર લીધી હતી. ત્યાર બાદ બપોરના સમયે આરોપીઓએ ભેગા મળી નડિયાદ મોટી કેનાલ ઉપરથી એક મોટો પથ્થર લઈ કારની ડેકીમાં પહેલેથી રાખી દીધો હતો. પથ્થર સાથે તાનિયાને બાંધીને ફેંકી દેવાનો મૂળ પ્લાન હતો. ત્યાર બાદ પ્લાન મુજબ સાંજે 7.45 વાગ્યે કુસુમબેનના ઘરમાં જિગીષા પટેલ ડુંગળી માંગવાના બહાને ગઈ હતી. સૌથી હ્રદયદ્રાવક બાબત એ હતી કે માસૂમ તાનિયાએ હસતાં હસતાં હત્યારી જિગીષાને ડુંગળી આપી હતી. જિગીષાએ આમ કરીને ખાતરી કરી લીધી હતી કે તાનિયા ઘરમાં જ છે. મિત પટેલ નિર્ધારિત સમયે તાનિયાના ઘર પાસે આઇ10 કાર લઈને પહોંચ્યો હતો. તાનિયાનું અપહરણ કરવા માટે રાહ જોઈને બેઠો હતો કે એ જ સમયે લાઈટ જતાં અંધારપટ છવાઈ ગયો હતો. આ તકનો લાભ ઉઠાવીને મિત પટેલે ચોકલેટ અને આઈસક્રીમ લઈ આપવાની લાલચ આપીને તાનિયાને કારમાં બેસાડી હતી. એ વખતે ત્યાં તેની માતા જિગીષા પટેલ પણ હાજર હતી. જિગીષાએ તાનિયાને ગાડીમાં બેસાડી દરવાજો બંધ કરી દીધો હતો. ત્યાર બાદ મિત પટેલ કાર લઈને આણંદ-વિદ્યાનગર રોડ પર બિગ બજાર પાસે આવેલા હેવમોર આઈસક્રીમ પાર્લર પર ગયો હતો. તાનિયાને વિશ્વાસમાં લેવા માટે મિત પટેલે તેને સ્ટ્રોબેરી આઈસક્રીમ લઈને આપ્યો હતો. જ્યાંથી મિત પટેલ નેશનલ હાઈવે પર પહોંચ્યો હતો. જ્યાં અગાઉથી મિત પટેલનો નાનોભાઈ ધ્રુવ અને એક સગીર સાગરીત હાજર હતા. મિત પટેલે સગીર સાગરીતને કારમાં બેસી જવા કહ્યું હતું. જ્યારે ધ્રુવ પટેલ બાઈક પર પાછો જતો રહ્યો હતો. ત્યાર બાદ મિત પટેલ અને સગીર સાગરીત કાર લઈને વાસદ બ્રિજ પર પહોંચ્યા હતા. એ સમયે બ્રિજ પર લાઈટ નહોતી અને અંધારુ હતું. મિતે તાનિયાને કારમાંથી કાઢી બાવડેથી ઊંચકતાં તે જાગી ગઈ હતી. જેને કારણે મિત પટેલ અને સગીર સાગરીતે ‘ચાલ માછલી બતાવું’ તેમ કહી તાનિયાને કારમાંથી નીચે ઉતારી હતી. પછી પેરાફીટ કુદાવી હાઈવેના ફૂટપાથ પર નીચે બેસાડી હતી. જેથી કોઈ જોઈ ન જાય. એ પછી મિત પટેલે તાનિયાને ઊંચકી બ્રિજની રેલિંગ પર નદી તરફ મોઢું રખાવી ત્યાંથી જ 72 ફૂટની ઊંચાઈએથી જીવતી નીચે ફેંકી દીધી હતી. ત્યાર બાદ તરત બધા છૂટા પડ્યા હતા. મિત પટેલ સીધો ઘરે આવીને તાનિયાને શોધવાનો ઢોંગ કરવા લાગ્યો હતો. જ્યાં તેની માતા જિગીષા પણ પહેલાંથી તાનિયાના શોધવાનું નાટક કરી રહી હતી. તાનિયાનું અપહરણ કરીને તેને ઊંઘની ગોળી આપીને બેભાન કરવાનો પ્લાન હતો. પણ જો જો ઊંઘની ગોળીથી શાંત ન થાય તો તેને કપડાં સૂકવવાની દોરીથી ગળાફાંસો આપી હત્યા કરવાનો પ્લાન પણ વિચારી રાખ્યો હતો. આ માટે જિગીષાએ કપડાં સૂકવવાની દોરી કાપી મિતને આપી હતી. મિત પટેલના નાનાભાઈ ધ્રુવે સગીર સાગરીત સાથે મળી ઊંઘની ગોળી ડોક્ટર પાસે લખાવી મેડિકલ સ્ટોરીમાંથી ખરીદી હતી. પ્લાન મુજબ બીજા દિવસે ખંડણી માંગવા માટે અન્ય એક સગીર સાગરીતને વડોદરા મોકલવામાં આવ્યો હતો. જેની સાથે મિત સતત ફોન પર સંપર્કમાં હતો. મિત પટેલે સગીર સાગરીતને તાનિયાનાં દાદી કુસુમબેનનો મોબાઈલ નંબર લખી આપ્યો હતો. જેના પર 18 લાખની ખંડણી માગવાનું કહેવામાં આવ્યું હતું. સગીર સાગરીત ન ઓળખાઈ જાય તે માટે મોઢે હાથરૂમાલ બાંધવાનું અને ટોપી પહેરવાનું કહેવામાં આવ્યું હતું. તેમજ ખંડણી હિન્દી ભાષામાં માગવાની સૂચના આપી હતી. જોકે તાનિયા ગુમ થઈ થતાં મોટો દેકારો મચી ગયો હતો. ઘટના બાદ કુસુમબેનના ઘરે અસંખ્ય લોકોની સાથે મોટી સંખ્યામાં પોલીસ હોવાથી મિત પટેલને પકડાઈ જવાનો ડર લાગ્યો હતો. આથી કુસુમબેનને ફોન કરીને 18 લાખની ખંડણી માંગવાનો પ્લાન પડતો મૂકવામાં આવ્યો હતો. મિત પટેલે પાડોશી અન્ય એક યુવકના ફોનથી સગીર સાગરીતને ફોન કરી અડધા રસ્તેથી પાછા આવતા રહેવાની સૂચના આપી હતી. મિત પટેલે પોલીસ સામે ગુનાની કબૂલાત કરતા જ પોલીસે તેના બે સગીર સાગરીતોને એ દિવસે જ દબોચી લીધા હતા. જ્યારે મિત પટેલ ઝડપાઈ ગયાના સમાચાર મળતાં જ તેની માતા જિગીષા અને નાનોભાઈ ધ્રુવ ફરાર થઈ ગયાં હતાં. જોકે બનાવના 10 દિવસ બાદ બંનેને પોલીસે અંબાજીથી ઝડપી પાડ્યાં હતાં. આ તરફ પાંચેય આરોપી સામે નડિયાદમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી હતી. જેમાં શહેરની સ્વૈચ્છિક, સામાજિક, શૈક્ષણિક સંસ્થાઓએ ઠેર-ઠેર પ્રદર્શનો અને કેન્ડલ માર્ચ યોજી આરોપીને સખતમાં સખત સજા કરવાની માંગ કરી હતી. ઘટનાના પાંચ દિવસ બાદ 23 સપ્ટેમ્બર, 2017ના રોજ તાનિયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તાનિયાના મોતના થોડાક દિવસ બાદ મીડિયા સાથેની વાતચીતમાં કુસુમબેને ભાવુક થઈને હ્રદયનો ઊભરો ઠાલવ્યો હતો. કુસુમબેને કહ્યું હતું, મારા જીવનની ઘડિયાળ તાનિયાના મૃત્યુના દિવસથી જ થંભી ગઇ છે. તાનિયા હવે મારા સ્મરણોમાં જીવંત છે. તેની નોટબુક, યુનિફોર્મ, આઇ-કાર્ડ બધું જ સાચવી રાખ્યું છે, એ બધામાં મારી દીકરીનો અહેસાસ મળે છે. ક્યારેક બહુ યાદ આવે ત્યારે તેનો સ્પર્શ કરી, તેને અનુભવવાનો પ્રયાસ કરી લઉં છું. મારી પૌત્રીને મેગી ઉપરાંત પાણીપૂરી અને ભીંડાનું શાક ખૂબ ભાવતાં હતાં. મેં છેલ્લે તેને મેગી ખવડાવી હતી. બીજી તરફ લંડનમાં તાનિયાનો નાનો ભાઇ બહેનની તસવીરને પાણી પિવડાવતો હતો અને તેને ચમચીથી જમાડતો હતો. તાનિયાની તસવીર સાથે આત્મીયતાથી બંધાયેલા ભાઇની તસવીરો એ વખતે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ હતી. પોલીસે આરોપીઓ સામે 363, 302, 364એ, 120બી અને 201 કલમ મુજબનો ગુનો નોંધી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં કુલ 29 સાક્ષી અને કુલ 97થી વધુ દસ્તાવેજી પુરાવાઓ કોર્ટમાં રજૂ કરાયા હતા. સુનાવણીના અંતે એપ્રિલ- 2022માં કોર્ટે ત્રણ આરોપી મિત પટેલ, ધ્રુવ પટેલ અને માતા જિગીષાને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. જ્યારે બાદમાં કોર્ટે અન્ય બે સગીર આરોપીને પુખ્ત ગણી કેસ ચલાવવાનો હુકમ કર્યો હતો. દરમિયાન મુખ્ય સૂત્રધાર મિત પટેલ અમદાવાદની મધ્યસ્થ જેલમાંથી ઓગસ્ટ-2022માં પેરોલ રજા પર છૂટ્યા બાદ હાજર થવાને બદલે ભાગી ગયો હતો. જેને પેરોલ ફર્લો સ્કવોડે ઓક્ટોબર-2022માં બહુચરાજી ઝડપી લઈને ફરી જેલમાં મોકલી આપ્યો હતો. વાંચો પાર્ટ-1: NRIની દીકરીની નડિયાદથી 25 કિમી દૂર મળી લાશ, હાથ-પગના પંજા ગાયબ, કોણે કર્યું અપહરણ? ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના અન્ય કેસ વાંચવા અહીં ક્લિક કરો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments